यस्मिन् परिहिते।पि स्युर्दृश्यान्यङ्गानि चात्मनः । तद्दूष्यं वसनं नैव परिधार्यं मदाश्रितैः ।।३८।।
અને અમારા આશ્રિતો હોય તેમણે, જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગો દેખાય તેવું જે ભુંડું વસ્ત્ર, તે પહેરવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ગુપ્ત રાખવા યોગ્ય જે અંગો, તેમને ઢાંકવા માટે વસ્ત્રો ધારણ કર્યાનું વિધાન છે. તો જે વસ્ત્રો ધારણ કર્યા પછી પણ ગુપ્ત રાખવા યોગ્ય અંગો ઢંકાય નહિ, તો વસ્ત્ર ધારણ કરેલું હોય તોપણ નહિ ધારણ કર્યા સમાન છે. સદાચારદીપમાં કેવું વસ્ત્ર ધારણ ન કરવું જોઇએ, તેનું વિધાન કરેલું છે- ''अति सूक्ष्मं च दृश्याङ्गं स्फाटितं जालसन्निभं । न धार्यं मलिनं वासो धार्यं शुचि घनं च तद्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, અતિ સૂક્ષ્મ વસ્ત્ર ધારણ કરવું નહિ, ફાટેલું વસ્ત્ર ધારણ કરવું નહિ, મચ્છરદાની સમાન જારીવાળું વસ્ત્ર ધારણ કરવું નહિ. એજ રીતે મેલું વસ્ત્ર ધારણ કરવું નહિ. પરંતુ ઘાટું પવિત્ર અને ધોયેલું વસ્ત્ર ધારણ કરવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- આ સદાચારદીપમાં કહ્યું કે- ફાટેલાં તથા જાળીવાળાં કપડાં પહેરવાં નહિ. એ વિષયમાં એમ સમજવું કે અતિ ગરીબ હોય, અને અતિ ત્યાગી હોય, તેમના માટે આ નિયમ લાગુ પડતો નથી. તેમને જે વસ્ત્ર મળે તે પહેરી લેવું. કારણ કે અતિ ગરીબ હોય, અને તીવ્ર વૈરાગ્યે કરીને જેમણે પોતાના દેહનો અતિશે અનાદર કરી દીધો હોય, એવા અતિ ત્યાગી હોય, તેમને તો બીજાની ઇચ્છાથી વસ્ત્રો પ્રાપ્ત થતાં હોય છે. માટે આ બન્નેને ઇશ્વર ઇચ્છાથી જે વસ્ત્રો પ્રાપ્ત થાય, એ વસ્ત્રો પહેરી લેવાં. પણ તે સિવાય જે ધનવાન ગૃહસ્થો હોય તેમણે કદીપણ ફાટેલાં કે મલિન વસ્ત્રો ધારણ કરવાં નહિ. ધનવાન ગૃહસ્થો હોય તેમણે તો ઘાટાં, પવિત્ર અને મૂલ્યવાન સારાં વસ્ત્રો ધારણ કરવાં. એવો અહીં વિવેક સમજવો, આવો શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. ।।૩૮।।