શ્લોક ૫૬

शौली वा धातुजा मूर्तिः शालग्रामो।र्च्य एव तैः । द्रव्यैर्यथाप्तैः कृष्णस्य जप्यो।थाष्टाक्षरो मनुः ।।५६।।


અને મારા આશ્રિત આત્મનિવેદી ભક્તજનો હોય, તેમણે માનસી પૂજા કરી લીધા પછી પથ્થરમાંથી બનાવેલી ભગવાનની મૂર્તિ હોય, કે ધાતુની મૂર્તિ હોય, અથવા તો કેવળ શાલિગ્રામ હોય, તેમની મંત્રપૂર્વક ચંદનાદિક ષોડશોપચારો વડે પૂજા કરવી. અને ત્યાર પછી શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે માનસી પૂજા કરી લીધા પછી ભગવાનની પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ હોય, કે ધાતુમાંથી બનાવેલી મૂર્તિ હોય, અથવા શાલિગ્રામ હોય, તેમની મંત્રપૂર્વક ષોડશોપચારોથી પૂજા કરવી, પણ ચિત્રપ્રતિમાની પેઠે કેવળ દર્શન કરી લેવાં નહિ. અને ભગવાનની પ્રતિમામાં તથા શાલિગ્રામમાં ધાતુ કે પથ્થરનો ભાવ આવવા દેવો નહિ. આ મૂર્તિ અને ધામમાં રહેલી મૂર્તિમાં એક રોમ માત્રનો પણ ફરક નથી, આવા ભાવથી પૂજા કરવી.


હવે પૂજવા યોગ્ય મૂર્તિના વિષયમાં એવો વિવેક સમજવો કે ગૃહસ્થોએ પોતાના ઘરમાં પૂજવા યોગ્ય મૂર્તિ ધાતુની બનાવેલી હોય, તો એક વેંતથી મોટી રાખવી નહિ. અર્થાત્ મોટા મંદિરોમાં, જેવી મોટી ધાતુ આદિકની પ્રતિમા હોય છે, એવી મોટી પ્રતિમા ઘરમાં રાખવાનો મોહ રાખવો નહિ, એક જ વેંતની રાખવી. અને પથ્થરમાંથી બનાવેલી હોય, તો ચાર આંગળથી મોટી મૂર્તિ ઘરમાં રાખવી નહિ. કારણ કે મોટી મૂર્તિ જો રાખે, તો ખંડિત થવાનો સંભવ રહે છે.


હવે શાલગ્રામની પૂજામાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી વિવેક બતાવે છે કે- પૂજવા યોગ્ય જો શાલિગ્રામ હોય તો બેકી સંખ્યામાં બે શાલિગ્રામની પૂજા કરવી નહિ. એ સિવાય ચાર, છ, આઠ, એમ બેકી સંખ્યામાં શાલિગ્રામ પૂજી શકાય. અને એકી સંખ્યામાં એક જ શાલિગ્રામ પૂજવા પણ ત્રણ, પાંચ કે સાત એમ એકી સંખ્યામાં શાલિગ્રામની પૂજા કરવી નહિ. અને ચક્રાંકિત શાલિગ્રામ હોય તો ખંડિત પણ પૂજી શકાય છે. એ સિવાય ખંડિત મૂર્તિ કે ખંડિત શાલિગ્રામ પૂજવા નહિ. આ રીતે પુરાણો અને સ્મૃતિઓમાં વર્ણવેલું છે.


