અધ્યાય - ૪૫ - ઉપપાપોના પ્રાયશ્ચિતવિધિનું કરેલું નિરૃપણ.

ઉપપાપોના પ્રાયશ્ચિતવિધિનું કરેલું નિરૃપણ. ગૌહત્યાનો પ્રાયશ્ચિત વિધિ. વ્રાત્ય નામના ઉપપાપનું પ્રાયશ્ચિત. ચોરીના ઉપપાપનું પ્રાયશ્ચિત. નહીં વેચવા યોગ્ય પદાર્થને વેચવાનું પ્રાયશ્ચિત. પરિવેદન-પારિવિત્યપાપનું પ્રાયશ્ચિત. વિદ્યા વેચવા ખરીદવારૃપ ઉપપાપનું પ્રાયશ્ચિત. પરદારાસંગરૃપ ઉપપાપનું પ્રાયશ્ચિત. સ્ત્રીવધ આદિક ઉપપાપનું પ્રાયશ્ચિત. નાસ્તિક ભાવના પાપનું પ્રાયશ્ચિત. અવકીર્ણિત નામના પાપનું પ્રાયશ્ચિત. તળાવ આદિકને વેચવા રૃપ પાપનું પ્રાયશ્ચિત. હીન યોનિમાં પ્રવેશ કરવાથી થતા પાપનું પ્રાયશ્ચિત. ઋણ ચૂકતે ન કરવાથી થતા ઉપપાપનું પ્રાયશ્ચિત.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! એક માસ પર્યંત ચાંદ્રાયણ વ્રત અથવા બે પળી દૂધ પીવાથી ઉપપાતકની શુદ્ધિ થાય છે. આ પ્રમાણે સર્વે બાબતમાં એક સરખો નિર્ણય જાણવો.૧ 

હવે ઉપપાતકના ભેદ કહી તેનો વિશેષ પ્રાયશ્ચિતવિધિ પણ કહીએ છીએ. ગૌહત્યા, વ્રાત્યતા-અસંસ્કારીપણું, ચોરી, નહિ વેચવા યોગ્ય ફળ, પુષ્પાદિકનો વિક્રય, પારિવિત્ય અને પરિવેદન- મોટાભાઇ કુંવારો હોય ને નાનોભાઇ તેમની મરજી વિના પરણે તો મોટા ભાઇને પરિવિત્ય દોષ લાગે અને નાનાભાઇને પરિવેદન નામનો દોષ લાગે છે, પગાર આપીને ભણવાપણું અને પગાર લઇને ભણાવવાપણું, પરસ્ત્રીનો સંગ, સ્ત્રી આદિકનો વધ, નાસ્તિકપણું, બ્રહ્મચર્યવ્રતનો ભંગ થવાથી થતો અવકીર્ણિ નામનો દોષ, તળાવ આદિનો વિક્રય કરવો, હીનયોનિમાં પ્રવેશ કરવા પ્રવૃત્ત થવું, ઋણ ચૂકતે ન કરવું, એ આદિ સર્વે ઉપપાપો કહેલાં છે. તેમનું અનુક્રમે પ્રાયશ્ચિત કહીએ છીએ.ર-૪ 

ગૌહત્યાનો પ્રાયશ્ચિત વિધિ :- જો બ્રાહ્મણ અજ્ઞાનથી લાકડી કે પથ્થરથી દુર્બળ અને વૃદ્ધ ગાયને મારે ને જો તે મરી જાય તો તે બ્રાહ્મણે નિરાહારી રહી પંચગવ્યનું માત્ર પાન કરતાં અહિંસા, સત્ય આદિક યમોનું અને અષ્ટપ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરી એક મહિના સુધી ગાયની સેવામાં સદાય તત્પર રહેવું.પ-૬ 

ધીરજ યુક્ત થઇ બ્રાહ્મણે ત્રિકાલ સ્નાન કરવું, તૃણ ચરવા માટે વનમાં જતી ગાયની પાછળ પાછળ જવું, તે ગાય જ્યાં જાય ત્યાં કાંટા, કાંકરાવાળા પ્રદેશમાં જવું. પણ ગાયને રોકવી નહિ.૭ 

ને ઉઘાડે પગે તેમની પાછળ ચાલવું. પ્રાયશ્ચિત કરતા બ્રાહ્મણે ગાય ઊભી રહે તો ઊભા રહેવું, ગાય બેસે તો બેસવું અને ગાય ચાલે તો ચાલવું, ગરમી, ઠંડી અને તીવ્ર પવન આદિકનું સહન કરવું.૮ 

