कृष्णकृष्णावताराणां खण्डनं यत्र युक्तिभिः । कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन ।।२९।।
અને જે શાસ્ત્રોમાં ભગવાન અને ભગવાનના વરાહાદિક અવતારોનું યુક્તિ વડે ખંડન કરેલું હોય, એવાં શાસ્ત્રોને મારા આશ્રિતોએ ક્યારેય પણ માનવાં નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, કેટલાક માયાવાદી પુરૂષો યુક્તિઓ વડે ભગવાનના સ્વરૂપનું ખંડન કરતા હોય છે કે, શાસ્ત્રોમાં સર્વત્ર ભગવાનની વ્યાપક્તા પ્રતિપાદન કરેલી છે. અર્થાત્ પરમાત્મા અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે, એજ પરમાત્માનું પ્રધાન લક્ષણ છે. માટે પરમાત્મા નિરાકાર છે. જો પરમાત્મા સાકાર હોય તો એ આકારની સાથે વ્યાપક બની શકે નહિ. આકારવાળી વસ્તુ હમેશાં એક જ દેશમાં રહે છે. જેમ કે આકૃતિવિશિષ્ટ પુરૂષો જે સમયે મૃત્યુલોકમાં હોય, એ પુરુષો એજ સમયમાં સ્વર્ગ લોકને વિષે ન હોઇ શકે. અને જે સમયે સ્વર્ગ લોકમાં હોય એ પુરુષો એજ સમયે મૃત્યુલોકમાં ન હોઇ શકે. ઘરમાં હોય એ વસ્તુ એજ સમયે બહાર ન હોઇ શકે, અને બહાર હોય, એ વસ્તુ એજ સમયે ઘરમાં ન હોઇ શકે. આ રીતે આકારવાળી વસ્તુ એક દેશસ્થ કહેલી છે. માટે જો પરમાત્મા સાકાર હોય તો સાકાર પરમાત્માની વ્યાપકતા ઘટી શકે નહિ. પણ શાસ્ત્રોમાં તો પરમાત્માને વ્યાપક કહેલા છે. તેથી શાસ્ત્રમાન્ય એ પરમાત્માની વ્યાપકતાનો તિરસ્કાર થઇ શકે તેમ નથી. માટે જો પરમાત્માની વ્યાપકતાનો સ્વીકાર કરવો હોય, તો પરમાત્માને નિરાકાર જ કહેવા પડશે, તેથી નિરાકાર એક જ સત્ય છે. અને રામકૃષ્ણાદિક અવતારોના જે આકારો જોયામાં આવે છે, એ તો માયામય છે, માટે મિથ્યા છે. આ રીતે જે શાસ્ત્રોમાં યુક્તિઓ વડે ભગવાનના આકારનું મૂળમાંથી નિકંદન કરી નાખેલું હોય, એવાં શાસ્ત્રો મારા આશ્રિતોએ વાંચવાં સાંભળવાં નહિ. અને એ શાસ્ત્રો નાસ્તિકનાં શાસ્ત્રોની પેઠે જ અસત્ય જાણવાં.
વેદોમાં ભગવાનનું સાકારપણું જ પ્રતિપાદન કરેલું છે- ''सर्वे वेदा यत्पदम् आमनन्ति'' ।। इति श्रुतेः ।। આ શ્રુતિનો એવો અર્થ છે કે, સર્વે વેદો ભગવાનના ચરણનું પ્રતિપાદન કરે છે. ભગવાનનાં જો ચરણ હોય, તો બીજાં અંગો પણ હોય. માટે વેદો ભગવાનને દિવ્ય મૂર્તિમાન પ્રતિપાદન કરે છે, માટે પરમાત્મા સાકાર છે.
ननु ''निर्गुणं तन्निराकारं परंब्रह्म निरिन्द्रियम्'' ''तदपाणिपादम्'' ।। इति ।। હવે અહીં પ્રતિવાદી એવી શંકા કરે છે કે, તમો કહો છો કે- શ્રુતિમાં પરમાત્માને સાકાર કહ્યા છે, પણ આ શ્રુતિમાં તો પરમાત્મા નિર્ગુણ અને નિરાકાર જ સાબિત થાય છે. આ શ્રુતિમાં તો પ્રતિપાદન કરવામાં આવેલું છે કે, પરમાત્મા નિર્ગુણ છે, નિરાકાર છે, ઇન્દ્રિયોથી રહિત છે, પરમાત્માના હાથ નથી, પરમાત્માનાં ચરણ નથી. આ રીતે શ્રુતિઓ પરમાત્માને નિર્ગુણ નિરાકાર જ કહે છે. તો તમો કેવી રીતે પરમાત્માને સગુણ અને સાકાર કહો છો ?
