अगालितं न पातव्यं पानीयं च पयस्तथा । स्नानादि नैव कर्तव्यं सूक्ष्मजन्तुमयाम्भसा ।।३०।।
અને વળી અમારા આશ્રિતો હોય તેમણે, ગાળ્યા વિનાનું જળ તથા દૂધ પીવું નહિ; અને જે જળને વિષે સૂક્ષ્મ જીવો ઘણાક હોય, એવા જળે કરીને સ્નાનાદિક ક્રિયા કરવી નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- જળ હમેશાં ગાળી, શુદ્ધ કરીને પીવું. ગાળ્યા વિનાનું જળ પીવું નહિ. જળમાં કોઇ ને કોઇ અયોગ્ય વસ્તુ રહેલી હોય છે, જે શરીરના આરોગ્યને હાનિ પહોંચાડે છે. માટે મનુસ્મૃતિમાં કહેલું છે કે ''दृष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं जलं पिबेत्'' ।। इति ।। દૃષ્ટિથી પવિત્ર કરેલા પ્રદેશમાં પગ મૂકવો, અર્થાત્ રસ્તો ખરાબ તો નથી ને ? પગ મુકવાથી કોઇ જીવની હિંસા તો નથી થતી ને ? આમ જોઇને ત્યાર પછી પગ મુકવો. અને વસ્ત્રથી જળને શુદ્ધ કરીને પીવું, ગાળ્યા વિનાનું જળ પીવામાં તો પુરાણોમાં મહાન દોષ કહેલો છે- ''मत्स्यग्राहस्य यत्पापं षण्मासाभ्यान्तरे भवेत् । एकाहे तत्समं ज्ञोयमपूतं यो जलं पिबत्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- છ માસ પર્યંત માછીમાર માછલાં મારે, અને જેટલું પાપ લાગે છે, તેટલું પાપ એક જ દિવસ ગાળ્યા વિનાનું જળ પીનારને લાગે છે. કારણ કે ગાળ્યા વિનાના જળમાં ક્યારેક દૃશ્ય એવાં જંતુઓ પણ ઉદરમાં ચાલ્યાં જાય છે. ક્યારેક રેતી, કચરો આદિક અયોગ્ય વસ્તુ પણ ગાળ્યા વિનાના જળ દ્વારા ઉદરમાં ચાલી જાય છે. જેથી શરીરના સ્વાસ્થ્યને અસર પહોંચે છે. ગાળ્યા વિનાના જળમાં કે ગાળેલા જળમાં નેત્રોથી જોઇ ન શકાય, એવાં અદૃશ્ય બેક્ટરીયાં તો રહેલાં જ હોય છે. એમનું તો ગાળવાથી પણ નિવારણ થઇ શકે નહિ. છતાં પણ ક્યારેક દૃશ્ય એવાં સૂક્ષ્મ જંતુઓ પણ જળની અંદર જોયામાં આવતાં હોય છે, એ ઉદરની અંદર ચાલ્યાં ન જાય, તેથી હમેશાં સાવધાની રાખીને જળ ગાળ્યા વિના ક્યારેય પણ પીવું નહિ. અને જો ગાળ્યા વિનાનું જળ પીવે, તો માંસભક્ષણની સમાન દોષ લાગે છે. આ વિષયમાં એક સ્મૃતિનું વચન પ્રમાણરૂપ છે.- ''चर्मवारि भवेन्मांसं मांसं तोयमगालितम्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, ચામડાંના કોષનું જળ માંસની સમાન કહ્યું છે. અને ગાળ્યા વિનાનું જળ પણ માંસની સમાન કહેલું છે, માટે ભક્તજનો હોય તેમણે ગાળ્યા વિનાનું જળ પીવું નહિ, આવો શ્રીહરિનો અભિપ્રાય છે.
હવે એક વખત ગાળેલું પાણી ક્યાં સુધી ચાલે, આ બાબતમાં શતાનંદ સ્વામી કહે છે કે ''द्विपरावधि'' એક વખત ગાળેલું પાણી (૬) કલાક સુધી ગાળેલું ગણાય, છ કલાક પછી ફરીવાર ગાળવું જોઇએ, સવારે ગાળેલું બપોરે ગાળવું જોઇએ, અને બપોરે ગાળેલું સાંજે ગાળવું જોઇએ.
અને વળી દૂધ પણ ગાળ્યા વિનાનું પીવું નહિ. કારણ કે દૂધમાં ક્યારેક ગાય આદિક પશુઓના શરીરમાંથી રુંવાડાં ખરી પડવાનો સંભવ હોય છે. અને પશુઓને દોહતી વખતે મચ્છર, કચરો આદિક અયોગ્ય વસ્તુનો પણ પડવાનો સંભવ હોય છે. માટે ગાળી નાખવાથી દૂધની શુદ્ધિ થાય છે. અને વળી બજારમાંથી ખરીદેલ ઘી, તેલ આદિક આહારના ઉપયોગમાં લેવાતી પ્રવાહી વસ્તુ પણ ગાળીને જ વાપરવી. કારણ કે ઘી, તેલ આદિક રસોને જ્યારે ગાળીએ છીએ, ત્યારે કોઇક સમયે તેમાંથી કેશ, કીડી, મચ્છર, ત્યાગ કરવા યોગ્ય છાશનો ભાગ, અને એ સિવાય બીજો કચરો પણ જોયામાં આવે છે. અત્યારના સમયમાં તો બધું ફિલ્ટર થઇને આવે છે, તેથી કોઇ કેશ, કીડી, મચ્છર આદિક જંતુઓનો કે કચરાનો સંભવ હોતો નથી, છતાં પણ મહારાજની આજ્ઞા છે, અને ગાળવામાં કોઇ મોટું કષ્ટ પણ નથી. માટે કોઇપણ રસો હોય, તેને ગાળીને જ વાપરવા જોઇએ. અને શાસ્ત્રોમાં પણ ઘી, તેલ આદિક રસોને અગ્નિમાં ગરમ કરી ગાળી નાખવાથી શુદ્ધિ બતાવેલી છે. ''रसानां वह्निगालनात्'' ।। इति ।।
અને વળી જે જળમાં સૂક્ષ્મ જંતુઓ ઘણાં હોય, એ જળમાં સ્નાન કરવાથી, હસ્ત ચરણ ધોવાથી, વસ્ત્રો ધોવાથી, તેમ જ પાત્રો માંજવાથી સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય છે, અને સૂક્ષ્મ જંતુઓનો નાશ થવાથી અહિંસા નામના પરમ ધર્મને વિષે દૂષણની પ્રાપ્તિ થાય છે. તેથી પુરૂષનો અહિંસામય ધર્મ રહેતો નથી, હિંસામય બની જાય છે. માટે સર્વે વર્ણવાળા પુરૂષો હોય કે સ્ત્રીઓ હોય, તેમણે સૂક્ષ્મ જંતુવાળાં જળ વડે સ્નાનાદિક ક્રિયા ક્યારેય પણ કરવી નહિ, આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે. ।।૩૦।।