શ્લોક ૩૫

अपमानो न कर्तव्यो गुरूणां च वरीयसाम् । लोके प्रतिष्ठितानां च विदुषां शस्त्रधारीणाम् ।।३५।।


અને મારા આશ્રિતો હોય તેમણે, ગુરૂઓનું અપમાન કરવું નહિ, તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય, તથા લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્યો હોય, તથા જે વિદ્વાન મનુષ્યો હોય, અને જે શસ્ત્રધારી મનુષ્યો હોય, તે સર્વેનું અપમાન કરવું નહિ.


શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પુરૂષોના નવ ગુરૂઓ કહેવાય છે- ''आचार्यश्च पिता ज्येष्ठो भ्राता चैव महीपतिः । मातुलः श्वशुरस्त्राता मातामहपितामहौ ।। वर्णश्रेष्ठः पितृव्यश्च पुंस्येते गुरवो मताः'' ।। इति ।। આ શ્લોકમાં પુરૂષના નવ ગુરૂઓ વર્ણવેલા છે. તેમાં પ્રથમ આચાર્ય જે હોય તે ગુરૂ કહેવાય છે, માટે આચાર્યનું અપમાન કરવું નહિ. એ જ રીતે પિતા, મોટાભાઇ, રાજા, મામા, સસરો, રક્ષક, નાનો, દાદો અને કાકો આ નવ ગુરૂઓ શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યા છે. માટે શાસ્ત્રમાં બતાવેલા આ નવ ગુરૂઓનું અપમાન કરવું નહિ, હમેશાં તેઓનું બહુમાન કરવું.


એજ રીતે પ્રખ્યાતગુણોવાળા જે મહાપુરૂષો હોય, સાધુ સંતો હોય, તેઓનું પણ અપમાન કરવું નહિ. તથા આ લોકમાં પ્રતિષ્ઠાને પામેલા કોઇ રાજા હોય કે રાજકીય પુરૂષો હોય, તથા શ્રેષ્ઠ જાતિ, શ્રેષ્ઠ આચરણ, તે વડે આ લોકમાં પ્રતિષ્ઠાને પામેલા હોય, અને જાતિએ કરીને ભલે ઉતરતા હોય, પણ ધનાદિકે કરીને આ લોકમાં પ્રતિષ્ઠાને પામેલા હોય, આવા કોઇપણ પુરૂષોનું અપમાન કરવું નહિ. અને વળી વેદ અને શાસ્ત્રોના પારને પામેલા વિદ્વાનો હોય, તેઓનું પણ અપમાન કરવું નહિ. મનુસ્મૃતિમાં મનુએ કહેલું છે કે- ''क्षत्रियं चैव सर्पं च ब्राह्मणं च बहुश्रुतं । नावमन्येत वै भूष्णुं कृशानपि कदाचन'' ।। इति ।। ક્ષત્રિય, સર્પ અને વેદ વેદાંતના પારને પામેલો વિદ્વાન બ્રાહ્મણ, આ ત્રણે ભલે શરીરે અતિ દુબળા હોય, છતાં આ ત્રણેયનું અપમાન કરવું નહિ, છેડતી કરવી નહિ. કારણ કે આ ત્રણે દાઢમાં ઝેર રાખનારા છે. માટે વેદ શાસ્ત્રોના પારને પામેલા વિદ્વાનોનું અપમાન કરવું નહિ. અને વળી તલવાર, બંદૂક આદિક શસ્ત્રોને ધારણ કરનારા શસ્ત્રધારી પુરૂષોનું પણ અપમાન કરવું નહિ. 


શતાનંદ સ્વામી કહે છે કે, સત્કાર ન થાય તો કાંઇ નહિ, પણ આટલા પુરૂષોનું અપમાન તો કરવું નહિ. અને સત્કારમાં તેઓ આવે એટલે ઉભા થવું, આવો આવો બેસો. એમ કહીને આસન ઉપર બેસાડવા, પાણીનું પૂછવું, મીઠી વાણીથી બોલાવવા, ઇત્યાદિક રીતે બહુમાન કરવું, પણ અવજ્ઞા ક્યારેય કરવી નહિ, આવો અભિપ્રાય છે.


અને જો કોઇ પુરૂષોનું અપમાન કરવામાં આવે, તો મોટા અનર્થની પણ પ્રાપ્તિ થાય છે. ભાગવતમાં પ્રતિપાદન કરેલું છે કે, મહાપુરૂષોનો જે અપરાધ છે, એતો કલ્યાણોનો નાશ કરી નાખે છે. આયુષ્ય, લક્ષ્મી અને યશનો પણ નાશ કરી નાખે છે. સ્કંદપુરાણમાં પણ કહેલું છે કે- ''सतामतिक्रमादेव पुण्यानां महतामपि । सद्यः क्षयः स्यात् सर्वेषामपि आयुषः संपदाम्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- પવિત્ર મહાન એવા સાધુપુરૂષોની અવજ્ઞા કરવાથી તત્કાળ જ આયુષ્ય અને સંપત્તિનો નાશ થઇ જાય છે. જેમ કે ભક્ત પ્રહ્લાદનો અપરાધ કરવાથી હિરણ્યકશિપુની દેવતાના વરદાનથી પ્રાપ્ત થયેલી લાંબી આયુષ્યનો અને લક્ષ્મીનો તત્કાળ જ નાશ થયો હતો. માટે કોઇપણ મહાપુરૂષો હોય, આ લોકમાં પ્રતિષ્ઠિત કોઇ વ્યક્તિ હોય, વિદ્વાન કોઇ વ્યક્તિ હોય, શસ્ત્રધારી હોય, અને ગુરૂઓ હોય તેઓનું અપમાન કરવું નહિ, પણ હમેશાં તેઓનું બહુમાન જ કરવું, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૩૫।।