तत्तु गोपीचन्दनेन चन्दनेनाथवा हरेः । कार्यं पूजावशिष्टेन केशरादियुतेन च ।।४२।।
અને તે ઉર્ધ્વપુંડ્ર તિલક જે તે, ગોપીચંદન વડે કરવું, અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદીના ચંદન વડે કરવું; અથવા તો કેશર, કુંકુમ આદિકથી મિશ્રિત એવાં પ્રસાદીનાં ચંદન વડે કરવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પૂર્વના શ્લોકમાં જે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે, એ ઉર્ધ્વપુંડ્ર તિલક કયા દ્રવ્યવડે ધારણ કરવું, તેનું વિધાન આ શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. પહેલો પક્ષ એ છે કે જ્યાં ગોપીઓ પ્રેમે કરીને લીન થયેલી છે, એવી ગોમતીસરોવરની જે દ્વારિકામાહાત્મ્યમાં પ્રસિદ્ધ ગોપીચંદન નામની મૃત્તિકા વડે, અથવા કોઇપણ પવિત્ર તીર્થની મૃત્તિકા વડે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું.
બીજો પક્ષ એ છે કે- ભગવાનની પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદીના ચંદન વડે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. અથવા તો કેસર, કુંકુમાદિકથી મિશ્રિત કરેલાં પ્રસાદીનાં ચંદનવડે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. આ બધા પક્ષોમાં પવિત્ર તીર્થની જે મૃત્તિકા છે, એ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવા માટે ઉત્તમ કહેલી છે. ''जाह्नवीतीरसंभूतां मृदं मूर्ध्ना बिभर्तियः । बिभर्ति रुपं सो।र्कस्य तमोनाशाय केवलम्'' ।। इति ।। આ શ્લોકનું તાત્પર્ય એ છે કે- ગંગા કિનારે રહેલી મૃતિકાને લાવી કરી જે પુષ મસ્તકમાં ધારણ કરે છે, અર્થાત્ એ મૃતિકા વડે મસ્તકમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરે છે. એ પુષ માનો કે કેવળ અંધકારને દૂર કરવા માટે સૂર્યના સ્વપને મસ્તકમાં ધારણ કરે છે. અને વળી પદ્મપુરાણમાં કહેલું છે કે જ્યાં દિવ્ય ભગવાનનાં ક્ષેત્રો હોય, અર્થાત્ બદ્રિનારાયણાદિક દિવ્ય ભગવાનનાં મંદિરો હોય, ત્યાંથી મૃતિકા લાવી કરી, તે મૃતિકા વડે સર્વે મનોરથોની પ્રાપ્તિને માટે ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કરવાં.
અને વળી બ્રહ્માંડ પુરાણમાં તો મૃતિકા, ચંદન, ભસ્મ અને જળ આ ચાર દ્રવ્યો બતાવેલાં છે. તેમાં પ્રાતઃ સ્નાન કરીને મૃતિકા વડે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. અને ચંદન વડે કોઇ દેવની અર્ચા કરેલી હોય, તો એ પ્રસાદીના ચંદન વડે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું; અને જો હવન કરેલો હોય તો હવનની જે ભસ્મ તે વડે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. અને જળમાં રહીને પિતૃસંબન્ધી કોઇ કર્મ કરતા હોઇએ, તો એ જળ સંબન્ધી કર્મની સિદ્ધિને માટે જળ વડે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરી લેવું. કારણ કે ઉર્ધ્વપુંડ્ર તિલકને ધારણ કર્યા વિના તે તે કર્મ વ્યર્થ થઇ જાય છે. માટે સમય સમયને અનુસારે આ ચાર દ્રવ્યો વડે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે, આવો અભિપ્રાય છે. ।।૪૨।।