હવે ષોડશોપચાર વડે ભગવાનની પૂજાનો અનુક્રમ વર્ણવતાં કહે છે કે- પ્રથમ ભગવાનનું ધ્યાન કરીને આહ્વાન કરવું. ત્યારપછી ભગવાનને બેસવા માટે આસન આપવું. જળવડે ભગવાનનાં ચરણ ધોવડાવવાં, ભગવાનને હસ્ત ધોવડાવવા, અને ભગવાનને કોગળા કરવા માટે જળ અર્પણ કરવું, ભગવાનને સ્નાન કરાવવું, અને ભગવાનને વસ્ત્ર, યપવીત, અલંકાર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પાનબીડું, ફળ અને દક્ષિણા અર્પણ કરવી. ત્યારપછી ભગવાનની આરતી કરવી. પછી ભગવાનને પુષ્પાંજલી અર્પણ કરવી. અને પછી પ્રદક્ષિણા તથા સાષ્ટાઙ્ગ પ્રણામ કરીને ભગવાનની સ્તુતિ કરવી. અને અંતે વિસર્જન કરવું. આ રીતે પૂજાનો ક્રમ કહ્યો છે. માટે આત્મનિવેદી ભક્તજનોએ આ અનુક્રમથી અને ષોડશોપચારોથી ભગવાનની પૂજા કરવી. તેમાં સ્થિર પ્રતિમા હોય, કે શાલિગ્રામ હોય, તેમનું આહ્વાન તથા વિસર્જન કરવું નહિ.


અને વળી પ્રતિમાનું પૂજન કરનારા પૂજારી હોય તેમણે ભગવાનની પૂજા કરતાં ભગવાનનો અપરાધ થઇ ન જાય, તેની સાવધાની રાખવી. આ પ્રતિમામાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે, આવો ભાવ રાખવો, અનંત કોટી બ્રહ્માંડનો માલિક આ પ્રતિમામાં બિરાજે છે. આવી ભાવના રાખીને પ્રતિમાની આગળ મર્યાદા રાખવી. જેમ એક સામાન્ય મોટો માણસ આવ્યો હોય, તેની આગળ આપણે બિલકુલ અસભ્ય વર્તન દાખવતા નથી. તેમ ભગવાનની પ્રતિમાની પાસે પણ અસભ્ય વર્તન દાખવવું નહિ. ભગવાનની પ્રતિમાની આગળ મર્યાદા પૂર્વક રહેવું, આ રીતે સાવધાની રાખીને જેમ ભગવાનનો કોઇપણ અપરાધ ન થાય એમ ભગવાનની પૂજા કરવી. એમ છતાં જાણે અજાણે ભગવાનના કોઇ અપરાધો થઇ ગયા હોય, તો પૂજાને અંતે આગળ કહેવાશે, એવો મંત્ર બોલીને ભગવાનની પાસે ક્ષમાની યાચના કરવી. ''अपराध सहस्राणि क्रियन्ते।हर्निशं मया । दासो।यममिति मां मत्वा क्षमस्व पुरुषोत्तम'' ।। इति ।। હે પ્રભુ ! હું તમારા રાત્રી દિવસ હજારો હજાર અપરાધો કરૂં છું. પણ હે પ્રભુ ! આ એક તમારો દાસ છે, એમ માનીને મને ક્ષમા કરજો. આ રીતે વિનયથી નમ્ર બનીને ભગવાનની પ્રાર્થના કરવી.


અને ભગવાનની પૂજા કર્યા પછી આત્મનિવેદી ભક્તો હોય, તેમણે ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો યથાશક્તિ જપ કરવો. હવે જપ કેવી રીતે કરવો ? તો કહે છે કે- પ્રથમ સ્નાન આચમનાદિક વડે પવિત્ર થઇને, વસ્ત્રના આસન ઉપર બ્રહ્મરંધ્ર અને મૂલાધાર ચક્રની રેખા સીધી રહે, એ રીતે સીધા અને સ્થિર બેસવું અને જપ કરતી વખતે પોતાના હસ્તને જરાપણ ચલાવવો નહિ. માળાને કોઇપણ વસ્ત્ર વડે અથવા ગૌમુખી વડે ઢાંકી દેવી. મૌન રહીને જપ કરવો. મનમાં મંત્રના અર્થનું સ્મરણ કરવું. અર્થાત્ નામીના અનુસંધાનની સાથે મંત્રનો જપ કરવો. બીજાં કાર્યોમાં મન રાખીને જપ કરવો નહિ. કારણ કે બીજા કાર્યોમાં મન રાખીને કરવામાં આવેલો જપ નકામો બની જાય છે. કરવા છતાં કાંઇ ફળ પ્રાપ્ત થતું નથી. આજુ બાજુ પણ જોવું નહિ. આ રીતે સ્થિર રહીને ઉપાંશુ જપ કરવો, અથવા તો માનસિક જપ કરવો. થોડા થોડા હોઠ ચલાવીને જે જપ કરવો. એ ઉપાંશુ જપ કહેવાય છે. અને હોઠ ચલાવ્યા વિના મનમાં ને મનમાં જે જપ કરવો, તેને માનસિક જપ કહેવાય છે. ઉપાંસુ જપ કરતાં માનસિક જપની શ્રેષ્ઠતા કહેલી છે. માટે આત્મનિવેદી ભક્તો હોય, તેમણે અષ્ટાક્ષર મંત્રનો માનસિક જપ વિધિપૂર્વક અને યથાશક્તિ કરવો.


