શ્લોક ૨૬

स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित् । कृतघ्नसङ्गस्त्यक्तव्यो लुञ्चा ग्राह्या न कस्यचित् ।।२६।।


અને વળી મારા આશ્રિતો હોય તેમણે, જે સત્ય વચન બોલવે કરીને પોતાનો તથા પારકો દ્રોહ થઇ જતો હોય, એવું જે સત્ય વચન તે ક્યારેય બોલવું નહિ; અને જે કૃતઘ્ની હોય, તેના સંગનો ત્યાગ કરી દેવો; અને વ્યવહાર કાર્યમાં કોઇની લાંચ લેવી નહિ.


શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ નિરૂપણ કરતાં કહે છે કે, આપણા મનમાં એમ થાય કે મારે હમેશાં સાચું જ બોલવું છે, ખોટું ક્યારેય બોલવું નથી. છતાં પણ સાચું બોલવાથી જો પોતાને અથવા બીજાને પીડા થઇ જતી હોય, તો એવું સાચું ક્યારેય બોલવું નહિ. એ સિવાય હમેશાં સાચું બોલવું.


હવે અહીં પ્રતિવાદી શંકા કરે છે કે, ખોટું બોલવામાં તો શાસ્ત્રોને વિષે મહાન દોષ કહ્યો છે. આ વિષયમાં ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે. न ह्यसत्यात् परो।धर्म इति होवाच भूरियम् । सर्वं वोढुमलं मन्ये ऋुते।लीकपरं नरम् ।। इति ।। આ શ્લોકનો એવો અર્થ છે કે ખોટું બોલવું, એ મોટો અધર્મ છે. અસત્ય સિવાય બીજો કોઇ મોટો અધર્મ નથી. આ પ્રમાણે પૃથ્વીએ કહ્યું છે. અને વળી પૃથ્વી કહે છે કે હું મારા ઉપર ઝાડ, પહાડ ઇત્યાદિક સર્વે ધારણ કરવા સમર્થ છું, પણ ખોટું બોલનાર પુરૂષને હું ધારણ કરવા સમર્થ નથી. આ રીતે ખોટું બોલવામાં મહાન દોષ કહ્યો છે. તો પછી શા માટે સાચું ન બોલવું ? સાચું જ બોલવું જોઇએ. તો પછી તમો ખોટું બોલવાનું શા માટે કહો છો ?


શતાનંદ સ્વામી આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે, અમો હમેશાં કાંઇ ખોટું બોલવાનું કહેતા નથી, જેણે કરીને ઉપર કહેલા દોષનો પ્રસંગ આવે. અમારો અભિપ્રાય તો એવો છે કે, કોઇ સમયે પ્રાણીઓનું મૃત્યું થાય એવો આપત્કાળ આવી પડેલો હોય, એ સમયે ખોટું બોલવાથી જો પ્રાણી મૃત્યુ થકી બચી જતું હોય તો ખોટું બોલીને પણ પ્રાણીઓનું રક્ષણ કરવું, આવો અમારો અભિપ્રાય છે, નહિ કે હમેશાં ખોટું બોલવાનો. હમેશાં જે ખોટું બોલે છે, તેની તો આલોકમાં મહાન અપકીર્તિ થાય છે. આ બાબતમાં ભગવાનનું વચન પ્રમાણરૂપ છે. सर्वं नेति अनृतं ब्रूयात् स दुष्कीर्तिः श्वसन् मृतः । स्त्रीषु नर्म विवाहे नानृतं स्याञ्जुगुप्सितम् ।। इति ।। આ શ્લોકમાં એમ કહ્યું છે કે, હમેશને માટે જે ખોટું બોલે છે, તેની આલોકમાં દુષ્ટ કીર્તિ થાય છે. અને એ પુરૂષ જીવતો મરેલો છે. માટે હમેશાં ખોટું બોલવું નહિ. પણ પોતાના કે બીજાના પ્રાણનું રક્ષણ કરવામાં ખોટું બોલાય, સ્ત્રીઓની આગળ ખોટું બોલાય, હાંસી મશ્કરીમાં ખોટું બોલાય, વિવાહ કરતી વખતે ખોટું બોલાય, પોતાના ગુરૂને માટે ખોટું બોલાય, તો તેમાં દોષ નથી, માટે શ્રીહરિનો અભિપ્રાય એવો છે કે અહિંસા ધર્મ પ્રધાન છે. તેથી પોતાની કે બીજાની હિંસા થતી હોય તો ખોટું બોલીને પણ એ હિંસાને અટકાવવી.