ઇન્દ્રિયોને નિયમમાં રાખી પ્રાયશ્ચિત કરનારા બ્રાહ્મણે સાયંકાળે ગૌશાળામાં પધારેલી ગાયની સમીપે જ કંઇ પણ બિછાનું પાથર્યા વિના પૃથ્વીપર શયન કરવું, આવી રીતે એક માસ સુધી પ્રતિદિન વ્રત કરવું.૯ 

ચોર અને વાઘ આદિકથી ભયભીત થયેલી, રોગથી પીડાતી, માર્ગમાં પડેલી, કાદવમાં ખૂંપી ગયેલી ગાયને પોતાના પ્રાણ પણ સંકટમાં મૂકીને બચાવવી.૧૦ 

જો પોતાના કે પારકા ઘર કે ખેતરમાં અથવા ખળામાં ગાય ચરતી હોય તો તે વિષે કોઇને સૂચવવું નહિ. તેમજ જે ગાયને વાછરડું ધાવતું હોય તે વિષે પણ સૂચવવું નહિ.૧૧ 

આમ કરતાં એક મહિનો પૂર્ણ થાય ત્યારે વિધિપૂર્વક સુપાત્ર બ્રાહ્મણને ગાયનું દાન કરવું. તે ગાયને સુવર્ણનાં શીંગડાં, રૃપાની ખરી, વત્સસહિત, કાંસાના દોહનપાત્ર સહિત, પીઠ ઉપર તાબાંથી મઢેલી, સારાં લક્ષણવાળી, વસ્ત્રથી અલંકૃત કરેલી, નેત્રોના પ્રાંતભાગમાં રત્નોથી જડેલી, એક વખત પ્રસૂતા થયેલી, સુંદર રૃપવાળી, બહુ દૂધાળી, એવી ગાયને મૂલ્ય આપીને ખરીદી લેવી ને તેનું દાન કરવું.૧ર-૧૩ 

પછી ધનનો લોભ કર્યા વિના બ્રાહ્મણોને વ્રત કરનાર બ્રાહ્મણે દક્ષિણા આપવી. અને સારાં ભોજનથી તૃપ્ત કરવા પછી તેના આદેશથી વ્રત કરનારો શુદ્ધ થાય છે.૧૪ 

જો વેદ ભણેલા શ્રોત્રિય બ્રાહ્મણની સારાં લક્ષણોવાળી ગાયની શસ્ત્રથી હત્યા થઇ હોય તો તે ભિક્ષા-અન્નથી જીવન વ્યતીત કરતાં પૂર્વોક્ત વ્રત ત્રણ વર્ષ સુધી કરવું.૧પ

તેમાં પણ તે મારી નાખવામાં આવેલી ગાયનું ભીનું ચર્મ ઓઢીને પોતાથી થયેલા ગૌહત્યાના કર્મને સર્વની આગળ કહીને જાહેર કરી દેવું. એમ કરતાં કાળ પૂર્ણ થાય ત્યારે તે ગોવધથકી શુદ્ધ થાય છે.૧૬ 

જો ગાયનો પોતાથકી અસ્થિભંગ થાય અથવા પૂંછનું છેદન થાય તથા શીંગડાંનો ભંગ થાય તો ઉપરોક્ત વ્રત પંદર દિવસ કરવું.૧૭ 

અચાનક ગાય ઉપર વીજળીનો પાત થાય, કોઇ અગ્નિ લાગેને બળી જાય, કે દિવાલ આદિકના પડવાથી મત્યુ થાય તો મનુષ્યને કોઇ દોષ લાગતો નથી.૧૮ 

આ કહેલું પ્રાયશ્ચિત બ્રાહ્મણને સંપૂર્ણ કરવું, ક્ષત્રિયને પોણું, વૈશ્યને અર્ધું અને શૂદ્રને પા ભાગનું પ્રાયશ્ચિત કરવું.૧૯ 

વ્રાત્ય નામના ઉપપાપનું પ્રાયશ્ચિત :- હવે વ્રાત્ય નામનું ઉપપાપ અને તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ.મુખ્ય કે ગૌણ કાળથી જેમનો ઉપનયન સંસ્કાર જ ન થયો હોય તેવા વિપ્રને વ્રાત્ય કહેલો છે. જો તે નવ વર્ષથી આરંભીને સોળ વર્ષના અંત સુધીમાં ઉપનયન સંસ્કાર ન કરે તો પોતાની શુદ્ધિને માટે બે માસ સુધી યવનો સાથવો જમે, એક માસ દૂધપાન કરે, એક પખવાડિયા સુધી ઠંડા કે ગરમ દૂધમાં દહીં ભેળવીને જમે, આઠ દિવસ ઘીનું પાન કરે, છ દિવસ માગ્યા વિના જે મળે તે જમે, ત્રણ દિવસ જળપાન કરે અને છેલ્લે દિવસે ઉપવાસ કરે. પછી ઉપનયન સંસ્કાર કરવાથી શુદ્ધ થાય છે. આ વસિષ્ઠમુનિએ કહેલું ઉદ્દાલકવ્રત જાણવું.૨૦-૨૨ 

