શ્લોક ૪૩

तन्मध्य एव कर्तव्यः पुण्ड्रद्रव्येण चन्द्रकः । कुङ्कुमेनाथवा वृत्तो राधालक्ष्मीप्रसादीना ।।४३।।


અને ધારણ કરેલા તે ઉર્ધ્વપુંડ્ર તિલકને મધ્યે ગોપીચંદન અથવા ચંદન વડે ગોળાકાર ચાંદલો કરવો, અથવા તો રાધા, લક્ષ્મીજીની પ્રસાદીનું એવું જે કુંકુમ તે વડે ગોળાકાર ચાંદલો કરવો.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જે દ્રવ્ય વડે ઉર્ધ્વપુંડ્ર તિલકનું વિધાન કર્યું, એજ ગોપીચંદનાદિક દ્રવ્ય વડે ઉર્ધ્વપુંડ્ર તિલકના બરાબર મધ્ય ભાગમાં ગોળાકાર ચાંદલો કરવો. અથવા તો રાધા અને લક્ષ્મીની પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદીના કુંકુમ વડે ગોળાકાર ચાંદલો કરવો. આ રીતે બે પક્ષ છે- એક ગોપીચંદન વડે ચાંદલો થઇ શકે છે, અને કુંકુમ વડે પણ ચાંદલો થઇ શકે છે. તેમાં કુંકુમ એ મંગલ દ્રવ્ય છે, તેથી કુંકુમનો જે ચાંદલો છે, એ મંગળની નિશાની છે; માટે પ્રસાદીના કુંકુમ વડે ગોળાકાર ચાંદલો કરવો, એ ઉત્તમ પક્ષ છે. ચાંદલાએ સહિત જે ઉર્ધ્વપુંડ્ર તિલક છે, એ વૈષ્ણવ સંપ્રદાયને જણાવનાર છે. ''उर्ध्वपुण्ड्रं सचन्द्रकम्'' ।। इति ।। દીક્ષા વિધિમાં બતાવેલું છે કે વૈષ્ણવો હોય તેમણે કુંકુમના ગોળાકાર ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. અને વળી વિષ્ણુધર્મોત્તરમાં પણ કહેલું છે કે- ''उर्ध्वपुण्ड्रस्य मध्ये तु हरिद्राचूर्णकुङ्कुमम् । धारयेत् वैष्णवो नित्यं कमलाप्रीतये नृप'' ।। इति ।। વૈષ્ણવો હોય તેમણે લક્ષ્મીજીની પ્રસન્નતાને અર્થે ઉર્ધ્વપુંડ્ર તિલકની મધ્યે કુંકુમ ધારણ કરવું. તેથી જ મોટા ભાગે વૈષ્ણવો ઉર્ધ્વપુંડ્ર તિલકની મધ્યે કુંકુમનું ધારણ કરે છે. અર્થાત્ વૈષ્ણવો ગોળાકાર ચાંદલાપે કુંકુમ ધારણ કરે છે, તો કોઇ લાંબી સળીના પમાં મધ્યે કુંકુમ ધારણ કરે છે. અર્થાત્ ઉર્ધ્વપુંડ્ર તિલકની મધ્યે જે કુંકુમનું ચિહ્ન છે, એ વૈષ્ણવત્વને સુચવનારૂં છે, આવો અભિપ્રાય છે. ।।૪૩।।