अद्वारेण न निर्गम्यं प्रवेष्टव्यं न तेन च । स्थाने सस्वामिके वासः कार्यो।पृष्ट्वा न तत्पतिम् ३३
અને વળી મારા આશ્રિતો હોય તેમણે દ્વાર વિના પ્રવેશવું નહિ, અને નીકળવું પણ નહિ. અર્થાત્ ચોર માર્ગે કરીને પેસવું નહિ, અને નીસરવું નહિ, તેવી જ રીતે ધણીયાતા સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો કરવો નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે ક્યારેક આપત્કાળમાં ગુપ્ત રીતે જવા આવવા માટે ઘરમાં રાખેલું જે દ્વાર તેને અદ્વાર કહેવામાં આવે છે. અર્થાત્ અયોગ્ય દ્વાર કહેવામાં આવે છે. અથવા એનું નામ ચોર દ્વાર પણ કહેવાય છે. અથવા તો દ્વારજ ન હોય, તેને પણ અદ્વાર કહેવાય છે. કોઇ વાળ કરેલી હોય, કિલ્લો હોય કે ભીંત હોય, તેમને ઉલ્લંઘીને ક્યારેય પણ પેસવું નહિ, અને બહાર નીકળવું નહિ. આ વિષયમાં મનુસ્મૃતિ પ્રમાણરૂપ છે. ''अद्वारेण न चातीयात् ग्रामं वा वेश्म वा।वृतम्'' ।। इति ।। આ શ્લોકનો એવો અર્થ છે કે- કોઇ ગામ હોય, ઘર હોય કે વંડી હોય, તેમાં દ્વાર વિના ક્યારેય પણ પ્રવેશ કરવો નહિ. કારણ કે કોઇને શંકા થાય કે આ ચોર તો નહિ હોય ને ? તેના કરતાં પ્રસિદ્ધ માર્ગે જ પ્રવેશ કરવો, એ હિતાવહ છે. અને પ્રસિદ્ધ માર્ગે જ નીકળવું જેથી કોઇને કોઇ જાતનો સંદેહ થાય નહિ, આવો શ્રીહરિનો અભિપ્રાય છે.
અને વળી ધણીયાતું કોઇ ઘર હોય, ધર્મશાળા હોય, તેને વિષે તે સ્થાનના માલિકને પૂછયા વિના ઉતરવું નહિ. અને જો ધણીયાતા સ્થાનકને વિષે તેના ધણીને પૂછયા વિના ઉતારો કરેલો હોય, અને જ્યારે ધણીને ખબર પડે કે આ મારી રજા વિના અહીં ઉતર્યો છે. ત્યારે એ ધણી જો રાજસિક, તામસિક સ્વભાવનો હોય, તો અતિ ક્રોધાયમાન થાય, અને તિરસ્કાર કરીને જ્યારે આપણને કાઢી મૂકે, ત્યારે આપણને પણ ક્રોધ ઉત્પન્ન થાય. આમ પરસ્પર ક્રોધ ઉત્પન્ન થવાથી ઝઘડો થાય છે, અને વ્યર્થ મહાન કલેશ ઉત્પન્ન થાય છે. માટે ધણીયાતા સ્થાનકને વિષે, તેના ધણીને પૂછયા વિના એક રાત્રી પણ ઉતારો કરવો નહિ.
શતાનંદ સ્વામી કહે છે કે અહીં ધણીયાતા સ્થાનમાં ઉતરવાની મનાઇ કરી છે. તેથી જે સ્થાનનો કોઇ માલિક જ ન હોય, તેવાં સ્થાનકોમાં ઉતરવામાં દોષ નથી. જે સ્થાનોનો કોઇ માલિક ન હોય, તેવાં સ્થાનો વસિષ્ઠ મુનિએ વર્ણવેલાં છે- ''वनानि नद्यो गिरयस्तीर्थान्यायतनानि च । देवखाताश्च गर्ता ये तेषु स्वामी न विद्यते'' ।। इति ।। વનનો કોઇ માલિક નથી, નદીઓનો કોઇ માલિક નથી, પર્વતોનો કોઇ માલિક નથી, સાર્વજનિક તીર્થો, દેવાલયો, અને ગુફાઓ તેમનો પણ કોઇ માલિક હોતો નથી. આ બધાં સાર્વજનિક સ્થાનો કહેવાય છે. માટે આવાં માલિક વિનાનાં જે સ્થાનો હોય, ત્યાં એમને એમ ઉતરવામાં કોઇ જાતનો બાધ નથી, આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે. ।।૩૩।।