આ શંકાનો જવાબ આપતાં શતાનંદ સ્વામી કહે છે કે શ્રુતિઓ જે કાંઇ પણ કહે છે, એ સત્ય કહે છે. શ્રુતિઓમાં કોઇપણ જાતનો દોષ નથી. ભગવાનની અંદર માયામય સત્વાદિક ગુણો નથી. માટે શ્રુતિઓ પરમાત્માને નિર્ગુણ કહે છે. અને દિવ્ય જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય, તેજ ઇત્યાદિક અનંત કલ્યાણકારી ગુણો ભગવાનમાં રહ્યા છે, તેથી શ્રુતિઓ પરમાત્માને સગુણ કહે છે. ભગવાનને આપણા જેવા માયિક હસ્તચરણાદિક નથી, માટે શ્રુતિઓ પરમાત્માને નિરાકાર કહે છે. અને પરમાત્માને માયાના કાર્યથી રહિત, દિવ્ય હસ્તચરણાદિક છે. અર્થાત્ પરમાત્માનો દિવ્ય આકાર છે, માટે શ્રુતિઓ પરમાત્માને સાકાર કહે છે.
અને વળી પરમાત્માની ઇન્દ્રિયો નથી, આમ જ્યાં કહ્યું છે, ત્યાં પણ પરમાત્માને આપણા જેવી માયિક ઇન્દ્રિયો નથી. દિવ્ય ઇન્દ્રિયો તો છે જ એમ સમજવું. માટે શ્રુતિઓથી જ એ સિધ્ધ થાય છે કે, પરમાત્મા સગુણ અને સાકાર છે. એટલા જ માટે શ્રીભાષ્યમાં રામાનુજાચાર્યે પણ દિવ્ય કલ્યાણકારી ગુણોના યોગે ભગવાનનું સગુણપણું પ્રતિપાદન કર્યું છે. અને પ્રાકૃત માયિક ગુણોના અભાવે ભગવાનનું નિર્ગુણપણું મોટા વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે.
અને વળી ''स ऐक्षत लोकान्नु सृजा'' ।। इति ।। પરમાત્માએ જ્યારે સૃષ્ટિ કરવાનો સંકલ્પ કર્યો, ત્યારે મહામાયા સામી દૃષ્ટિ કરી. આ શ્રુતિથી સિધ્ધ થાય છે કે, હજુ આ માયાનું કાર્ય ઉત્પન્ન થયું ન હતું, તેથી પહેલાં પણ પરમાત્માને નેત્રો હતાં, માટે એ નેત્રો માયિક ન સંભવી શકે, કારણ કે હજુ માયાનું કાર્ય ઉત્પન્ન થયું જ ન હતું. માટે સિધ્ધ થાય છે કે, પરમાત્માને દિવ્ય નેત્ર છે. અને જો નેત્રો હોય તો બીજી ઇન્દ્રિયો પણ હોય. માટે પરમાત્માની દિવ્ય અમાયિક ઇન્દ્રિયો પણ છે, આવું સિધ્ધ થાય છે. તમામ શ્રુતિઓથી એ જ સિધ્ધ કરી શકાય છે કે, પરમાત્મા માયિક ઇન્દ્રિયો, માયિક શરીર અને માયિક ગુણોથી રહિત છે. માટે નિરાકાર નિર્ગુણ કહેવામાં આવે છે. અને દિવ્ય ઇન્દ્રિયો, દિવ્ય શરીર અને દિવ્ય કલ્યાણકારી ગુણોથી પરમાત્મા યુક્ત છે, તેથી પરમાત્માને સગુણ અને સાકાર કહેવામાં આવે છે.
