कार्यं न सहसा किञ्चित्कार्यो धर्मस्तु सत्वरम् । पाठनीया।धीतविद्या कार्यः सङ्गो।न्वहं सताम् ।।३६।।
અને મારા આશ્રિતો હોય, તેમણે વિચાર્યા વિના કોઇપણ કાર્ય તત્કાળ કરવું નહિ. અને ધર્મ સંબંધી જે કાર્ય, તે તો તત્કાળ કરવું. પોતે જે વિદ્યા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- કોઇપણ વ્યવહાર સંબન્ધી કાર્ય હોય, તેને પોતાની બુદ્ધિથી સારી રીતે વિચાર કરીને અથવા સત્પુરૂષોને પૂછીને કરવું, પણ અકસ્માત કરી નાખવું નહિ. વિચાર્યા વિના કાર્ય કરી નાખનાર પુરૂષને મહાન દુઃખની પ્રાપ્તિ થાય છે. ભારવિ નામના કવિએ કહેલું છે કે- વિચાર્યા વિના તત્કાળ કોઇપણ કાર્ય કરવું નહિ. અને વિચાર્યા વિના તત્કાળ જે કાર્ય કરી નાખવું એ અવિવેક છે. અને તે પરમ આપત્તિનું સ્થાન છે. ભર્તુહરિએ પણ કહેલું છે- ''गुणवदगुणवद्वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, ગુણવાળું અથવા તો ગુણ વિનાનું કોઇપણ કાર્યને કરતા વિદ્વાન પુરૂષોએ પ્રયત્ન પૂર્વક એ કાર્યનું પરિણામ વિચારવું જોઇએ કે, હું આ કાર્યનો પ્રારંભ તો કરૂં છું, પણ આ કાર્યનું પરિણામ ખરાબ તો નહિ આવે ને ? આ રીતે ખૂબ ખૂબ વિચાર કરીને જ કાર્યનો આદર કરવો જોઇએ. અને જે પુરૂષ વિચાર્યા વિના અતિ વેગથી કાર્યનો પ્રારંભ કરી દે છે, તે પુરૂષના મનમાં સતત ચિંતા રહે છે કે, કાર્યનો પ્રારંભ તો થઇ ચુક્યો છે, પણ એનું પરિણામ શું આવશે ? આ રીતે જ્યાં સુધી એ કર્મની સિદ્ધિ ન થાય, ત્યાં સુધી એ કાર્ય હૃદયમાં સંતાપને કરનારૂં થાય છે. અને શલ્યની પેઠે હૃદયને બાળનારૂં થાય છે. માટે હમેશાં વિચારીને જ કાર્ય કરવું. વિચારીને કાર્ય કરનાર હમેશાં સુખી જ થાય છે, દુઃખી ક્યારેય પણ થતા નથી. મહાભારતમાં એક ચિરકારી બ્રાહ્મણની કથા છે- ઇન્દ્રે ગૌતમમુનિનું રૂપ ધારણ કરીને ગૌતમની પત્નિ અહલ્યાની સાથે દુર્વ્યવહાર કરેલો હતો. આ બાબતની ગૌતમ મુનિને ખબર પડતાં, ગૌતમ ઋષિએ ક્રોધાયમાન થઇને પોતાની પત્ની અહલ્યાને મારી નાખવા માટે પુત્રને આજ્ઞા કરી, પણ પુત્ર તો માતાનું માહાત્મ્ય સમજી કરીને, માતાને મારવામાં ઘણો ઘણો વિચાર કર્યો કે- માતાને મારવામાં તો મહાન પાપ છે, માતાને મારી નાખવાથી પુત્રનો ક્યારેય પણ છુટકારો થતો નથી, આમ ઘણો ઘણો વિચાર કરીને બેસી રહ્યો, પણ માતાને મારી નહિ. તેથી ગૌતમમુનિ પોતાના પુત્ર ઉપર અતિ પ્રસન્ન થઇ ગયા, અને પોતાના પુત્રે માતાને મારવામાં લાંબો સમય વિચાર કર્યો, તેથી પોતાના પુત્રનું નામ પણ ચિરકારી ધારણ કર્યું. ચિરકારી એટલે
''લાંબો સમય વિચાર કરનાર'' આ રીતે વિચારીને કાર્ય કરનારા પુરૃષો હમેશાં સુખી જ થાય છે, દુઃખી ક્યારેય પણ થતા નથી. આવો શ્રીહરિનો અભિપ્રાય છે.