અને વિષ્ણુના કોઇપણ મંત્રના જપમાં વૈષ્ણવો માટે તુલસીની માળા શ્રેષ્ઠ કહેલી છે. સાત્વિક, રાજસિક અને તામસિક મંત્રોને આધારે, તથા સાત્વિક, રાજસિક, અને તામસિક ફળના આધારે જુદી જુદી માળાઓની શાસ્ત્રમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો મંત્ર સાત્વિક હોય, અને કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે જપ કરવો હોય, તો તુલસીની માળા હોવી જોઇએ, કારણ કે તુલસીનું કાષ્ઠ સાત્વિક કહેલું છે.


અને કોઇ મંત્ર રાજસિક હોય અને સ્ત્રી ધનાદિકની પ્રાપ્તિપ રાજસિક ફળને માટે મંત્રનો જપ કરવો હોય, તો દ્રાક્ષની માળા હોવી જોઇએ.


અને વળી શાસ્ત્રોમાં જે મારણ મંત્રો કહેલા છે. એ બધા તામસિક મંત્રો કહેવાય છે. માટે તામસિક મંત્રોના જાપમાં હાડકાં આદિક અપવિત્ર પદાર્થોમાંથી બનાવેલી માળા હોવી જોઇએ. આ રીતે સાત્વિક, રાજસિક અને તામસિક મંત્ર, તથા સાત્વિક, રાજસિક, અને તામસિક ફળને અનુસારે માળાની વ્યવસ્થા કરવામાં આવી છે. પણ કેવળ મંત્રની ગણના કરવા પુરતી જ માળાની વ્યવસ્થા નથી. અર્થાત્ કેવળ મંત્રની સંખ્યા જાણવા પુરતું જ માળાનું પ્રયોજન નથી. જો કેવળ મંત્રની સંખ્યા ગણવા પુરતું જ માળાનું પ્રયોજન હોય, તો કોઇપણ માળાથી કે કોઇપણ પદાર્થથી મંત્રની ગણના થઇ શકે છે. પણ શાસ્ત્રમાં જુદા જુદા કાષ્ટની માળાઓનું વિધાન કરેલું છે, તેથી એ સિદ્ધ થાય છે કે, માળાનું પ્રયોજન કેવળ મંત્રની ગણના પુરતું જ નથી. પણ સાત્વિક, રાજસિક અને તામસિક ફળના પ્રયોજનને માટે છે, એમ સમજવું. અહીં શ્રીકૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર છે, એ સાક્ષાત્ વિષ્ણુનો છે. વિષ્ણુ સાત્વિક દેવ છે. અને મોક્ષપ્રદાતા દેવ છે. માટે વિષ્ણુ સંબન્ધી કોઇપણ મંત્રના જાપમાં તુલસીની માળાનું જ પ્રધાનપણું કહેલું છે. માટે આત્મનિવેદી એવા જે વૈષ્ણવો હોય, તેમણે તુલસીની માળાથી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. અને તુલસીની માળા જો ન મળે, તો ચંદનની માળા, અને જો ચંદનની પણ માળા ન મળે તો પછી કોઇપણ કાષ્ઠમાંથી બનાવેલી માળા ભગવાનના ચરણમાં સમર્પણ કરીને તેનાથી મંત્રનો જપ કરવો. અને ૧૦૮ મણકાવાળી માળા ઉત્તમ કહેલી છે. માટે માળાની અંદર ૧૦૮ મણકા હોવા જરી છે. આ રીતે મંત્રના જપનો વિધિ શાસ્ત્રમાં બતાવેલો છે.