ચોરીના ઉપપાપનું પ્રાયશ્ચિત :- હવે ચોરી નામે ઉપપાપ અને તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ. જો કોઇ બ્રાહ્મણ બ્રાહ્મણના ઘેરથી ધાન્ય અથવા સોના સિવાય અન્ય ધનની ચોરી કરે, તો પવિત્ર થઇ નિયમપૂર્વક બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતાં એક વર્ષ કૃચ્છ્રવ્રતો કરે પછી શુદ્ધ થાય છે. અહીં કૃચ્છ્રવ્રતો બહુવચનમાં હોવાથી ચાંદ્રાયણ, પારાકકૃચ્છ્ર આદિ વ્રત કરવાનું જાણવું.૨૩-૨૪ 

જો બ્રાહ્મણ ક્ષત્રિયના ઘેરથી ધાન્યાદિકની ચોરી કરે તો છ માસ, વૈશ્યના ઘરથી ચોરી કરે તો ત્રણ માસ અને શૂદ્રના ઘરથી ચોરી કરે તો દોઢમાસ કૃચ્છ્રવ્રત કરવાથી શુદ્ધ થાય છે.રપ 

રત્ન, ધાતુ, રૃપિયા, ધાન્ય, તૃણ, કાષ્ટ, ફળ, મૂળ, વગેરેની ચોરી કરે, તો તેના મૂલ્ય પ્રમાણે પ્રાયશ્ચિત કરવું.ર૬ 

એક વખતનું ભોજન થઇ રહે તેટલા અન્નની ચોરી કરે કે તેના સમાન દ્રવ્યની ચોરી કરે તો પંચગવ્યનું પાન કરી એક ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય છે.ર૭ 

અને તેનાથી બમણા ધાન્યની ચોરી કરે તો પંચગવ્યનું પાન અને બે રાત્રી ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે.ર૮ 

આ પ્રમાણે જેટલી ચોરી તેટલા વ્રતનું અનુષ્ઠાન કરવું. પ્રથમ ચોરેલું ધાન્ય કે દ્રવ્ય તેના માલિકને પરત આપીને પછીથી વ્રત કરવું.ર૯ 

જેટલા પ્રાયશ્ચિતના દિવસોની અવધી હોય તેટલા દિવસ સુધી નિરંતર શક્તિ પ્રમાણે વારંવાર કૃચ્છ્રવ્રતો કરવાં.૩૦ 

જે પુરુષ ભૂમિ, સુવર્ણ, ગાય ઘોડો આદિક જેની વસ્તુ ચોરી હોય તેના માલિકને પ્રયત્નપૂર્વક પ્રસન્ન કરવો. પછી તે કહે કે આજથી હવે તું શુદ્ધ છે. ત્યારથી શુદ્ધ જાણવો. બીજાં કોઇ પ્રાયશ્ચિત નથી.૩૧ 

અથવા પોતે કરેલી ચોરી રાજાને જણાવી, પછી તે જે દંડ આપે તે કરવાથી શુદ્ધ થાય છે. અથવા રાજા કોઇ દંડ કર્યા વિના દયાથી છોડી મૂકે તો પણ શુદ્ધ થાય છે અને તપશ્ચર્યા કરવાથી પણ શુદ્ધ થાય છે.૩૨ 

નહીં વેચવા યોગ્ય પદાર્થને વેચવાનું પ્રાયશ્ચિત :- હવે નહીં વેચવા યોગ્ય વસ્તુના વેચવાથી થતાં ઉપપાપો અને તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ. રાંધેલું અન્ન, ગોળ, તેલ, પુષ્પ અને ફળને વેચે તો સૌમ્યકૃચ્છ્રવ્રત કરે.૩૩ 

અને જો લાખ, મીઠું, તેલ, દૂધ, દહીં, ઘી, ચર્મ, વસ્ત્ર, મધ અને છાશ આદિકની વિક્રી કરે તો ચાંદ્રાયણવ્રત કરવું.૩૪ 

અને જો ખનીજ પદાર્થ, છીપ, ગૂગળ, અંજન, ગોરુ, હીંગ, કામળી, ધેનુ, શીંગડાં, પાષાણ, શસ્ત્રો, હાથીદાંત, નખ, ઘર, મણિ, મુક્તાફળ, પ્રવાલ, વેણુનાં પાત્રો, ઘંટ, શશવ આદિક માટીનાં પાત્રો અને ભૂમિ, આટલી વસ્તુને વેચે તો તપ્તકૃચ્છ્ર વ્રત કરે.૩પ-૩૬ 

