भक्तैस्तदितरैर्माले चन्दनादीन्धनोद्बवे । धार्ये कण्ठे ललाटे।थ कार्यः केवलचन्द्रकः ।।४५।।
અને સચ્છૂદ્ર સિવાયના જે જાતિએ કરીને ઉતરતા એવા મારા ભક્ત અસચ્છૂદ્રો હોય, તેમણે તો ચંદનાદિક કાષ્ઠની બેવડી કંઠી ભગવાનની પ્રસાદીની કરાવીને કંઠને વિષે ધારણ કરવી, અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો, પણ તિલક કરવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- મનુષ્ય માત્રને નામકીર્તનાદિક ભગવાનની ભક્તિ કરવામાં અધિકાર છે કે- આ મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. તેને પામીને જે કોઇ મનુષ્ય ભગવાનનું નામ કીર્તન કરતો નથી, અર્થાત્ ભગવાનની ભક્તિ કરતો નથી, એ પુષ ખરેખર સંસારપી અંધારા કૂવામાં પડેલો છે. એ કાંઇ દેખતો જ નથી, એને કાંઇ ભાન નથી. જો ભાન હોય તો ભગવાનની ભક્તિ કરે, અને જો ભગવાનની ભક્તિ નથી કરતો, તો એ ભાન વિનાનો જ છે. અને સંસારપી ઘોર અંધકારમય કૂવામાં પડેલો જ છે. આ રીતે ભાગવતમાં મનુષ્ય માત્રને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર કહેલો છે. માટે અસચ્છૂદ્રો હોય તેમણે પણ દુર્લભ મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે કંઠમાં ચંદનાદિકની બેવડી કંઠી અને લલાટમાં કેવળ ચાંદલો કરીને ભગવાનનું નામકીર્તન કરવું.
અને વળી આચારમાધવને વિષે સત્યવ્રતનું વચન છે કે- ''उर्ध्वपुण्ड्रमृजु सौम्यं ललाटे यस्य दृश्यते । चाण्डालो।पि सः शुध्धात्मा पूज्य एव न संशयः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- જેના લલાટમાં સરળ અને સૌમ્ય ઉર્ધ્વપુંડ્ર તિલક જોયામાં આવે છે, એ પુષ ભલે ચંડાળ હોય છતાં શુદ્ધાત્મા બનીને પૂજ્ય બની જાય છે, એમાં કોઇ જાતનો સંશય નથી. આવું સત્યવ્રતનું વચન હોવાથી જો કે ચાંડાળપર્યન્તના કોઇપણ મનુષ્યને ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવામાં દોષ તો નથી, છતાંપણ અસચ્છૂદ્રાદિકોને પ્રત્યક્ષ ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું, એ આદિકમાં અધિકાર નથી. અસચ્છૂદ્રાદિકોને તો કેવળ ભગવાનની પ્રતિમાનાં દર્શન કરવાં, નામકીર્તન કરવું એ આદિકમાં જ અધિકાર છે. તેથી તેઓને ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાનું કોઇ પ્રયોજન નથી. કારણ કે ઉર્ધ્વપુંડ્ર તિલક પૂજાદિકનું અંગ છે. તેથી ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યા વિના જો પૂજાદિક કરવામાં આવે તો એ વ્યર્થ બની જાય છે. અને અસચ્છૂદ્રોને તો પૂજાદિકનું વિધાન કરેલું નથી. માટે અસચ્છૂદ્રોને ઉર્ધ્વપુંડ્ર તિલકથી રહિત કેવળ ચાંદલો કરવો, એ જ યોગ્ય છે. અને એ જ રીતે તુલસીની કંઠી ધારણ કરવામાં પણ સમજવું, આવો ભાવ છે. ।।૪૫।।