અને વળી કૃતઘ્નીનો સંગ કરવો નહિ. આપણે કરેલા ઉપકારોને જે વાણીના પ્રલાપોથી વ્યર્થ કરી નાખે, તેને કહેવાય કૃતઘ્ની. અર્થાત્ આપણે ઘણા ઉપકારો કર્યા હોય, છતાં એ અનેક જગ્યાએ બોલતો ફરે કે એમણે મારા માટે શું સારૂં કર્યું છે ? મારો શું ઉપકાર કર્યો છે ? મને તો મારા નસીબમાં હતું તે મળ્યું. આ રીતે આપણા ઉપકારોને વાણીના પ્રલાપથી જે હણી નાખે, તેને કૃતઘ્ની કહેલો છે. આવા કૃતઘ્નીનો સંગ કરવામાં મહાન દોષ છે. આ વિષયમાં દેવળમુનિનું વાક્ય પ્રમાણરૂપ છે. ब्रह्मघ्ने च सुरापे च स्तेने च गुरुतल्पगे । मुनिभिर्निष्कृतिः प्रोक्ता कृतघ्ने नास्ति निष्कृतिः ।। इति ।। આ શ્લોકનો એવો અર્થ છે કે- બ્રહ્મહત્યાદિક પાંચ પાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવ્યું છે, પણ કૃતઘ્નીનું તો પ્રાયશ્ચિત જ શાસ્ત્રમાં બતાવ્યું નથી. અર્થાત્ કૃતઘ્ની બ્રહ્મહત્યાદિક પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપી છે. શ્રીહરિનો અભિપ્રાય છે કે, આવા કૃતઘ્નીથી જરા દૂર રહેવું, જેથી એવા કૃતઘ્નીના પાપોનો આપણી અંદર પ્રવેશ થાય નહિ.


અને વળી કોઇની લાંચ ક્યારેય પણ ગ્રહણ કરવી નહિ. ''प्रच्छन्नं गृह्यते'' ।। इति ।। ખાનગીમાં જે લેવાય, તેને કહેવાય લાંચ. ન્યાયની અને હકની વસ્તુ ખાનગીમાં લેવાની કોઇ જરૂર પડતી નથી. અન્યાયનું જે ધન હોય, એજ ખાનગીમાં લેવું પડે છે. લાંચનું દ્રવ્ય કોઇપણ વ્યક્તિ પ્રેમથી આપતી નથી. કોઇ મનુષ્યને અવશ્યનું કાંઇ કામ પડેલું હોય, ત્યારે એ મનુષ્ય કોઇ અધિકારી પાસે જઇને કામ પાર પાડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ અધિકારી ભય બતાવે છે કે, તમારો ગુનો બહુ મોટો છે, અથવા તમારૂં કાર્ય બહુ અટપટું છે. તમે જો આટલું મને આપશો તો જ તમારૂં કાર્ય પાર પડી શક્શે, નહિ તો તમો મરી જવાના છો. આમ ભય બતાવીને કાર્યને પાર પાડવા તત્પર થયેલા પુરૂષ પાસેથી છાની રીતે લાંચનું ધન ગ્રહણ કરવામાં આવે છે. માટે લાંચનું દ્રવ્ય વ્યક્તિના નિઃશાસા સાથેનું હોય છે, આપવું પડતું હોય છે, પણ પ્રેમથી અપાતું નથી. જો પ્રેમથી અપાતું હોય તો એ ભેટ કહેવાય, પણ લાંચ કહેવાય નહિ. લાંચ અને ભેટમાં ઘણો તફાવત છે. લાંચ આપવી પડે છે, જ્યારે ભેટ અપાતી હોય છે. લાંચનું દ્રવ્ય જો આપણી પાસે આવે તો એ ક્લેશ અને ત્રાસ ઉપજાવે છે. લાંચનું દ્રવ્ય મનુષ્યને ક્યારેય પણ સુખી થવા દેજ નહિ. લેતી વખતે જરા સુખ કે આનંદ જેવું જણાય, પણ પરિણામે લાંચનું દ્રવ્ય દુઃખરૂપ છે. માટે લાંચનું દ્રવ્ય ગ્રહણ કરવું નહિ. આ વિષયમાં સ્કંદપુરાણનું વચન પ્રમાણરૂપ છે. ''उत्कोचद्यूतदौत्यार्तद्रव्यं दूरात् परित्यजेत् ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- લાંચનું દ્રવ્ય, જુગારનું દ્રવ્ય, કોઇ દાસીનું દ્રવ્ય અને દુઃખી માણસનું દ્રવ્ય આ ચાર પ્રકારના દ્રવ્યનો દૂરથી જ ત્યાગ કરી દેવો. અને વળી યાજ્ઞાવલ્ક્યે કહેલું છે કે, જે લાંચ વડે જીવતો હોય, તેને રાજા હોય તેમણે સંપત્તિ લઇને દેશવટો આપી દેવો. માટે શ્રીહરિનો એ અભિપ્રાય છે કે, સાત્વિક અને ન્યાયિક વૃત્તિથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય ગ્રહણ કરવું. પણ લાંચના દ્રવ્યનો તો સ્પર્શ પણ કરવો નહિ. ।।૨૬।।