અને વળી પરમાત્માને આપણાં આ માયિક નેત્રોથી જોઇ શકાતા નથી, તેથી પરમાત્માને શ્રુતિઓમાં અરૂપ કહ્યા છે. એ પરમાત્મા દિવ્ય દૃષ્ટિથી જ જોઇ શકાય છે. માટે પરમાત્માનું દિવ્યરૂપ અને દિવ્ય આકૃતિ કહેવામાં કોઇ બાધ નથી. યોગીઓ દિવ્ય દૃષ્ટિથી પોતાના હૃદયમાં પરમાત્માને દેખે છે. માટે પરમાત્મા સાકાર છે. અને પરમાત્મા રૂપવાન છે. અને વળી યોગીઓ પોતાના હૃદયમાં પરમાત્માને દેખે છે. માટે દૃષ્ટા અને દૃશ્યની અંદર ભેદ પણ સિધ્ધ થાય છે. અર્થાત્ દેખનારો જે આત્મા એ પરમાત્મા થકી ભિન્ન છે. પરમાત્મા તત્ત્વ પૃથક્ છે. અને આત્મા તત્ત્વ પણ પૃથક્ છે. પરમાત્મા એક છે, અને આત્માઓ અનેક છે. પરમાત્મા શેષી છે, અને આત્માઓ શેષ છે. પરમાત્મા સ્વામી છે, અને આત્માઓ દાસ છે. પરમાત્મા ઉપાસ્ય છે, અને આત્માઓ ઉપાસક છે. પરમાત્મા નિયામક છે, અને આત્માઓ નિયમ્ય છે. પરમાત્મા કર્મફલના પ્રદાતા છે, અને આત્માઓ એ કર્મફળના ભોક્તા છે. આ રીતે પરમાત્મા અને જીવાત્માઓ પરસ્પર વિપરીત ધર્મોથી વિશિષ્ટ હોવાથી બન્નેની અંદર મહાન ભેદ શ્રીભાષ્યમાં વિસ્તારેલો છે. માટે જીવાત્માઓ પરમાત્માને આધીન હોવા છતાં, તત્ત્વે કરીને પરમાત્મા થકી જુદા છે. આ રીતે સર્વે શ્રુતિઓથી અને પુરાણોથી એ નિશ્ચય થાય છે કે, પરમાત્મા સાકાર છે, માયા થકી પર છે, અને જીવાત્માઓ થકી પણ પર છે.
હવે અહીં પ્રતિવાદી શંકા કરે છે કે- ''मायापरं साकारं ब्रह्म चेत्तर्हि तत्स्थानमपि वक्तव्यम्'' ''इति चेत् सत्यम्'' ।। પરમાત્મા જો માયાથી પર અને સાકાર હોય, તો એ સાકાર બ્રહ્મનું સ્થાન પણ તમારે કહેવું જોઇશે. કારણ કે નિરાકાર વસ્તુને આધાર જોઇતો નથી, અર્થાત્ નિરાકાર વસ્તુને રહેવાનું કોઇ એક સ્થાન હોતું નથી, નિરાકાર સર્વત્ર વ્યાપક હોય છે. સાકાર વસ્તુને તો આધાર જોઇએ, અર્થાત્ રહેવાનું સ્થાન જોઇએ. માટે તમો જો બ્રહ્મને સાકાર કહેતા હો, તો તમારે સાકાર બ્રહ્મનું સ્થાન પણ કહેવું પડશે.
આના જવાબમાં ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, તમારી વાત બિલકુલ સાચી છે. બ્રહ્મ જો સાકાર હોય તો તેને રહેવાનું સ્થાન પણ હોવું જ જોઇએ. અને એ સ્થાન શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણોમાં પ્રસિધ્ધ છે. જેને અક્ષરધામ કહે છે, જેને અક્ષરબ્રહ્મ કહે છે, જેને બ્રહ્મલોક કહે છે, અને જેને વૈકુંઠ શબ્દથી પણ કહે છે. આ વિષયમાં શ્રુતિનું પ્રમાણ ભાષ્યકાર રજુ કરે છે- ''एतत् सत्यं ब्रह्मपुरं'' ।। इति ।। ''अपहतपाप्मा ह्येष ब्रह्मलोकः'' ।। इति ।। આ શ્રુતિઓમાં પરમાત્માના સ્થાનને બ્રહ્મપુર અને બ્રહ્મલોક શબ્દથી કહેલું છે. અને વળી સ્મૃતિમાં પણ પ્રતિપાદન કરેલું છે- ''तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः'' ।। इति ।। આ ભગવદ્ગીતાનું વાક્ય છે. આ વાક્યમાં કહેલું છે કે અર્ચિમાર્ગે જનારા બ્રહ્મજ્ઞાનીઓ પરમાત્માના બ્રહ્મપુર નામના સ્થાનને પામે છે. આ રીતે તમામ શાસ્ત્રો, ઇતિહાસો અને પુરાણોમાં ભગવાનનું અક્ષરધામ નામનું સ્થાન પ્રતિપાદન કરેલું છે. અને વળી અક્ષરબ્રહ્મ, બ્રહ્મપુર કે બ્રહ્મલોક નામના પરમાત્માના સ્થાનની આગળ બીજાં સર્વે દેવોનાં સ્થાનો પણ નરકની સમાન કહ્યાં છે. માટે સર્વે સ્થાનોથી ઉત્કૃષ્ટ પરમાત્માનું બ્રહ્મપુર, અક્ષરબ્રહ્મ કે બ્રહ્મલોક નામનું સ્થાન છે, એ સિધ્ધ થાય છે.
