શ્લોક ૪૪

सच्छूद्राः कृष्णभक्ता ये तैस्तु मालोर्ध्वपुण्ड्रके । द्विजातिवद्धारणीये निजधर्मेषु संस्थितैः ।।४४।।


અને પોતાના ધર્મને વિષે રહેલા અને ભગવાનના ભક્ત એવા જે સચ્છૂદ્રો હોય તેમણે તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની પેઠે જ તુલસીની કંઠી અને ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શુદ્રો બે પ્રકારના છે, એક સચ્છૂદ્રો અને બીજા અસચ્છૂદ્રો. જે પોતાના ધર્મમાં નિષ્ઠાવાળા હોય એ સચ્છૂદ્રો અને પોતાના ધર્મથી ભ્રષ્ટ થયા હોય, એ અસચ્છૂદ્રો.


ગમે તેવી પછાત જ્ઞાતિનો ગણાતો હોય, પરંતુ જો મદ્યમાંસથી દૂર રહેતો હોય, શુદ્ધવંશમાં જન્મેલો હોય, હિંસા ન કરતો હોય, બ્રાહ્મણાદિક ત્રણે વર્ણવાળા પુષોની સેવા કરતો હોય, અને તેણે કરીને પોતાની આજીવિકા ચલાવતો હોય, અથવા તો કોઇપણ મજૂરી કે ખેતી દ્વારા પોતાની આજીવિકા ચલાવતો હોય, એ ગમે તે વર્ગનો હોય, શુદ્રમાં અતિ શૂદ્ર હોય, છતાં બ્રાહ્મણાદિક ત્રણે વર્ણની પેઠે જ એ તિલક ચાંદલાનો અને તુલસીની કંઠીનો અધિકારી છે.


સચ્છૂદ્રોનું દ્વિજાતિઓ કરતાં માત્ર થોડું જ વિલક્ષણપણું છે. સચ્છૂદ્રો વેદના મંત્રોનું ઉચ્ચારણ કરી શકે નહિ. જ્યારે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણવાળા પુષો વેદના મંત્રનું ઉચ્ચારણ કરી શકે છે. શૂદ્ર પણ એક ચોથો વર્ણ છે. વર્ણ હોવાથી એ ધર્મને યોગ્ય છે પણ વેદના મંત્રો સિવાય એ ધર્મને યોગ્ય છે. આ રીતે વ્યાસે મહાભારતમાં પ્રતિપાદન કરેલું છે. અને વળી વરાહપુરાણની અંદર શૂદ્રોની દીક્ષા પણ પ્રતિપાદન કરેલી છે- ''चातुर्वर्णस्य वक्ष्यामि दीक्षामद्य यशस्विनी'' ।। इति ।। વરાહ ભગવાન પૃથ્વીને કહે છે કે- હે પૃથ્વી ! હવે હું ચારે વર્ણવાળા પુષોની દીક્ષા કહું છું. આ રીતે દીક્ષા કહેવાનો પ્રારંભ કરીને, પ્રથમ ત્રણે વર્ણની દીક્ષા કહી અને ત્યાર પછી- ''शुद्रस्या।पि प्रवक्ष्यामि मद्बक्तस्य वराङ्गने'' ।। इति ।। વરાહ ભગવાન કહે છે કે- હે પૃથ્વી ! હવે હું મારા ભક્ત શૂદ્રોની પણ દીક્ષા કહું છું. આમ કહીને શૂદ્રોની પણ દીક્ષા કહેલી છે. આ પ્રમાણે ચારે વર્ણવાળા પુષોને સામાન્ય દીક્ષા ગ્રહણ કરવાનો અધિકાર છે. માટે પોતાના ધર્મમાં રહેલા ભગવાનના ભક્ત જે સચ્છૂદ્રો હોય, તેમણે પણ દીક્ષા ગ્રહણ કરીને કંઠમાં તુલસીની કંઠી, અને ઉર્ધ્વપુંડ્ર તિલક તથા ચાંદલો દ્વિજાતિની પેઠે જ ધારણ કરવો, આવો અભિપ્રાય છે. ।।૪૪।।