પરિવેદન-પારિવિત્યપાપનું પ્રાયશ્ચિત :- હવે પરિવેદન અને પારિવિત્ય નામના ઉપપાપનું પ્રાયશ્ચિતકહીએ છીએ. મોટોભાઇ, પરણ્યો ન હોય ને નાનો ભાઇ પરણે તો પરિવેદન નામનો દોષ થયો કહેવાય. તે સમયે પરણનારો નાનો ભાઇ પરિવેત્તા કહેવાય અને મોટોભાઇ પછી પરણે અને અગ્નિનો સ્વીકાર કરે ત્યારે તેને પરિવિત્તિ કહેવાય.૩૭-૩૮ 

આ ઉપપાપના ભાગી બન્ને ભાઇએ એક વર્ષ સુધી બ્રાહ્મણના ઘરથી ભિક્ષા માગીને જીવન જીવતાં પ્રાજાપત્ય નામના બ્રહ્મચર્ય વ્રતે સહિત કૃચ્છ્ર વ્રત કરવું, તેથી બન્ને શુદ્ધ થાય છે.૩૯ 

વિદ્યા વેચવા ખરીદવારૃપ ઉપપાપનું પ્રાયશ્ચિત :- હવે પૈસા આપીને વિદ્યા લેનાર અને પૈસા લઈ વિદ્યા આપનાર ગુરૃ શિષ્ય બન્ને દોઢ માસ બ્રાહ્મીસુવર્ચલાનું પાન કરવાથી શુદ્ધ થાય છે.૪૦ 

પરદારાસંગરૃપ ઉપપાપનું પ્રાયશ્ચિત :- પરદારાના સંગ રૃપ ઉપપાપનું પ્રાયશ્ચિત્ જો બ્રાહ્મણ કોઇ બ્રાહ્મણી સાથે વિહાર કરે તો તેમને ગુરૃસ્ત્રીગમન સમાન પાપ લાગે છે. તેથી ગુરૃસ્ત્રી ગમનનું જે પ્રાયશ્ચિત કહ્યુ તે અહીં પણ જાણવું. જો અલ્પ સરખી પણ વ્યભિચારિણી બ્રાહ્મણીનો બુદ્ધિપૂર્વક સંગ કરે તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતાં ત્રણ વર્ષનું વ્રત કરે. તે વ્રતમાં ભિક્ષાટન, ત્રિકાળ સ્નાન અને મંત્રજાપને કરવાનું જાણવું. અને બ્રાહ્મણ ક્ષત્રાણી સાથે ગમન કરે તો બે વર્ષનું વ્રત કરે.૪૧-૪ર 

હે ઉત્તમ વિપ્ર ! સર્વ પ્રકારના વ્રતમાં તપશ્ચર્યા મુખ્યપણે કરવાની જાણવી, કારણ કે તપની સાથે કરેલું પ્રાયશ્ચિત પૂર્ણ મનાયેલું છે.૪૩ 

જો એકવાર સ્ત્રી ગમન કરે ને ગર્ભ રહે તો સર્વ જાતિના પુરુષોએ સર્વજાતિની સ્ત્રીગમનરૃપ પાપને શાંત કરવા બમણું વ્રત કરવું.૪૪ 

બ્રાહ્મણ જો વૈશ્યની સ્ત્રી સાથે ગમન કરે તો એક વર્ષનું વ્રત કરવું. અને સર્વે વર્ણના પુરુષોએ જો પોતાના ગોત્રની સ્ત્રીનો સંગ થાય તો તે પાપ પણ ગુરૃપત્નીના ગમન સરખું પાપ હોવાથી પ્રાયશ્ચિત પણ તેને અનુરૃપ કરવું.૪પ 

બ્રાહ્મણ જો એકવાર શૂદ્રની સ્ત્રી સાથે ગમન કરે તો છ મહિનાનું વ્રત કરવું. પણ જો ગર્ભ રહે તો ત્રણ વર્ષનું વ્રત કરવું.૪૬ 

જો ક્ષત્રિય પુરુષ ક્ષત્રાણી સાથે ગમન કરે તો બે વર્ષ અને વૈશ્યની સાથે ગમન કરે તો એક વર્ષનું વ્રત કરે. અને શૂદ્રસ્ત્રી સાથે ગમન કરે તો છ માસનું વ્રત કરવું.૪૭ 

તેમજ વૈશ્ય પુરુષ જો વૈશ્યની પરસ્ત્રી સાથે ગમન કરે તો એક વર્ષનું વ્રત કરવું. અને શૂદ્રસ્ત્રી સાથે ગમન કરે તો છ માસનું વ્રત કરે. તેમજ શૂદ્ર પુરુષ જો શૂદ્રસ્ત્રી સાથે ગમન કરે તો છ માસનું વ્રત કરે.૪૮ 

