यदौषधं च सुरया सम्पृक्तं पललेन वा । अज्ञाातवृत्तवैद्येन दत्तं चाद्यं न तत् क्वचित् ।।३१।।
અને વળી મારા આશ્રિતો હોય તેમણે, જે ઔષધ દારૂ તથા માંસથી યુક્ત હોય, તે ઔષધ ક્યારેય ખાવું નહિ; અને જે વૈદ્યના આચરણને જાણતા ન હોઇએ, એવા અજાણ્યા વૈદ્યે આપેલું ઔષધ પણ ભક્ષણ કરવું નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પોતાના શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવું જરૂરી છે. શરીર જો સ્વસ્થ અને નિરોગી હોય, તો ''शरीरमाद्यं खलु धर्मसाधनम्'' ।। इति ।। શરીરથી જ ધર્મ આચરણ થઇ શકે છે. અને આ શરીરથી જ પરમાત્માની ભક્તિ થઇ શકે છે. આ શરીર અનેક પુરૂષાર્થોના સાધનભૂત છે. માટે શરીરને સ્વસ્થ રાખવું, એ તો યોગ્ય જ છે. પણ શરીર સ્વસ્થ રાખવા સારૂં અંદર માંસ મદિરાનો જે પ્રવેશ કરાવવો, એ યોગ્ય નથી. માટે જેમ બને તેમ શરીરની અંદર ઔષધના યોગે પણ દારૂ માંસનો પ્રવેશ ન થાય, એવી કાળજી રાખવી જોઇએ.
શતાનંદ સ્વામી સમજાવે છે કે- આ બધા ધર્મો સામાન્યપણે સ્વસ્થ દશાના બતાવ્યા છે. કોઇ સમયે પ્રાણ પણ રહે નહિ, આવી મોટી બિમારી આવી પડે, ત્યારે કોઇ વૈદ્ય કહે કે તમને આ ઔષધ લેવું પડશે, અને એ ઔષધ પણ માંસ મદિરાથી મિશ્રિત છે. અને જો આ ઔષધ લેશો તો જ શરીર બચશે, નહિ તો શરીર બચશે નહિ. આવા સમયમાં તો શરીરને બચાવવું એજ પ્રાથમિક્તા છે, એમ સમજીને જાણે માંસ મદિરાથી યુક્ત ઔષધનું ભક્ષણ થાય, અથવા અજાણે થાય, તો તેનું યથાશક્તિ પ્રાયશ્ચિત કરી નાખવું. મરીચિ સ્મૃતિમાં પ્રતિપાદન કરેલું છે કે- ''मांसमिश्रागदप्राशे तप्तकृच्छ्रं विशोधनम्'' ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે, કોઇ ભયંકર બિમારી આવી પડે, અને માંસથી મિશ્રિત એવા ઔષધનું જો ભક્ષણ કરવું પડે, તો તેના પ્રાયશ્ચિત રૂપે તપ્તકૃચ્છ્ર નામનું વ્રત કરી નાખવું. અર્થાત્ આપત્કાળ આવે ત્યારે આપત્કાળનો ધર્મ સ્વીકારી લેવો. અને જ્યારે આપત્કાળની નિવૃત્તિ થાય, ત્યારે યથાશક્તિ પ્રાયશ્ચિત કરીને પોતાના મુખ્ય ધર્મમાં આવી જવું.
અને વળી અજાણ્યા વૈદ્યે આપેલા ઔષધમાં ક્યારેક નહિ ભક્ષણ કરવા યોગ્ય અપવિત્ર વસ્તુ આવી જતી હોય છે. માટે સારી રીતે પરિચિત એવા વૈદ્યે આપેલું ઔષધ ગ્રહણ કરવું, પણ અપરિચિત વૈદ્યનું ઔષધ ગ્રહણ કરવું નહિ, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૩૧।।