ज्ञाानवार्ताश्रुतिर्नार्या मुखात् कार्या न पूरुषैः । न विवादः स्त्रिया कार्यो न राज्ञाा न च तज्जनैः ।।३४
અને મારા આશ્રિત પુરૂષો હોય તેમણે, સ્ત્રીઓના મુખ થકી જ્ઞાન વાર્તા સાંભળવી નહિ. અને સ્ત્રીઓ સાથે વિવાદ કરવો નહિ. તથા રાજા સંગાથે અને રાજાના માણસો સંગાથે વિવાદ કરવો નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- કોઇ સ્ત્રી શાસ્ત્રોને ભણેલી હોય, અને સભા કરીને પ્રવચનો આપતી હોય, પારાયણો કરતી હોય, તો એ સભામાં મારા આશ્રિત પુરૂષોએ સાંભળવા જવું નહિ, સ્ત્રીઓ હોય તેમણે જવું. અર્થાત્ પુરૂષોએ સ્ત્રીના મુખ થકી જ્ઞાનવાર્તા સાંભળવી નહિ. ઘરમાં કદાચ માતા પુત્રને શાસ્ત્રનો ઉપદેશ આપે, તો પુત્રે પ્રેમથી સાંભળવો. અને પત્ની હોય તે પોતાના પતિને ઉપદેશ આપે, તો પતિએ પણ પ્રેમથી સાંભળવો. કારણ કે પતિ જો કુમાર્ગે જાય તો તેનો અર્ધો ભાગ પત્નીને પ્રાપ્ત થાય છે. માટે પત્નીની ફરજ પણ ખરી કે પોતાના પતિને ઉપદેશ આપવો. માટે પતિને પત્નીના મુખ થકી ઉપદેશ સાંભળવામાં કોઇ દોષ નથી. પણ કોઇ સ્ત્રી પાટ કે બાજોઠ રાખીને કથા વાર્તા કરવા બેસે તો પુરૂષોએ સાંભળવા જવું નહિ.
શતાનંદ સ્વામી સમજાવે છે કે- સામાન્ય રીતે સ્ત્રીઓની વાણીમાં પુરૂષોનું મન આકર્ષાતું હોય છે. તેથી પુરૂષો જો સ્ત્રીઓના મુખ થકી કથા વાર્તાનું શ્રવણ કરવા માંડે, તો ધીરે ધીરે સ્ત્રીઓની વાણી સાંભળવામાં આસક્તિ ઉત્પન્ન થાય છે. અને આસક્તિ છે, એજ વિકૃતિ છે. સ્ત્રીની વાણી સાંભળવામાં આસક્તિ થવાથી સ્ત્રીનો મનોમન પ્રસંગ થાય છે. અને પછી ધીરે ધીરે સ્ત્રીના પ્રસંગે કરીને એવા દૃઢ બંધનની પ્રાપ્તિ થાય છે કે, જે બંધનને પછી ભેદી શકાતું નથી. આ વિષયમાં ભાગવત શાસ્ત્રનું વાક્ય પ્રમાણરૂપ છે. ''न तथा।स्य भवेन्मोहो बन्धश्चा।न्यप्रसङ्गतः । योषित्सङ्गाद्यथा पुंसो यथा तत्सङ्गिसङ्गतः'' ।। इति ।। આ શ્લોકનો અર્થ એવો છે કે, કપિલ ભગવાન માતાને કહે છે, હે માતાજી ! પુરૂષોને સ્ત્રીઓના પ્રસંગે કરીને જેવો મોહ અને બંધન થાય છે, એવો મોહ અને બંધન તો બીજા કોઇના પ્રસંગે કરીને થતાં નથી. અને વળી હે માતા ! મારી સ્ત્રીરૂપી માયાનું બળ તો તમે જુઓ, એના બળની હું શું વાત કરૂં. દશે દિશાઓને ગજાવનારા એવા પુરૂષોને પણ જે સ્ત્રી એક ભ્રકુટિના વિલાસમાત્રથી પગની પેની નીચે દબાવી દે છે. અર્થાત્ પુરૂષને એવો પરાધીન કરી દેછે કે બેસી જા, તો બેસી જાય. અને ઉઠી જા તો ઉઠી જાય. આ રીતે સ્ત્રીઓનો પ્રસંગ મોટા મોટા જ્ઞાનીઓને પણ બંધન કરનારો છે. માટે મારા આશ્રિત પુરૂષો હોય તેમણે સ્ત્રીઓના મુખ થકી જ્ઞાનવાર્તાનું શ્રવણ કરવામાં આગ્રહ રાખવો નહિ.
અને વળી મારા આશ્રિત પુરૂષો હોય, તેમણે સ્ત્રીઓની સાથે વિવાદ કરવો નહિ. અર્થાત્ સ્ત્રીઓની સાથે વિરૂદ્ધ વાદ કરવો નહિ. અને જો વિરૂદ્ધ વાદ કરે તો, જુઠું બોલવું, વગર વિચારે કાર્ય કરી નાખવું, કપટ કરવું, ઇત્યાદિક સ્ત્રીઓના સ્વાભાવિક દુર્ગુણો કહેલા છે. એ સ્વાભાવિક દુર્ગુણોને સ્ત્રી જલદી વશ થતી હોય છે. તેથી વિરૂદ્ધ વાદ કરનારા પુરૂષને અનર્થની પ્રાપ્તિ થાય છે, આવો શ્રીહરિનો અભિપ્રાય છે.
અને વળી રાજા કે રાજપુરૂષો સાથે પણ વિવાદ કરવો નહિ. કારણ કે રાજા તથા રાજપુરૂષોને રાજનું કે સત્તાનું બળ હોય છે. તેથી રાજા કે રાજપુરૂષો સાથે જો વિવાદ થાય તો પછી એ કોઇના સમજાવ્યા સમજે નહિ. અને વિવાદ કરનારને મહાન અનર્થની પ્રાપ્તિ થાય છે. માટે જેમ બને તેમ રાજા અને રાજપુરૂષોથી દૂર રહેવું. આવો ભાવ છે. ।।૩૪।।