પરંતુ પ્રતિલોમ ગમનમાં મોટું પ્રાયશ્ચિત કહેલું છે. જેમ કે શૂદ્રપુરુષ વૈશ્યસ્ત્રીની સાથે અને વૈશ્યપુરુષ ક્ષત્રાણી સાથે ગમન કરે તો જીવન પર્યંત તપશ્ચર્યા પરાયણ રહેવું. અને જો શૂદ્ર, વૈશ્ય કે ક્ષત્રિય પુરુષો બ્રાહ્મણી સાથે ગમન કરે તો તેના પ્રાયશ્ચિતમાં અગ્નિપ્રવેશ કરવાથી શુદ્ધ થાય છે. અહીં અગ્નિ પ્રવેશ મીતાક્ષરા ટીકા થકી જાણવો.૪૯ 

જો બ્રાહ્મણ મોહને કારણે વ્યભિચારિણી અત્યંજની સ્ત્રી સાથે એક જ વાર ગમન કરે તો તે બ્રાહ્મણે બે ચાંદ્રાયણ વ્રત કરવાં.પ૦ 

તેવી જ રીતે જો ક્ષત્રિય, વૈશ્ય અને સત્શૂદ્રાદિકને જો વ્યભિચારીણી અત્યંજની સ્ત્રી સાથે મોહથી એકવાર જો ગમન થાય તો બ્રાહ્મણ કરતાં એક એક પાદ ઓછાં ઓછાં ચાંદ્રાયણ વ્રત કરવાં. પૂર્વોક્ત પુરુષોને સવર્ણ કે અસવર્ણ સ્ત્રીઓ સાથેના ગમનમાં જે ત્રણવર્ષ આદિનાં પ્રાયશ્ચિત કરવાનાં કહ્યાં, તે સર્વે સ્ત્રીઓ સાથે પરપુરુષના સંગમાં કરવાનાં જાણવાં.પ૧ 

અશક્ત નારીઓને માટે યથાશક્તિ ચાંદ્રાયણ કે કૃચ્છ્રાદિના વ્રતથી પાપની શુદ્ધિ થાય છે.પર 

તેમજ અશક્ત પુરુષોને પણ પરદારા ગમનના દોષથી ચાંદ્રાયણવ્રત યથાશક્તિ કરવાથી વિશુદ્ધિ થાય છે.પ૩ 

આ પ્રમાણે પરાશરઋષિએ કહેલું છે. વળી જે સ્ત્રી એકવાર ચંડાલ, યવન, અને મ્લેચ્છ પુરુષો દ્વારા ભોગવાઇ હોય અથવા તે તેનું એકવાર અન્ન જમી હોય તો તે નારી પ્રદીપ્ત અગ્નિમાં પ્રવેશ કરવાથી શુદ્ધ થાય છે.૫૪ 

સ્ત્રીવધ આદિક ઉપપાપનું પ્રાયશ્ચિત :- હવે સ્ત્રીવધના ઉપપાપનું પ્રાયશ્ચિત કહીએ છીએ. જો બ્રાહ્મણ અલ્પ સરખી વ્યભિચારિણી બ્રાહ્મણીનો અજાણતાં વધ કરે તો મનથી સાવધાન થઇ એકવર્ષ કૃચ્છ્રવ્રત કરે.પપ 

અને વ્યભિચારિણી ક્ષત્રિયસ્ત્રીનો વધ કરે તો છ મહિના, વૈશ્યસ્ત્રીનો વધ કરે તો ત્રણ મહિના અને શૂદ્રસ્ત્રીનો વધ કરે તો દોઢ મહિનો કૃચ્છ્રવ્રત કરે.પ૬ 

જો બ્રાહ્મણથી હત્યા કરાયેલી સ્ત્રીઓ પતિવ્રતાદિ ગુણોથી યુક્ત હોય ને અજાણતાં મરાઇ જાય તો ક્રમ પ્રમાણે બ્રાહ્મણી સ્ત્રીના વધમાં બાર વર્ષ, ક્ષત્રાણીની હત્યાના છ વર્ષ, વૈશ્યની સ્ત્રીહત્યામાં ત્રણ વર્ષ અને શૂદ્રની સ્ત્રીના વધમાં દોઢ વર્ષ પર્યંત વ્રત કરવું.૫૭ 

જો બ્રાહ્મણ ગુણહીન ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનો અજાણતાં વધ કરે તો ક્રમાનુસાર ત્રણ વર્ષ, એક વર્ષ અને છ મહિનાનું વ્રત કરે.પ૮ 