હવે અહીં પ્રતિવાદી શંકા કરતાં કહે છે કે- આઠ અક્ષરવાળો શ્રીકૃષ્ણ મંત્ર તો પંચરાત્ર શાસ્ત્રને વિષે અને પુરાણોને વિષે પ્રતિપાદન કરેલો છે. વેદમાં તો એ મંત્રનું પ્રતિપાદન નથી. માટે જો મંત્ર વેદમાં પ્રસિદ્ધ ન હોય, તો એ મંત્ર અવૈદિક કહેવાય છે. અને ''वृथा जाप्यम् अवैदिकम्'' ।। इति ।। અવૈદિક મંત્રનો જપ કરવો એ વ્યર્થ છે, અર્થાત્ નિષ્ફળ છે. આવું સ્મૃતિવાક્ય હોવાથી શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રના જપનું નિષ્ફળપણું જણાય છે.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે- આ શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનું અવૈદિકપણું તથા જપનું નિષ્ફળપણું ક્યારેય સમજવું નહિ. કારણ કે- બીજા કોઇ પ્રાકૃત દેવ દેવીના મંત્રો હોય, તેમાં સ્વભાવ સિદ્ધ શક્તિ હોતી નથી. પણ જ્યારે વૈદિક સંસ્કારો કરવામાં આવે, ત્યારે એ મંત્રોમાં શક્તિ આવે છે. તેથી પ્રાકૃત દેવ દેવીના મંત્રોને વૈદિકપણાની અપેક્ષા છે, પણ સાક્ષાત્ પરમાત્માનો કોઇપણ મંત્ર હોય, તેને વેદના સંસ્કારોની અપેક્ષા નથી. એતો સ્વભાવસિદ્ધ જ બળવાન છે. બીજા પ્રાકૃત દેવદેવીના મંત્રો સ્વભાવસિદ્ધ નિર્બળ હોય છે. અને પ્રાકૃત દેવ દેવીના મંત્રોની અંદર વેદના સંસ્કારોથી જ સામર્થ્ય આવતું હોય છે. તેથી પ્રાકૃત દેવતાના મંત્રોને વેદના સંસ્કારોની અપેક્ષા છે. પણ સાક્ષાત્ પરમાત્માના મંત્રને વેદના કોઇપણ સંસ્કારની અપેક્ષા નથી. તેથી પરમાત્માનો મંત્ર વેદમાં હોય કે પછી પુરાણોમાં હોય, અથવા ગમે તે શાસ્ત્રમાં રહેલો હોય, એતો સ્વભાવસિદ્ધ જ બળવાન છે. માટે શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રના જપનું નિષ્ફળપણું ક્યારેય પણ સમજવું નહિ.


અને વળી સાક્ષાત્ પરમાત્મા સંબન્ધી કોઇપણ નામ મંત્ર હોય, એ વૈદિકમંત્ર કરતાં પણ અધિક ફળને આપનારો છે, એમાં કોઇ શંકાનું સ્થાન નથી. ''विष्णोरेकैकनामापि सर्ववेदाधिकं मतम्'' ।। इति ।। આ પદ્મપુરાણના વાક્યમાં પ્રતિપાદન કરેલું છે કે, વિષ્ણુનું એક એક નામ પણ સર્વે વેદો કરતાં અધિક મનાયેલું છે. માટે ભગવાનનો જે નામમંત્ર, એ વૈદિક મંત્ર કરતાં પણ અધિક ફળને આપનારો કહ્યો છે. અને વળી પદ્મપુરાણમાં યમરાજા અને બ્રાહ્મણના સંવાદમાં યમરાજાએ કહેલું છે કે- ભગવાનના નામ મંત્રનો જપ કરવામાં આસક્ત થયેલો પુષ, કદાચને કાંઇક પાપ કરી નાખે, તો પણ તેને પાપ પરાભવ પમાડી શકતું નથી. યમરાજા કહે છે કે- મારા ભયંકર દૂતો પણ તેને પરાભવ પમાડી શક્તા નથી, આવું ભગવાનના નામમંત્રનું માહાત્મ્ય કહેલું છે.


