भक्तिं वा ज्ञाानमालम्ब्य स्त्रीद्रव्यरसलोलुभाः । पापे प्रवर्तमानाः स्युः कार्यस्तेषां न सङ्गमः ।।२८।।
અને વળી મારા આશ્રિતો હોય તેમણે, જે પુરૂષો ભક્તિ અને જ્ઞાનનો ઓથ લઇને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય, તે મનુષ્યનો સમાગમ કરવો નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, જે પુરૂષો ભગવાનની ભક્તિ અને આત્મજ્ઞાનનો ઓથ લઇને સ્ત્રી, દ્રવ્ય અને નાનાપ્રકારના રસાસ્વાદો તેમને વિષે તૃષ્ણાથી યુક્ત થઇને પરસ્ત્રીનો સંગ કરવો આદિક પાપકર્મમાં પ્રવર્તતા હોય, તેવા પુરૂષોનો સંગ કરવો નહિ. કેટલાક પુરૂષો તો શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું ભક્તિના માહાત્મ્યનું બળ લઇને પાપકર્મમાં પ્રવર્તતા હોય છે. જેમ કે આદિત્યપુરાણમાં ભગવાનના નામોચ્ચારણરૂપ ભક્તિનું માહાત્મ્ય બતાવેલું છે. नाम्नो।स्ति यावती शक्तिः पापनिर्दहने हरेः । तावत कर्तुं न शक्नोति पातकं पातकी जनः ।। इति ।। આ શ્લોકનો એવો અર્થ છે કે, ભગવાનના નામમાં તો અપાર શક્તિ રહેલી છે. પાપોને બાળવામાં ભગવાનના નામની અંદર જેટલી શક્તિ રહેલી છે, તેટલાં તો પાપી પુરૂષ પાપ કરવાને પણ સમર્થ થઇ શક્તો નથી. મનુષ્ય જેટલાં પાપો કરે એ સર્વે પાપો ભગવાનના નામોચ્ચારણથી નાશ પામી જાય છે. આ રીતે શાસ્ત્રોમાં જે મહાત્મ્ય બતાવેલું હોય, તેણે કરીને તો ભગવાનના નામોચ્ચારણમાં અધિક ને અધિક પ્રવૃત્તિ થવી જોઇએ, નહિ કે પાપકર્મમાં પ્રવૃત્તિ. કેટલાક જનો તો ભગવાનના નામોચ્ચારણ રૂપ આ ભક્તિના મહાત્મ્યનો ઓથ લઇને એમ વિચારતા હોય છે કે, નામોચ્ચારણરૂપ ભક્તિથી તો બધાં પાપો નાશ પામી જાય છે, તો પછી પરસ્ત્રીનો સંગ કરવો, ચોરી કરવી, આદિક બે ત્રણ પ્રકારનાં પાપો કરવામાં શું વાંધો છે. જ્યાં સર્વે પાપો નાશ થઇ જતાં હોય, તો ત્યાં બે ત્રણ પાપો નાશ પામી જાય, એમાં કહેવું જ શું ? એ તો પામી જ જાય. આવી બુદ્ધિથી જે પાપી પુરૂષો પરસ્ત્રીનો સંગ કરવો આદિક પાપકર્મમાં પ્રવર્તતા હોય, તેનો સંગ કરવો નહિ, આવો ભાવ છે.
અને જે પુરૂષો આ રીતે ભક્તિનો ઓથ લઇને પાપકર્મમાં પ્રવર્તે છે, તે પુરૂષો ભગવાનના અપરાધી છે. આ વિષયમાં પંચરાત્રશાસ્ત્રનું વાક્ય પ્રમાણરૂપ છે- नाम्नो बलाच्च पापानि ये कुर्युस्ते।पराधिनः ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે, નામના બળથી જે પુરૂષો પાપકર્મ કરે છે, તે પુરૂષો ભગવાનના અપરાધી છે અને વળી પદ્મપુરાણમાં પણ કહેલું છે કે- नाम्नो बलात् यस्य पापबुद्धिर्न विद्यते, तस्य यमैर्विशुद्धिः ।। इति ।। ભગવાનના નામના બળથી જે પુરૂષોની પાપકર્મમાં પાપ બુદ્ધિ થતી નથી, અર્થાત્ પોતે પાપ કર્મો કર્યા કરે, છતાં ''આ કર્મો પાપરૂપ છે.'' આ રીતે પાપકર્મમાં પાપબુદ્ધિ જેને થતી નથી, તે પુરૂષોની તો યમરાજા જ શુદ્ધિ કરે છે, પણ આ લોકમાં તેની પ્રાયશ્ચિતાદિકે કરીને શુદ્ધિ થતી નથી. માટે શ્રીજીમહારાજનો એવો અભિપ્રાય છે કે, ભક્તિનો ઓથ લઇને કોઇએ પાપકર્મમાં પ્રવર્તવું નહિ. અને કોઇ પ્રવર્તતા હોય, તો તેનો સંગ કરવો નહિ.