પરંતુ હે વિપ્ર ! જો ગુણવાન એવા ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પુરુષનો અજાણતા વધ થઇ જાય તો ક્રમથી આઠ, છ અને ત્રણ વર્ષ પર્યંત બ્રહ્મહત્યાનું વ્રત કરવું. પછી શુદ્ધ થાય છે. અને આ નિયમ ક્ષત્રિયાદિ પુરુષથી હત્યા થઇ હોય તો એક એક પાદ ઓછું વ્રત કરવાનું જાણવું.૫૯ 

જો હાથીની હત્યા થઇ જાય તો નીલવર્ણવાળા પાંચ બળદોનું દાન કરવું. પોપટની હત્યામાં બે વર્ષના વાછરડાનું દાન કરવું. ગધેડા, બકરી કે ઘેટાંનો વઘ થાય તો પ્રત્યેકમાં એક એક બળદનું દાન કરવું. કૌંચ પક્ષીની હત્યા થાય તો ત્રણવર્ષના વાછરડાનું દાન કરવું.૬૦ 

હંસ, બાજ, વાનર, વાઘ, શિયાળ, આદિક માંસભક્ષીઓ તથા જળકે સ્થળમાં રહેલાં બતક કે બગલા આદિક પક્ષીઓ, મોર કે અન્ય કોઇ ભાસ નામના પક્ષીની હત્યા થાય તો પ્રત્યેકના પ્રાયશ્ચિતમાં એક એક ગાયનું દાન કરવું. અને શાકાહારી પક્ષી હોય કે મૃગલાં આદિક પ્રાણીની હત્યા થાય તો વાછરડીનું દાન કરવું.૬૧ 

સર્પની હત્યા થાય તો બ્રાહ્મણને લોખંડના દંડનું દાન કરવું. નપુંસક એવાં મૃગલાં કે પક્ષી આદિકની હત્યા થાય તો એક માપ જેટલા કલઇ કે સીસાનું દાન કરવું.૬ર

ભુંડની હત્યામાં ઘીના ઘડાનું દાન કરવું. ઊંટની હત્યામાં ચણોઠી જેટલા સોનાનું દાન કરવું. ઘોડાની હત્યામાં વસ્ત્રનું, તેતરની હત્યા થાય તો દ્રોણ જેટલા તલનું દાન કરવું. ઉપરોક્ત હાથી આદિકના વધમાં કહેલું દાન આપવામાં અસમર્થ હોય તેણે એક કૃચ્છ્રવ્રત કરવું. તેના પ્રારંભના પ્રથમ દિવસે માત્ર પંચગવ્યનું પાન કરવું, ને બીજે દિવસે ઉપવાસ કરવો.૬૩-૬૪ 

બિલાડી, ઘો, નોળિયો, દેડકો, બપૈયો, ઘુવડ આદિકનો વધ થાય તો ત્રણ દિવસ માત્ર દૂધ પીને રહેવું. અથવા એક પાદકૃચ્છ્રવ્રત કરવું.૬પ 

ફળો, પુષ્પો, અન્ન અને શેરડી આદિક રસમાં ઉત્પન્ન થયેલાં અસ્થિ વિનાનાં જંતુઓનું હનન થાય તો પ્રાણાયામ કરવો ને ઘીનું પાન કરી પ્રાયશ્ચિત કરવું, અર્થાત્ એક વખતના ભોજનને બદલે એક પળી ઘી પીવું.૬૬ 

તેમજ ફળ આપનારાં આંબા તથા પુષ્પો આપનારાં ચંપા આદિકનાં વૃક્ષોના છેદનમાં સો ગાયત્રી મંત્રના જાપ કરવા.૬૭ 

યજ્ઞાસ્થાન, સ્મશાન, સીમા, પુણ્યસ્થાન અને દેવમંદિરમાં ઉગેલાં વૃક્ષોને તથા પીપળા આદિકનાં વૃક્ષોના છેદનમાં બમણું તપ કરવું.૬૮ 

હાથે વીર્યપાત કરે, ખોટું બોલે, હાથ, વાણી અને પગની ચંચળતા કરે, તો ગાયત્રી મંત્રના એક હજાર જપ કરે આ પ્રાયશ્ચિત ગૃહસ્થ માટે કહેલું છે.૬૯ 

નાસ્તિક ભાવના પાપનું પ્રાયશ્ચિત :- પરલોક જેવું કાંઇ છે નહિ, એમ બોલી એકવાર જો વેદની નાસ્તિકભાવે નિંદા કરે, તેમજ શાસ્ત્રો, પુરાણો આદિકની નિંદા કે ઘ્રૃણા કરે, તો પોતાની શુદ્ધિને માટે પ્રાજાપ્રત્યવ્રત કરવું.૭૦ 

