શ્લોક ૫૫

ये त्वम्बरीषवद्भक्ताः स्युरिहात्मनिवेदिनः । तैश्च मानसपूजान्तं कार्यमुक्तक्रमेण वै ॥५५॥


મારા આશ્રિત અંબરીષરાજાની સમાન આત્મનિવેદી જે ભક્તો હોય તેમણે, પણ ઉપર બતાવેલા ક્રમ વડે માનસીપૂજા પર્યન્તનો બધો વિધિ કરવો. (હવે પછીના શ્લોકથી આત્મનિવેદી ભક્તોનો વિશેષ વિધિ કહેવાશે.)


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવે છે કે- સત્સંગીઓ બે પ્રકારના કહેલા છે. એક સામાન્ય વૈષ્ણવ (સત્સંગી) અને બીજા ઉત્તમ વૈષ્ણવ (આત્મનિવેદી) તેમાં સામાન્ય વૈષ્ણવ સત્સંગીઓનો સામાન્યપણે જે નિત્યવિધિ કહ્યો, તેમાં માનસીપૂજા પર્યંતનો જે નિત્યવિધિ આત્મનિવેદી ભક્તોને પણ સમાન છે. 


હવે આત્મનિવેદી કોને કહેવાય ? તો કહે છે કે- જેમણે પોતાના શરીરની સાથે પોતાનો આત્મા ભગવાનને અર્થે નિવેદન કરી દીધો હોય, પોતાનું મન ભગવાનને આધીન કરી દીધું હોય, તેથી પોતાના મનની ઇચ્છાએ કોઇપણ કાર્ય કરતા ન હોય, કેવળ ભગવાનની ઇચ્છાને અનુકુળ જ અને તેમાં પણ ભગવાન સંબન્ધી જ સર્વે ક્રિયાઓને કરનારા હોય, તેને આત્મનિવેદી ભક્તો કહેવાય છે.


શ્રીજીમહારાજે ગૃહસ્થોમાં અંબરીષ રાજાને એક આદર્શ આત્મનિવેદી ભક્ત માનેલા છે. જે અંબરીષ રાજા પોતે સાતદ્વીપવાળી પૃથ્વીને ભોગવતા હતા. અખૂટ લક્ષ્મી અને પુષ્કળ વૈભવને પ્રાપ્ત કરેલો હતો. છતાં એ બધા વૈભવોને નાશવંત માની કરી, કેવળ ભગવાન અને ભગવાનના ભક્તોમાં જ સ્નેહ બાંધેલો હતો. જેણે કરીને આ વિશ્વને લોષ્ટની સમાન (કચરાની સમાન) માનેલું હતું. અને ઇન્દ્રિયોની સર્વે ક્રિયાઓને ભગવાનનાં દર્શનાદિકને વિષે જ રાખેલી હતી. પોતાનું શરીર ભગવાન સંબન્ધી સર્વે ક્રિયાઓને વિષે જ રાખેલું હતું. અને પોતાના મનને કેવળ ભગવાનના સ્મરણમાં જ રાખેલું હતું. પોતાના બન્ને હાથને ભગવાનના મંદિરમાં વાળવું, વગેરે સેવામાં રાખેલા હતા, અને બન્ને કર્ણને ભગવાનની કથા સાંભળવામાં રાખેલા હતા, બન્ને નેત્રને ભગવાનનાં દર્શનને વિષે જ રાખેલાં હતાં, અને બન્ને ચરણને ભગવાનનાં તીર્થસ્થાનોમાં પગે ચાલીને જવામાં રાખેલાં હતાં, અને પોતાનું મસ્તક ભગવાનને વંદન કરવામાં જ રાખેલું હતું, જીહ્વા ઇન્દ્રિયને કેવળ ભગવાનનો પ્રસાદ લેવામાં જ રાખેલી હતી, અને વાણીને ભગવાનના ગુણોનું વર્ણન કરવામાં જ રાખેલી હતી. આ પ્રમાણે સમગ્ર પોતાનો કર્મ કલાપ એક યજ્ઞાનારાયણ ભગવાનને વિષે જ રાખેલો હતો. અને પોતાના અનેક સેવકો હતા, છતાં ભગવાનની સેવા પોતે જાતે જ કરતા હતા. આવા અંબરીષ રાજાની સમાન જે આત્મનિવેદી ભક્તજનો હોય, તેમણે સૂર્યોદયથી પહેલાં જાગવું, ત્યાંથી આરંભીને માનસીપૂજા પર્યંતનો સર્વે વિધિ અનુક્રમે કરવો, અને હવે પછીના શ્લોકથી આત્મનિવેદી ભક્તજનોનો વિશેષ નિત્યવિધિ કહે છે. ।।૫૫।।