અને વળી કેટલાક માયાવાદીઓ કહે છે કે- સાકાર વસ્તુ હમેશાં એક જ સ્થાનમાં રહેલી હોય છે. સાકાર હોય તેનું વ્યાપકપણું ઘટી શકે નહિ. અહીં તો ભગવાનનું ધામ છે એ સિદ્ધ થયું. ભગવાન સાકાર છે, એ પણ સિદ્ધ થયું. સાકાર ભગવાન પોતાના ધામમાં એક જ જગ્યાએ બિરાજેલા છે. તેથી કદાચ કોઇ એવી શંકા કરે કે પરમાત્મા જો ધામમાં એક જ જગ્યાએ બિરાજેલા હોય, તો પરમાત્માનું પરિચ્છિન્નપણું ઠરે, અને તેથી પરમાત્માની જે વ્યાપકતા છે એ ઘટી શકે નહિ.
આના ઉત્તરમાં ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, જેમ આકાશમાં રહેલો સૂર્ય સાકાર છે, છતાં પણ પોતાના સ્વરૂપમાંથી નીકળતા તેજ વડે કરીને આખા બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યો છે. તેવી જ રીતે પરમાત્મા પણ બ્રહ્મલોક નામના પોતાના સ્થાનમાં રહ્યા છે. અને પોતાના સ્વરૂપભૂત સચ્ચિદાનંદાદિક શક્તિઓ વડે કરીને માયા અને માયાનાં કાર્યભૂત જે જીવો અને ઇશ્વરોને વિષે અંતર્યામીરૂપે, અર્થાત્ સાક્ષીરૂપે વ્યાપીને રહ્યા છે. માટે પરમાત્મા પરિચ્છિન્ન નથી. અર્થાત્ કેવળ ધામમાં જ રહ્યા છે, એવું નથી. ધામમાં રહ્યા થકા જ પોતાની શક્તિ વડે સાક્ષીરૂપે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક છે. આ રીતે પરમાત્મા સાકાર હોવા છતાં પણ પરમાત્માની વ્યાપકતાનું ખંડન થતું નથી.
પ્રતિવાદી શંકા કરે છે કે- પૂર્વે કહેલ તમામ શ્રુતિઓના પ્રમાણોની અંદર કોઇપણ સ્થળે કૃષ્ણ શબ્દ તો જોયામાં આવતો નથી. કેવળ પરમાત્મા, પરબ્રહ્મ આદિ શબ્દો જોયામાં આવે છે. તેથી કૃષ્ણ કરતાં, પરમાત્મા, પરબ્રહ્મ આદિ શબ્દોથી કહેવા યોગ્ય ભગવાન પૃથક્ હોય એમ જણાય છે.
આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, શ્રીકૃષ્ણ છે એજ પરમાત્મા, પરબ્રહ્મ છે. પરમાત્મા તત્ત્વ એક જ છે, માટે પરમાત્મા, પરબ્રહ્મ આદિ શબ્દોથી કહેવા યોગ્ય તત્ત્વ શ્રીકૃષ્ણ થકી જુદું નથી. આ વિષયમાં વ્યાસનું વચન પ્રમાણરૂપ છે. शपतो।सकृद् विष्णुं यद् ब्रह्म परमव्ययम् । श्वित्रो न जातो जिह्वायां नान्धं विविशतुस्तमः ।। इति ।। આ ભાગવતના વાક્યમાં રાજા યુધિષ્ઠિરે નારદ પ્રત્યે કહેલું છે કે- પરબ્રહ્મ પરમાત્મા એવા શ્રીકૃષ્ણને વારંવાર ગાળો આપતા દંતવક્ર અને શિશુપાલની જીભમાં કોઢ કેમ થયો નહિ ? અને એ બન્ને અંધતમ નામના નરકમાં કેમ પ્રવેશ કર્યો નહિ ? અર્થાત્ એ બન્નેને ભગવાને મુક્તિ શા માટે આપી ? અહીં આ ભાગવતના વચનમાં શ્રીકૃષ્ણને પરબ્રહ્મ તરીકે વર્ણવેલા છે. એ સિવાય ઠેકઠેકાણે શ્રીકૃષ્ણ છે એ જ પરબ્રહ્મ છે. આ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે. તેથી એ સિદ્ધ થાય છે કે, પરમાત્મા પરબ્રહ્મ શબ્દથી કહેલું તત્ત્વ, શ્રીકૃષ્ણ થકી જુદું નથી, શ્રીકૃષ્ણ છે એજ પરબ્રહ્મ છે.