અને વળી ધર્મ સંબન્ધી જો કોઇ કાર્ય હોય, તો તત્કાળ જ કરી નાખવું, એમાં કોઇની રાહ જોવી નહિ, અને લાંબો વિચાર પણ કરવો નહિ. જ્યારે ધર્મસંબન્ધી કાર્ય કરવાનો મનમાં વિચાર ઉત્પન્ન થાય, તેજ સમયે એ કાર્ય કરી નાખવું. નહિ તો પછી એ વિચાર બદલાઇ જાય છે, અને ધર્મસંબન્ધી કાર્ય અટકી જાય છે. કારણ કે ધર્મની ગતિ ઉતાવળી કહેલી છે. આજે આપણા મનમાં સંકલ્પ થયો કે મારે આ ધર્મકાર્ય કરવું છે, પણ થોડીવાર પછી મનમાં એવો સંકલ્પ થશે કે હશે, કાંઇ નહિ. આવતે વર્ષે કરીશું. આ રીતે ધર્મ સંબન્ધી કાર્યમાં ઝટ ઝટ મન બદલાઇ જતું હોય છે, તેથી ધર્મની ગતિ ઉતાવળી શાસ્ત્રમાં બતાવેલી છે.
અને વળી જો ધર્મસંબન્ધી કાર્ય તત્કાળ કરી નાખેલું હોય, તોપણ કાંઇ હાનિકારક થતું નથી. કારણ કે ધર્મ સંબન્ધી કાર્ય પરલોકમાં સહાય કરનારૃં છે- ''धर्म एव सहायी स्यात् परलोके न चेतरः'' ।। इति ।। આ સ્મૃતિ વાક્યનો એ અર્થ છે કે- પરલોકમાં તો કેવળ ધર્મ જ મદદ કરનારો છે. એ સિવાય બીજી કોઇપણ વસ્તુ, કે કોઇપણ વ્યક્તિ પરલોકમાં મદદ કરનાર નથી. માટે ધર્મસંબન્ધી કાર્ય તત્કાળ કરી નાખવામાં પોતાને કોઇપણ પ્રકારની હાનિ થતી નથી.
મહાભારતમાં એક કથા છે. યુધિષ્ઠિર રાજા પોતાના ભાઇઓ સાથે રાજ્યની કચેરીમાં બેઠા હતા, કાંઇક રાજકીય મંત્રણા ચાલતી હતી. તે સમયે કોઇક ભિક્ષુક બ્રાહ્મણ ત્યાં આવીને દાન દક્ષિણાની યાચના કરી. તે સમયે યુધિષ્ઠિર રાજાએ કહ્યું કે ભૂદેવ ! અત્યારે રાજ્યના અતિથિગૃહમાં ઉતારો કરો, અને આવતી કાલે મળજો. તમારી ઇચ્છા પૂર્ણ થશે. તે સમયે ભિક્ષુક બ્રાહ્મણે જવાબ આપ્યો કે- ''चलं वित्तं चलं चित्तं चलं जीवितमावयोः । यमस्य करुणा नास्ति धर्मस्य त्वरिता गतिः'' ।। इति ।। હે રાજન્ ! કાલનો શો ભરોસો ? ''चलं वित्तम्'' ।। इति ।। પૈસો ચંચળ છે, લક્ષ્મી અતિ ચંચળ છે. આજે આપણા હાથમાં હોય, ને કાલે ન પણ હોય. માટે પૈસો હાથમાં હોય ત્યારે જ ધર્મ કાર્ય કરી લેવું જોઇએ. માનો કે કદાચ પૈસો સ્થિર રહે, તો મનુષ્યનું મન ચંચળ છે-''चलं चित्तम्'' આજે મનમાં એમ થાય કે આટલું દાન કરવું છે, તો આવતી કાલે મન બદલાઇ જાય છે. કારણ કે મન બહુ ચંચળ છે. માનો કે કદાચ પૈસો અને મન આ બન્ને સ્થિર રહી જાય, તો પણ ''चलं जीवितमावयोः'' આપણા બન્નેનાં જીવન ચંચળ છે. આવતી કાલ સુધીમાં આપણા બન્નેમાંથી એકનું મૃત્યુ ન થઇ જાય તેની શું ખાત્રી ? કદાચ માનો કે આવતી કાલ સુધી આપણે બન્ને જીવિત રહીએ, તો પણ ''धर्मस्य त्वरिता गतिः'' ।। इति ।। ધર્મની ઉતાવળી ગતિ શાસ્ત્રોમાં બતાવેલી છે. અર્થાત્ ધર્મસંબન્ધી કાર્યોમાં મનુષ્ય જો