શ્લોક ૨૭

चोेेरपापिव्यसनिनां सङ्गः पाखण्डिनां तथा । कामिनां च न कर्तव्यो जनवञ्चनकर्मणाम् ।।२।।

અને મારા આશ્રિતો હોય તેમણે ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા છેતરપીંડીનું કર્મ કરનારા, આ છ પ્રકારના મનુષ્યનો સંગ કરવો નહિ. 


શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજે આ શ્લોકમાં બતાવેલા છ પ્રકારના મનુષ્યોનો સંગ કરવો નહિ, એટલે તેઓની સાથે મિત્રતા કરવી નહિ, તેઓની સાથે બેસવું, ઉઠવું પણ નહિ. કારણ કે એવા પુરૂષોની સાથે બેસવા, ઉઠવાથી તેની અસર જરૂર પોતાને લાગે છે. આ વિષયમાં મહાભારતનું વચન પ્રમાણરૂપ છે. ''यदि सन्तं सेवते यद्यसन्तं तपस्विनं यदि वा स्तेनमेव । वासो यथा रङ्गवशं प्रयाति तथा स तेषां वशमभ्युपैति ।। इति ।। આ શ્લોકનો એવો અભિપ્રાય છે કે, જો સંતને સેવે તો સંત સરખો થાય છે. જો અસંતને સેવે તો અસંત થઇ જાય છે. જો ચોરનું સેવન કરવામાં આવે તો પોતે ચોર થઇ જાય છે. ઉત્તમ પુરૂષોનું સેવન કરવાથી શ્રેષ્ઠ બુદ્ધિ થાય છે. મધ્યમ પુરૂષોને સેવવાથી તેની બુદ્ધિ મધ્યમ થાય છે. અને નીચ પુરૂષોની સાથે સહવાસ રાખવાથી તેની બુદ્ધિ નીચ થઇ જાય છે. જેમ સફેદ વસ્ત્રને જેવા રંગમાં પલાળીએ, તેવા રંગના વશપણાને જરૂર પામે છે. તેમ પુરુષ જેમનું સેવન કરે, તેમની અસર જરૂર પોતાને લાગી જાય છે. અને વળી પુરૂષોને જેવાં શાસ્ત્રોનો સંગ હોય, તે પુરૂષની બુદ્ધિ તેવા પ્રકારની જ થાય છે. સચ્છાસ્ત્રોનું જો સેવન હોય, તો તેની બુદ્ધિ સત્ થાય છે. અને અસચ્છાસ્ત્રોનું સેવન હોય, તો તેની બુદ્ધિ અસત્ થાય છે. માટે સજ્જન પુરૂષોનું સેવન કરવું, સચ્છાસ્ત્રોનું સેવન કરવું. પણ અસત્પુરૂષોનું કે અસચ્છાસ્ત્રોનું સેવન ક્યારેય પણ કરવું નહિ. આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૨૭।।