અવકીર્ણિત નામના પાપનું પ્રાયશ્ચિત :- બ્રહ્મચારી જો એકવાર સ્ત્રીનું ગમન કરે તો તેમને અવકીર્ણિનામનું પાપ લાગે છે. તેથી તેને રાત્રીના સમયે જંગલમાં જ્યાં ચાર રસ્તા ભેળા થતા હોય ત્યાં ચૂલ્લા આદિકના લૌકિક અગ્નિમાં એક આંખવાળા કાણા ગધેડાથી નિઋર્તિ નામના રાક્ષસનું યજન કરવું. પછી બ્રહ્મચારીએ ઊંચા વાળવાળા પોતે હણેલા ગધેડાના ચામડાને અંગ ઉપર ધારણ કરી વનમાં જ નિવાસ કરવો.૭૧-૭ર 

અહિંસા, બ્રહ્મચર્યાદિક યમોનું પાલન કરતાં તે અવકીર્ણ બ્રહ્મચારીએ હાથમાં રક્ત પાત્ર લઇ ગામમાં સાત ઘેર ભિક્ષા માગવી, તેમાં મળેલું અન્ન એકવાર જમવું, અને ત્રણ વખત સ્નાન કરવું.૭૩ 

જે સ્ત્રી સાથે પોતે અવકીર્ણી થયો હોય તે સ્ત્રી જો બ્રાહ્મણી હોય તો આ કહેલું વ્રત ત્રણ વર્ષ કરવું. ક્ષત્રાણી હોય તો બે વર્ષ, વૈશ્ય હોય તો એક વર્ષ અને શૂદ્ર સ્ત્રી સાથે ગમન કર્યું હોય તો અગ્નિમાં પ્રવેશ કરવાથી શુદ્ધ થાય છે. અને સ્વયં કરમૈથુન કરી વીર્યસ્રાવ કર્યો હોય તો નૈઋર્ત દેવતાનો યાગ માત્ર કરવો, પરંતુ વ્રત ન કરવું. અહીં ગર્દભયજ્ઞા કરવાનું કહ્યું તે કલિયુગમાં નિષેધ હોવાથી નૈઋતદેવને ચરુ અર્પણ કરી યાગ પૂર્ણ કરવો.૭૪-૭૫ 

જો સ્વપ્નામાં વીર્યસ્રાવ થાય તો સ્નાન કરી સૂર્યની પૂજા કરી એકસો આઠ ગાયત્રીમંત્રનો જપ અને એક ઉપવાસ કરવો. ત્યારે શુદ્ધ થાય છે.૭૬ 

તેમજ ગૃહસ્થ પુરુષોએ પણ ચાંદ્રાયણાદિ વ્રતમાં બ્રહ્મચર્ય પાલન કરવાનું હોય છે. તેમાં જો પોતાની પત્નીનો સંગ કરે તો તે પાપની શુદ્ધિ માટે આ અવકીર્ણવ્રત કરવું.૭૭ 

અને વાનપ્રસ્થી કે સંન્યાસીના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય તો તેમણે પણ આ અવકીર્ણવ્રતનું અનુષ્ઠાન ત્રણ પારાક વ્રત સહિત કરવું.૭૮ 

 તેમ કરવા અસમર્થ હોય તો બ્રહ્મચારી આદિક સર્વેને હૃદયમાં હરિનું સ્મરણ કરતાં કરતાં જીવન પર્યંત તપ કરવું.૭૯ 

તળાવ આદિકને વેચવા રૃપ પાપનું પ્રાયશ્ચિત :- તળાવ, વાવ, કૂવા, બગીચા, પોતે કરેલું પુણ્ય, પુત્ર, પત્ની અને પોતાનો દેહ જો વેચે તો તે પાપથી છૂટવા ભિક્ષાન્ન જમી તીર્થાટન પરાયણ જીવન જીવવારૃપ એક વર્ષ પર્યંત આ વ્રત કરવું. તેમાં એક એકના વિક્રયમાં અલગ, અલગ વ્રત કરવું.૮૦ 

હીન યોનિમાં પ્રવેશ કરવાથી થતા પાપનું પ્રાયશ્ચિત :- ગર્દભાદિક પશુ અને વેશ્યાની સાથે મૈથુન કરે તો પ્રાજાપત્ય કૃચ્છ્રવ્રત કરવું, આમ કરવાથી પાપથી મુક્ત થાય છે.૮૧ 