ઢીલાશ રાખે તો, કોઇ દિવસ ધર્મકાર્ય કરી શકતો નથી. કારણ કે ધર્મસંબન્ધી કાર્યમાં જલદી વિપરીત બુદ્ધિ થવાનો સંભવ છે. આજે કરવામાં આવેલો ધર્મસંબન્ધી કાર્યનો સંકલ્પ, આવતી કાલ સુધીમાં તો વિપરીતપણાને પામી જાય છે. માટે તક મળે એટલે તરત જ ધર્મકાર્ય કરી લેવું. ધર્મકાર્ય કરવામાં કોઇની રાહ જોવી નહિ. મોક્ષધર્મમાં કહેલું છે કે- ''श्वः कार्यमद्य कुर्वीत पूर्वाह्ने चापराह्निकम् । न हि प्रतीक्षते मृत्युः कृतं वा।स्य न वा कृतम्'' ।। इति ।। ધર્મ સંબન્ધી કાર્ય આવતી કાલે કરવાનું નક્કી કર્યું હોય, તો આજે જ કરી લેવું. આવતી કાલની રાહ જોવી નહિ. બપોર પછી કરવાનું નક્કી કર્યું હોય, તો બપોર પહેલાં જ કરી લેવું, કારણ કે મૃત્યુ કોઇની રાહ જોતું નથી. આપણું કાર્ય અધુરૃં હશે તોપણ મૃત્યુ આપણને લઇને ચાલ્યું જશે. માટે ધર્મકાર્યમાં ક્યારેય પણ પ્રતીક્ષા કરવી નહિ. ધર્મકાર્ય તો તત્કાળ જ કરી લેવું. આવો શ્રીહરિનો અભિપ્રાય છે.
અને વળી પોતે ગુરૃની સેવા કરીને અને અભ્યાસ કરીને જે વિદ્યા પ્રાપ્ત કરેલી હોય, એ વિદ્યા કોઇ સુશીલ શિષ્ય હોય, તેને અર્પણ કરવી. કારણ કે વિદ્યાદાનને અતિદાન કહેલું છે. ''त्रिण्याहुरतिदानानि गावः पृथ्वी सरस्वती'' ।। इति ।। ગાયનું દાન, પૃથ્વીનું દાન અને વિદ્યાદાન આ ત્રણ અતિદાનો કહેલાં છે. અને વળી વિદ્યા ભણાવનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. ''पराध्यापनसक्तो हि पुरुषस्तु यदश्नुते । तपस्तत्परमं तस्य ब्रह्मलोकगमं स्मृतम्'' ।। इति ।। આ શ્લોકનો એ ભાવ છે કે, નિઃસ્વાર્થભાવે બીજાને ભણાવવામાં તત્પર એવો પુરૃષ બીજાને ભણાવવાથી જે દુઃખને પામે છે, એ તેનું પરમ તપ કહેલું છે, અને આ તપ બ્રહ્મલોકને પમાડનારૃં છે. માટે પોતે ભણેલી વિદ્યા બીજાને ભણાવવી.
અને વળી નન્દિપુરાણમાં ચૌદ પ્રકારની વિદ્યાઓ મુખ્ય કહેલી છે. તેમાં વેદનાં છ અંગો, અને ચાર વેદો, ધર્મશાસ્ત્રો, પુરાણો, મીમાંસાશાસ્ત્ર, અને તર્કશાસ્ત્ર, આ ચૌદ વિદ્યાઓ પ્રધાન છે, આ ચૌદ વિદ્યાઓમાં અવાન્તર ઉત્પન્ન થયેલી બીજી હજારો વિદ્યાઓ છે. અને આ ચૌદ વિદ્યાઓને મધ્યે મીમાંસા સંબન્ધી જે બ્રહ્મવિદ્યા, પુરાણ સંબન્ધી વિદ્યા, અને ધર્મશાસ્ત્ર સંબન્ધી વિદ્યા, આ ત્રણ વિદ્યાઓ મુખ્ય કહેલી છે. અને તેમાં પણ બ્રહ્મવિદ્યા છે, એ બધી વિદ્યાઓમાં પર વિદ્યા કહેલી છે. માટે બ્રહ્મવિદ્યાનું દાન આપનારા પુરૃષોને સર્વે દાનોનું ફળ પ્રાપ્ત થાય છે. માટે પોતે જે વિદ્યા પ્રાપ્ત કરેલી હોય, એ વિદ્યા જીજ્ઞાસુ અને સારા સ્વભાવવાળા શિષ્યને ભણાવવી, આવો શ્રીહરિનો ભાવ છે.