અને વળી વિષ્ણુધર્મોત્તરમાં કહેલું છે કે- ''कृष्णेति मङ्गलं नाम यस्य वाचि प्रवर्तते । भस्मीभवन्ति तस्याशु महापातककोटयः'' ।। इति ।। જેની વાણીમાં ''કૃષ્ણ'' સ્વામિનારાયણ, હરિ, આવાં મંગળ નામો પ્રવર્તે છે, એ પુષની મહાપાપોની કોટીઓ પણ તત્કાળ બળીને ભસ્મ થઇ જાય છે. અને વળી નૃસિંહપુરાણમાં નૃસિંહ ભગવાન કહે છે કે- જે પુષ ''કૃષ્ણ કૃષ્ણ'' આ રીતે નિત્ય મારા નામનો જપ કરે છે, તે પુષને તો હું નરકમાંથી તત્કાળ જ એ રીતે બહાર કાઢું છું કે, જે રીતે જળને ભેદીને કમળ તત્કાળ જ બહાર આવી જાય છે. અને વળી જે પુષ સંસારપી કાળા નાગથી ડંસાયેલો હોય, અને એજ કારણથી બે ભાન થઇને પડેલો હોય કે, જેને ભગવાનની ભક્તિ કે કાંઇપણ સુજતું ન હોય. આવા પુષને સંસારપી સર્પના ઝેરને નાશ કરવામાં ઔષધની સમાન એવા ભગવાનના નામ મંત્રને જપીને પુષ સંસારપી સર્પના ઝેરથી મુક્ત થઇ જાય છે. અને વળી ભગવાન કહે છે કે- જેમ કોઇ મરણ પામી ગયેલો હોય, અને તેને મૃત્યુસંજીવની ઔષધી પાવામાં આવે, તો એ જીવતો થઇ જાય છે. તેમ મારૂં નામ મૃત્યુસંજીવની ઔષધિની સમાન છે. અર્થાત્ મારૂં નામ મરી ગયેલાને પણ જીવાડનાર છે. આ રીતે ભગવાનના નામમંત્રનું માહાત્મ્ય પ્રતિપાદન કરેલું છે. આ ભગવાનના નામનું જે માહાત્મ્ય બતાવેલું છે તેમાં આતો કેવળ કહેવા માત્ર છે. આવું કાંઇ ભગવાનના નામનું માહાત્મ્ય હોતું હશે. ? આતો શાસ્ત્રમાં કેવળ ગપ્પાં લખેલાં છે. આ રીતે ભગવાનના નામમાં કેવળ અર્થવાદની કલ્પના કરે છે. તે પુષનો તો ક્યારેય પણ નરકમાંથી ઉદ્ધાર થતો નથી. માટે ભગવાનના નામમાં અર્થવાદની કલ્પના કરવી નહિ.


આ પ્રમાણે ભગવાનનો નામ મંત્ર વેદમાં હોય કે પુરાણમાં હોય, અથવા તો કોઇ પ્રાકૃત ગ્રંથમાં હોય, તો પણ સ્વભાવસિદ્ધ બળવાન છે. તેથી ભગવાનના કોઇપણ નામમંત્રને જેમ વૈદિકપણાની અપેક્ષા નથી, તેમ શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રને પણ વૈદિકપણાની અપેક્ષા નથી. શ્રીકૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર ભલે પંચરાત્ર શાસ્ત્રમાં હોય કે પછી પુરાણમાં હોય છતાંપણ વૈદિક મંત્ર કરતાં પણ અધિક ફળને આપનારો છે. માટે મારા આશ્રિત આત્મનિવેદી ભક્તજનો હોય, તેમણે ષોડશોપચારોથી ભગવાનની પ્રતિમાનું પૂજન કરી લીધા પછી અષ્ટાક્ષર મંત્રનો યથાશક્તિ જપ કરવો, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૫૬।।