स्थानेषु लोकशास्त्राभ्यां निषिद्धेषु कदाचन । मलमूत्रोत्सर्जनं च न कार्यं ष्ठीवनं तथा ।।३२।।
અને વળી મારા આશ્રિતો હોય તેમણે મળ-મૂત્ર કરવાને અર્થે લોક અને શાસ્ત્રમાં નિષેધ કરાયેલાં સ્થાનકોમાં ક્યારેય મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ, તથા થુંકવું પણ નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- કેટલાંક સ્થાનો એવાં હોય છે કે, જે મળ-મૂત્ર કરવાને અર્થે લોકદૃષ્ટિએ નિષેધ કરાયેલાં હોય છે. જેમ કે બીજાના ઘરનું આંગણું, કોઇ રાજકીય સ્થાન જે ઓફીસ કે પોલીસની કચેરી, અને તલવાર, બંદૂક આદિક શસ્ત્રોને ધારણ કરનાર વ્યક્તિનું સ્થાન, ઇત્યાદિક સ્થાનો મળમૂત્ર કરવાને અર્થે લોકમાં નિષેધ કરેલાં છે. માટે આવાં સ્થાનોમાં મળ-મૂત્ર કરવા જવું નહિ.
અને વળી કેટલાંક સ્થાનો એવાં હોય છે, જે મળ-મૂત્ર કરવાને અર્થે શાસ્ત્રદૃષ્ટિએ નિષેધ કરાયેલાં હોય છે. જેમ કે- ''न गोव्रजे न वल्मीके नोदके न च भस्मनि । न गर्तेषु ससत्त्वेषु न तिष्ठन्न च वर्तमनि'' ।। इति ।। ''न फालकृष्टभू भागे नदीतीरे च सैकते । न जीर्णदेवतागारे न रथ्यायां न संस्कृते ।। नाप्रावृत्तशिराः कुर्यान्मलमूत्र विसर्जनम्'' ।। इति ।। આ સ્કંદપુરાણનું વચન છે. આમાં મળ-મૂત્રને અર્થે કેટલાંક સ્થાનો વર્જ્ય કહેલાં છે- કોઇ ગૌશાળા હોય, રાફડો હોય, ત્યાં મળ-મૂત્રનો ત્યાગ ન કરવો. કારણ કે ગૌશાળા તો અતિ પવિત્ર કહેવાય છે, અને રાફડામાં સૂક્ષ્મ જંતુઓ હોય છે. જળમાં મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ, કારણ કે વરૂણદેવનો અપરાધ થાય છે. કોઇ રાખનો ઢગલો પડેલો હોય, તેના ઉપર પણ મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ, જેમાં જંતુઓ ઘણાં રહેતાં હોય, એવો કોઇ ખાડો હોય તેમાં પણ મળ-મૂત્ર કરવાં નહિ. ઉભા ઉભા મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ. જે માર્ગમાંથી મનુષ્યોની અવરજવર થતી હોય, એવા માર્ગમાં પણ મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ. સારો પ્રદેશ હોય, વાળી ચોળીને શુદ્ધ કરેલો હોય, ત્યાં પણ મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ. તે જ રીતે રેતાળ નદીનો કિનારો હોય, જ્યાં મનુષ્યો બેસતાં હોય, ત્યાં પણ મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ. અને જૂનાં થઇ ગયેલાં દેવમંદિરો હોય કે જેમાં કોઇ માણસ પણ ફરકતું ન હોય, આવા મંદિરોમાં ભૂતનો વાસ હોય છે, માટે ત્યાં પણ મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ. બજારમાં મળ-મૂત્ર કરવાં નહિ. વૃક્ષની છાયા હોય કે જે વૃક્ષની છાયાનો મનુષ્યો ઉપયોગ કરતાં હોય, રસ્તે ચાલતાં મનુષ્યો વિસામો ખાતાં હોય, પશુઓ પણ નીચે બેસીને વિશ્રાંતિ લેતાં હોય, આવાં વૃક્ષની છાયામાં કોઇ દિવસ મળ-મૂત્ર કરવાં નહિ. અને ગાય, બ્રાહ્મણ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ગુરૂ, સ્ત્રી અને દેવ તેઓની સામે મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ. અને મસ્તકને ઢાંક્યા વિના પણ મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ. આ રીતે આ બધાં સ્થાનકો શાસ્ત્રમાં નિષેધ કર્યાં છે. આ સિવાયનાં બીજાં જે સ્થાનકો હોય, ત્યાં મળ-મૂત્રનો ત્યાગ કરવો. અને વળી ઉપર નિષેધ કરાયેલાં સ્થાનકોમાં થુકવું પણ નહિ. આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૩૨।।