અને વળી હમેશાં સ્વધર્મનિષ્ઠ એવા ભગવાનના જે અનન્ય ભક્તો હોય, તેનો સમાગમ કરવો, અર્થાત્ એવા ભક્તનાં દર્શન કરવાં, વંદન કરવાં, પૂજા કરવી, વચનો હૃદયમાં ધારણ કરવાં, ઇત્યાદિક રૃપ જે સમાગમ તે હમેશાં કરવો. કારણ કે સત્સંગ છે એ જ ભગવાનની ભક્તિને ઉત્પન્ન કરનારો છે. ''भवापवर्गो भ्रमतो यदा भवेज्जनस्य तर्ह्यच्युत सत्समागमः । सत्सङ्गमो यर्हि तदैव सद्गतौ परावरेशे त्वयि जायते मतिः'' ।। इति ।। મુચુકુન્દ રાજા શ્રીકૃષ્ણને કહે છે કે, હે પ્રભુ ! આ સંસારમાં ભ્રમણ કરતા મનુષ્યને તમારી કૃપાથી જ્યારે મોક્ષકાળ નજીક આવે છે, ત્યારે પ્રથમ તો તેને એકાંતિક સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે. અને જ્યારે સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે, ત્યારે જ તમારે વિષે ભક્તિ ઉત્પન્ન થાય છે. અને જ્યારે ભક્તિનો ઉદય થાય છે, ત્યારે જ જીવાત્માનો મોક્ષ થાય છે. આ રીતે સંતનો સમાગમ ભક્તિને ઉત્પન્ન કરનારો કહ્યો છે. માટે હમેશાં એકાન્તિક સંતનો સમાગમ કરવો.
અને વળી જેમ સમુદ્રના જળમાં ડુબતા એવા પુરૃષોને નૌકા છે, એજ દૃઢ આશ્રયરૃપ છે, તેમ આ સંસારરૃપી સાગરમાં ઉંચ અને નીચ યોનિમાં ડૂબકીઓ ખાતા એવા પુરૃષોને એકાંતિક સંતો છે, એજ પરમ આશ્રયરૃપ કહેલા છે. અને વળી બહાર ઉદયને પામતો સૂર્ય કેવળ બહારના અંધકારને દૂર કરી શકે છે, પણ હૃદયના અંધકારને દૂર કરી શકતો નથી. પણ એકાન્તિક સંતો તો જ્ઞાનદૃષ્ટિ આપીને હૃદયના અંધકારને પણ દૂર કરી નાખે છે. અને વળી ગંગાદિક જળમય જે તીર્થો છે, અને ધાતુ અથવા પથ્થરની જે દેવતાઓની પ્રતિમાઓ છે, તે લાંબા સમયે મનુષ્યોને પવિત્ર કરે છે. પણ ભગવાનના એકાંતિક સંતો તો દર્શનમાત્રથી જ મનુષ્યોને પવિત્ર કરે છે. અને વળી એકાન્તિક સંતોનો સમાગમ બુદ્ધિની જડતાને હરે છે, વાણીને વિષે સત્યનું સિંચન કરે છે, લાંબા સમયનાં હૃદયનાં પાપોને પણ બાળીને ભસ્મ કરી નાખે છે. માટે આવા એકાંતિક સંતોનો સમાગમ પણ મન, કર્મ, અને વચનથી કરવો. પણ જળમાં કમળનું પત્ર રહેલું હોવા છતાં પણ એ પત્રને જે રીતે જળનો સ્પર્શ લાગતો નથી, એ રીતે ઉપરછલો સમાગમ કરવો નહિ. પરંતુ એવા એકાંતિક સંતોની સેવા કરવી, સંતોનું વચન હૃદયમાં ધારણ કરવું, સંતોની આગળ પોતાના દોષ કહેવા, આ રીતે પ્રધાન વિધિથી સંતોનો સમાગમ કરવો. કારણ કે સંતોના સમાગમથી સર્વે સાંસારિક સંતાપો નાશ પામી જાય છે. માટે જ સંતોના સમાગમને અને ધર્મને પ્રાણ થકી પણ અધિક રક્ષણ કરવા યોગ્ય કહેલાં છે. માટે ભક્તજનો હોય તેમણે નિષ્કામભાવથી કોઇપણ જાતના સ્વાર્થ વિના કેવળ પોતાના કલ્યાણને માટે અવશ્ય હમેશાં સાધુનો સમાગમ કરવો, આવો અભિપ્રાય છે. ।।૩૬।।