અને વળી પ્રતિવાદી શંકા કરતાં કહે છે કે- શ્રીકૃષ્ણ ભલે પરબ્રહ્મ હોય, પણ જે બ્રહ્મપુર ધામને વિષે રહેલ મૂળ પુરૂષ ભગવાન છે, જેને પરતત્ત્વ કહે છે, સર્વે અવતારોના અવતારી કહે છે, આવા મૂળપુરૂષ પરતત્ત્વ પરમાત્માને કૃષ્ણ શબ્દથી કહેવા ઘટી શકે નહિ. કારણ કે એ મૂળપુરૂષ ભગવાને જ્યારે દ્વાપરને અંતે વસુદેવ અને દેવકી થકી અવતાર ધારણ કર્યો ત્યાર પછી જ કૃષ્ણ નામની પ્રવૃત્તિ થયેલી છે. તેથી પહેલાં કૃષ્ણ નામની પ્રસિદ્ધિ હતી જ નહિ. અર્થાત્ વસુદેવ દેવકીએ જ ભગવાનનું ''કૃષ્ણ'' આવું નામ પાડેલું છે, માટે ધામમાં રહેલા ભગવાનને ''કૃષ્ણ'' શબ્દથી કહી શકાય નહિ.
આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- વસુદેવ દેવકીને ઘેર ભગવાન પ્રગટ થયા તેથી પહેલાં પણ ભગવાનની ''કૃષ્ણ'' આવા નામની પ્રસિદ્ધિ હતી જ. આ વિષયમાં સંપૂર્ણ ભાગવત પુરાણ પ્રમાણરૂપ છે. જેમ કે- सा मां स्मृतिर्मृगदेहे।पि वीर ! कृष्णार्चनप्रभवा नो जहाति ।। इति ।। ભાગવતમાં ભરતજીએ રહુગણ રાજા પ્રત્યે કહેલું છે કે- કૃષ્ણનું પૂજન કરવાથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ મૃગના જન્મને વિષે પણ મારો ત્યાગ કર્યો ન હતો. અર્થાત્ મૃગના જન્મને વિષે પણ મને પૂર્વના જન્મની સ્મૃતિ રહેલી હતી. અહીં ''કૃષ્ણનું પૂજન'' આ પ્રમાણે કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરેલો હોવાથી એ સિદ્ધ થાય છે કે- આદિ સત્યયુગમાં પણ ભગવાનની ''કૃષ્ણ'' આવા નામની પ્રસિદ્ધિ હતી.
અને વળી - कृष्णावतारोत्सवसंभ्रमो।स्पृशद् ।। इति ।। આ ભાગવતના વાક્યમાં શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે- રાજન્ ! ભગવાન કૃષ્ણનો જન્મ થયો તેને સાંભળીને આનંદમાં આવી ગયેલા વસુદેવે સંકલ્પ કર્યો કે- મારે ઘેર કૃષ્ણનો જન્મ થયો ! ! ! માટે હું (૧૦૦૦૦) દશહજાર ગાયોનું દાન આપીશ. અહીં હજુ શ્રીકૃષ્ણનો જન્મ જ થયો હતો, પણ નામકરણ થયું ન હતું, નામકરણ થયાથી પહેલાં જ વસુદેવે કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરેલો હોવાથી એ સિદ્ધ થાય છે કે- ભગવાનનું અનાદિ કૃષ્ણ નામ છે, પણ ગોકુળ મથુરામાં પધાર્યા પછી જ ''કૃષ્ણ'' આવું નામ પડેલું હોય એમ નથી.