ઋણ ચૂકતે ન કરવાથી થતા ઉપપાપનું પ્રાયશ્ચિત :- જેણે વ્યાજે પૈસા લઇ લૌકિક ઋણનું કે દેવતા કે પિતૃસંબંધી વૈદિક ઋણનું શક્તિ પ્રમાણે ચૂકવણું ન કર્યું હોય, તેમજ આપત્કાળ પડયા વિના પ્રમાદથી અગ્નિનો ત્યાગ કર્યો હોય, નિષેધ કરેલા વ્યાજવટાથી જીવન જીવતો હોય, મીઠાંનું ઉત્પાદન કરતો હોય, શાસ્ત્રમાં નિષેધ કરેલી આજીવિકાથી જીવન જીવતો હોય, અધિકાર વિનાના હીન જાતિના પુરુષો પાસે યજ્ઞાદિક કર્મ કરાવતો હોય, માતા-પિતા અને પુત્રનો ત્યાગ કર્યો હોય, આંગળી આદિકથી કન્યાની યોનિને નુક્શાન પહોંચાડયું હોય તથા લૌકિક નવલકથા જેવા શાસ્ત્રોના અધ્યનમાં પ્રીતિ કરવાથી પોતાના વેદાધ્યયન આદિકને છોડી દીધું હોય, કુટિલ આચરણ, લીધેલાં વ્રતનો લોપ, શિષ્ટ પુરુષોએ નિષેધ કરેલા નિયમવ્રતનો ભંગ, પોતા માટે રસોઇ પકાવવી, મદ્યનું પાન કરી સ્ત્રી સંગ કરતો હોય, પત્ની પાસે વેશ્યાવૃત્તિ કરાવી જીવતો હોય, વશીકરણાદિ ઔષધીનો વિક્રય, હિંસાથી ધનને મેળવવું, હિંસા થાય તેવા યંત્રોનું નિર્માણ તથા વેચવું, મૃગ્યા આદિક અઢાર પ્રકારનાં વ્યસનો, વેતન લઇ શૂદ્રની સેવા કરવી, હીન જાતિના પુરુષો સાથે મિત્રતા, અસત્શાસ્ત્રોનો અભ્યાસ, સુવર્ણાદિકની ખાણોમાં રાજાની આજ્ઞાથી અધિકારીપણું કરવું, સ્નાન, સંધ્યાદિ નિત્ય કર્મોને છોડી દેઈને વર્તવું, ચાર પ્રકારના આશ્રમથી બહાર રહેવું, પુરુષોની સાથે મૈથુનાચરણ, સુરા અને મદ્ય પાન કરનારા દુષ્ટ પુરુષોની પાસેથી દાન લેવું, આ સર્વે પ્રકારનાં ઉપપાપો કરનારા દ્વિજાતિ પુરુષે પ્રત્યેક પાપની શાંતિ માટે યમ અને નિયમોથી યુક્ત થઇ ત્રણ માસનું વ્રત કરવું.૮૨-૮૮ 

હવે યમો અને નિયમો શું છે ? તે કહીએ છીએ. બ્રહ્મચર્ય, દયા, ક્ષાન્તિ, દાન, સત્ય, અકુટિલતા, અહિંસા, અસ્તેય, મધુર ભાષણ અને ઇન્દ્રિયોનું દમન આ સર્વે યમ કહેલા છે.૮૯ 

તેમ જ સ્નાન, મૌન, ઉપવાસ, ભગવદ્પૂજા, સ્વાધ્યાય, શિશ્નેન્દ્રિયનો નિગ્રહ, ગુરૃની સેવા, બહાર અંદર પવિત્રતા, ક્રોધ અને પ્રમાદનો ત્યાગ આ સર્વે નિયમો કહેલાં છે.૯૦ 

હવે ત્રણ માસવાળું વ્રત કહીએ છીએ. વ્રત કરનારા પુરુષે જીતેન્દ્રિય થઇ એક મહિનો એકવાર મિતાહાર કરવો, યવનો સાથવો જમવો, બે શાક જમવાં, આટલું કરવા અશક્ત હોય તેમણે હવિષ્યાન્ન જમવું. તેમાં પણ અશક્ત હોય તેમણે ભિક્ષાન્નનો એકવાર મિતાહાર કરવો.૯૧ 

આ પ્રમાણે ત્રણ મહિના કરવા અશક્ત હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રજાપ સાથે સર્વે પાપને નાશ કરનારૃં એક માસનું ચાંદ્રાયણ વ્રત કરવું.૯૨ 

હે વિપ્રવર્ય ! મનુષ્યોના પાપનો નાશ પ્રાયશ્ચિતરૃપ તપ કર્યા વિના થતો જ નથી. જે મનુષ્ય આલોકમાં થઇ ગયેલાં પાપનું પ્રાયશ્ચિત કરતો નથી. તે પુરુષ તે પાપને અનુરુપ ફળને પરલોકમાં જઇને નિશ્ચે ભોગવે છે.૯૩ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ ઉપપાતક નામનાં સર્વે પાપોનાં પ્રાયશ્ચિતનું નિરૃપણ કર્યું એ નામે પીસ્તાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૫--