અને વળી જેમ ભક્તિનો ઓથ લઇને પાપકર્મમાં પ્રવર્તવું નહિ. એ જ રીતે જ્ઞાનનો ઓથ લઇને પણ પાપકર્મમાં પ્રવર્તવું નહિ. ગીતામાં કહ્યું છે કે- ज्ञाानाग्निः सर्व कर्माणि भस्मसात् कुरुते तथा ।। इति ।। ઉપાસના કરવાથી ઉપાસકની અંદર બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય છે. અને જ્યારે બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય છે. ત્યારે એ જીવ બ્રહ્મની સમાન થાય છે. તેથી તે સમયે જીવને પણ બ્રહ્મ કહેવામાં આવે છે. અને બ્રહ્મના ગુણોનો જ્યારે જીવાત્મામાં આવિર્ભાવ થાય છે, ત્યારે જ જીવાત્માને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, અને જીવાત્મા માયાના તમામ રાગથી રહિત થઇ જાય છે. આ રીતે પરમાત્માના સ્વરૂપનો જે સાક્ષાત્કાર છે, તેને જ જ્ઞાનરૂપી અગ્નિ કહ્યો છે. અને એ જ્ઞાનરૂપી અગ્નિ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે અનાદિકાળનાં સર્વે પુણ્ય અને પાપરૂપ કર્મો બળીને ભસ્મ થઇ જાય છે. આ રીતે ગીતામાં જ્ઞાનનું માહાત્મ્ય બતાવેલું છે. આ જ્ઞાનના માહાત્મ્યનો ઓથ લઇને अहं ब्रह्मास्मि, न मे कर्मबाधः ।। इति ।। ''હું બ્રહ્મ છું'' હું તો ગમે તેવાં કર્મ કરૂં, મને કોઇ કર્મનો બાધ નથી; આવી બુદ્ધિથી પાપકર્મમાં પ્રવર્તવું નહિ.
શતાનંદ સ્વામી વિશેષ સમજાવતાં કહે છે કે, જ્યારે જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે, ત્યારે જ માયાના તમામ રાગો નિવૃત્તિ પામી જાય છે. તેથી જેના હૃદયમાં જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થયો હોય, એ પુરૂષ ક્યારેય પણ જાણીને પાપકર્મમાં પ્રવર્તી શકે નહિ. છતાં જે પુરૂષો જ્ઞાનનો ઓથ લઇને પાપકર્મમાં પ્રવર્તે છે, તેને જ્ઞાની કહેવાય જ નહિ. એ કેવળ જ્ઞાનનો આડંબર જ કરે છે. અને જો ઇચ્છાનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થઇ જાય છે, તો એ પ્રવૃત્તિનું મૂળ હૃદયમાં રહેલા પંચવિષયના રાગો છે. અને પંચવિષયમાં જે રાગ છે, એ જ અજ્ઞાનનું મૂળ છે. તો જેના હૃદયમાં અજ્ઞાનનું મૂળ જ ઉભું હોય, તેને બ્રહ્મજ્ઞાની કહેવાય જ કેમ ? ન જ કહેવાય. આ વિષયમાં નૈષ્કર્મ્ય સિદ્ધિનું વાક્ય પ્રમાણરૂપ છે. रागो मूलमबोधस्य चित्तव्यायामभूमिषु । कुतः शाद्वलता तस्य यस्याग्निः कोटरेतरोः ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, જે વૃક્ષના બખોલમાં ધગધગતો અગ્નિ રહ્યો હોય, એ વૃક્ષમાં નીલાશ ક્યાંથી હોય ? ન જ હોય. એજ રીતે જેના હૃદયમાં ધગધગતા પંચવિષયના રાગો રહ્યા હોય, એવા પુરૂષોને જ્ઞાની કહેવાય જ કેમ ? ન જ કહેવાય. છતાં પણ ''अहं ब्रह्मास्मि'' હું બ્રહ્મછું મને કોઇ કર્મનો બાધ નથી, આવા ભાવથી જો ઇચ્છાનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થઇ જાય છે, તો એ અજ્ઞાની જ છે. કારણ કે જે બ્રહ્મજ્ઞાની હોય, તેની તો જાણી જોઇને ક્યારેય પણ પાપકર્મમાં પ્રવૃત્તિ થાય જ નહિ. અને જો પાપકર્મમાં પ્રવૃત્તિ થઇ જાય છે, તો તેના હૃદયમાં પંચવિષયના રાગ છે. અને તેજ અજ્ઞાનનું મૂળ છે. જો અજ્ઞાનનું મૂળ હૃદયમાં હોય, તો એ બ્રહ્મજ્ઞાની કહેવાય નહિ. માટે કેવળ જ્ઞાનનો આંચડો ઓઢીને જે પુરૂષો પાપકર્મ કરતા હોય, એવા પુરૂષોનો ક્યારેય પણ સંગ કરવો નહિ, આવો ભાવ છે.
અને વળી સાચી રીતે જેના હૃદયમાં જ્ઞાનરૂપી અગ્નિ પ્રજ્જવલિત થયો હોય, તેને બીજા કોઇ ફળની અપેક્ષા હોતી નથી, અને કર્મની સાથે પણ સંબન્ધ રહેતો નથી, છતાંપણ જ્યાં સુધી દેહનું સ્મરણ હોય ત્યાં સુધી તો બીજાઓના સંગ્રહને માટે પણ સદ્ધર્મનું આચરણ કરવું, એજ બ્રહ્મજ્ઞાનીને યોગ્ય છે. પણ દુરાચાર કરવો એ યોગ્ય નથી. કારણ કે મહાપુરૂષોના આચરણને બીજા અજ્ઞાની લોકો અનુસરે છે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनाः ।। इति ।। મહાપુરૂષો જે જે આચરણ કરે છે, તે તે આચરણને બીજા અજ્ઞાની જનો અનુસરે છે કે, મોટા કરી ગયા, તો આપણે પણ કરવું. માટે જ્ઞાની પુરૂષોએ પણ જ્યાં સુધી દેહનું સ્મરણ હોય, ત્યાં સુધી સદાચાર છોડવો નહિ, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૨૮।।