અને વળી અવતાર સ્વરૂપ વસુદેવ અને દેવકીના જે પુત્ર છે, તેની પણ કૃષ્ણ નામથી જ પ્રસિદ્ધિ છે. જેમ ધામમાં રહેલા શ્રીકૃષ્ણ એ પરબ્રહ્મ છે. તેમ વસુદેવ દેવકીના પુત્ર જે શ્રીકૃષ્ણ છે, એ પણ પરબ્રહ્મ છે. છતાં જે પુરૂષો એ શ્રીકૃષ્ણને પરબ્રહ્મ જાણતા નથી તે પુરૂષોને અસુરો કહેલા છે. આ વિષયમાં ભગવદ્ગીતા પ્રમાણરૂપ છે. अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परंभावमजानन्तोेे मम भूतमहेश्वरम् ।। मोघाशा मोघकर्मणो मोघज्ञााना विचेतसः । राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ।। इति ।। આ ભગવદ્ગીતાના વાક્યમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહ્યું છે કે- હું સાક્ષાત્ પરબ્રહ્મ છું, ઇશ્વરોનો પણ ઇશ્વર છું, છતાં મારા પરમ ભાવને નહિ જાણનારા જે પુરૂષો મને સામાન્ય મનુષ્યની સમાન જાણે છે, તે પુરૂષો મોહને ઉત્પન્ન કરનારી રાક્ષસી એવી આસુરી પ્રકૃતિને આશ્રીને રહેલા છે. અને તે પુરૂષોની સર્વે આશાઓ, કર્મો અને જ્ઞાન નિષ્ફળ છે, એ બધા ચિત્ત વગરના છે, કે જેથી મને સામાન્ય મનુષ્યની સમાન જાણે છે. અને વળી જે પુરૂષો મનુષ્યરૂપે રહેલો એવો જે હું, તે મને સાક્ષાત્ પરબ્રહ્મ જાણીને મારા જન્મ અને કર્મને તત્ત્વપૂર્વક દિવ્ય જાણે છે, તે પુરૂષો દેહનો ત્યાગ કરીને ફરીવાર જન્મ ધારણ કરતા નથી, પરંતુ મને જ પામી જાય છે. આ ભગવદ્ગીતાના વાક્યથી એ સિદ્ધ થાય છે કે, મનુષ્યરૂપે રહેલા દિવ્યમૂર્તિમાન એવા જે શ્રીકૃષ્ણ છે, એજ પરબ્રહ્મ છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ ૨૯ મા શ્લોકનો ઉપસંહાર કરતાં કહે છે કે- વેદોમાં, ઉપનિષદોમાં, સ્મૃતિઓમાં અને પુરાણોમાં ભગવાન અને ભગવાનના વરાહાદિક અવતારોનું દિવ્યમૂર્તિમાનપણું, માયાના ગુણોથી રહિતપણું અને સમગ્ર કલ્યાણકારી ગુણોથી યુકતપણું પ્રતિપાદન કર્યું છે. અને તે જ રીતે પરમાત્માના ધામમાં રહ્યા જે મુક્તો છે, તેમનું પણ દિવ્યમૂર્તિમાનપણું, માયાનાગુણોથી રહિતપણું અને કલ્યાણકારી દિવ્યગુણોથી યુક્તપણું, શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે. જેમ પરમાત્માની અંદર માયાનો લેશ પણ નથી, એ જ રીતે પરમાત્માના ધામમાં અને મુક્તોમાં પણ માયાનો લેશ નથી. માટે કોઇક શાસ્ત્રોમાં ભગવાન અને ભગવાનના વરાહાદિક અવતારોનું કેવળ નિર્ગુણપણું અને નિરાકારપણું પ્રતિપાદન કર્યું હોય, એવાં શાસ્ત્રોને મારા આશ્રિતોએ ક્યારેય પણ વાંચવાં, સાંભળવાં નહિ. એટલું જ નહિ જે શાસ્ત્રમાં વરાહાદિક અવતારોનું અપકૃષ્ટપણું પ્રતિપાદન કર્યું હોય, અર્થાત્ અવતારોને પણ જીવની પંક્તિમાં બેસાડી દીધા હોય, એવાં શાસ્ત્રોને પણ ક્યારેય વાંચવાં, સાંભળવાં નહિ. આવો શ્રીસહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે. ।।૨૯।।