हरेर्विधाय नैवेद्यं भोज्यं प्रासादिकं ततः । कृष्णसेवापरैः प्रीत्या भवितव्यं च तैः सदा ।।५८।।
ત્યારપછી આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે, ભગવાનને નૈવેદ્ય કરીને ભગવાનની પ્રસાદીનું અન્ન જમવું. અને હમેશાં પ્રીતિ વડે આત્મનિવેદી ભક્તોએ ભગવાનની સેવા પરાયણ થવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- સ્તોત્રાદિકનો પાઠ કર્યા પછી આત્મનિવેદી ભક્તો હોય, તેમણે સ્વયં થાળ બનાવી, અથવા જેનું અન્ન પોતાને ગ્રહણ કરવા યોગ્ય હોય, એવા બ્રાહ્મણાદિક દ્વારા થાળ બનાવડાવીને ભગવાનને નિવેદન કરવો. અને ત્યાર પછી આરતી આદિક મહાનૈવેદ્યનો વિધિ સમાપ્ત કરીને ભગવાનની દૃષ્ટિપ અનુગ્રહ જેને વિષે રહેલો છે, એવું પ્રસાદીનું અન્ન જમવું.
ભગવાનને નૈવેદ્ય કર્યા વિનાનું અન્ન જમવામાં ગૌતમ મુનિએ પદ્મપુરાણમાં મહાન દોષ કહેલો છે- ''अम्बरीष गृहे पक्वं सदा।भीष्टं यदात्मनः । अनिवेद्य हरेर्भुञ्जन् सप्तजन्मानि नारकी'' ।। इति ।। આ શ્લોકનો એવો ભાવ છે કે- પોતાના ઘરની અંદર તૈયાર કરાયેલું, અને પોતાને પ્રિય એવું જે અન્ન ભગવાનને નિવેદન કરીને જ હમેશાં જમવું જોઇએ. જે પુષો ભગવાનને અર્પણ કર્યા વિના જમી લે છે, તે પુષો સાત જન્મ પર્યંત નારકી થાય છે.
અને ભગવાનને નિવેદન કરીને ભગવાનની પ્રસાદીનું અન્ન જે જમે છે, તેને તો મહાન પૂણ્ય થાય છે. એ પણ ત્યાં જ પદ્મપુરાણમાં પ્રતિપાદન કર્યું છે- ''नैवेद्यशेषं यो।श्नाति च नित्यं प्राप्नोति यज्ञायुक्तकोटिपुण्यम्'' ।। इति ।। આ પદ્યનો એ ભાવ છે કે, ભગવાનને નિવેદન કરીને ભગવાનની પ્રસાદીના અન્નને જે પુષ કોળીયે કોળીયે ભગવાનનું નામ લઇને જમે છે, તે પુષ દશહજાર કરોડ યજ્ઞાના પુણ્યને પામે છે. માટે આત્મનિવેદી ભક્તો હોય તેમણે હમેશાં ભગવાનને નૈવેદ્ય ધરીને પ્રસાદીનું અન્ન જમવું.
અને વળી આત્મનિવેદી ભક્તોએ હમેશાં અર્થાત્ રાત્રી દિવસ મોટા હર્ષથી ક્લેશ અને દંભનો ત્યાગ કરીને અનન્ય ભાવથી ભગવાનની સેવા પરાયણ થવું. ભાવથી રહિત એવી સેવાને ભગવાન અઙ્ગીકાર કરતા નથી, માટે પ્રેમથી અને અનન્યભાવથી ભગવાનની સેવામાં તત્પર થવું. ભાવથી થોડું પણ ભગવાનને અર્પણ કર્યું હોય તોપણ ભગવાનને અતિ પ્રિય લાગે છે- ''श्रद्धयोपहृतं प्रेष्ठं भक्तेन मम वार्यपि । गन्धो धूपः सुमनसो दीपो।न्नाद्यञ्च किं पुनः'' ।। इति ।। આ શ્લોકનો એ ભાવ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે- હે ઉદ્ધવ ! ભક્તોએ ભાવથી કેવળ મને જળ અર્પણ કરેલું હોય તોપણ મને એ અતિશે પ્રિય લાગે છે. તો પછી જે ભક્તો ભાવથી મને અન્નાદિક અર્પણ કરે, અને એ પ્રિય લાગે, એમાં તો કહેવું જ શું ?
અને વળી ભાવ વિના તો ઘણું બધું ભગવાનને અર્પણ કરી દીધેલું હોય, છતાં પણ ભગવાન રાજી થતા નથી. આ વિષયમાં ભાગવતનું વાક્ય પ્રમાણપ છે. ''भूर्यप्यभक्तोपहृतं न मे तोषाय कल्पते'' ।। इति ।। ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે- હે ઉદ્ધવ ! ભાવ વિના કેવળ પોતાની કીર્તિને માટે સારાં સારાં પક્વાન્નો મને અર્પણ કરેલાં હોય, અનેક પ્રકારના સુવર્ણના દાગીના (ઘરેણાં) મને અર્પણ કરેલા હોય, છતાં હું તેવો પ્રસન્ન થતો નથી, કે જેવો ભાવથી પ્રસન્ન થાઉં છું. આ રીતે ભગવાન કેવળ ભાવના જ ભૂખ્યા છે. કોઇ પદાર્થના ભગવાન ભૂખ્યા નથી. માટે આત્મનિવેદી ભક્તોએ ભાવથી ભગવાનની સેવા પરાયણ થવું.
અને વળી ''હમેશાં'' આમ કહ્યું, તેથી આત્મનિવેદી ભક્તોએ ભગવાનના નામસ્મરણનો તો એક ક્ષણવાર પણ ત્યાગ કરવો નહિ. ભાગવતમાં કહેલું છે કે- ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય, છતાં એક ક્ષણ વાર પણ જે ભગવાનના નામ સ્મરણનો ત્યાગ કરે નહિ, તેને ઉત્તમ આત્મનિવેદી ભક્ત કહેલો છે.
અને ભગવાનના નામ સ્મરણ વિનાનો જેનો એક ક્ષણ પણ ચાલ્યો જાય છે. તેની આયુષ્યને ઉદય અને અસ્તપણાને પામતો સૂર્ય હરી લે છે. અર્થાત્ દરરોજસૂર્ય ઉદય પામીને અસ્ત પામે છે. અને મનુષ્યની આયુષ્યનો એક દિવસ ઘટાડી નાખે છે. તેમાં ભગવાનના નામ સ્મરણ વિનાનો જેટલો સમય જાય છે, તે સમયને સૂર્યે હરી લીધેલો કહેવાય છે.
અને નારદીયપુરાણમાં કહેલું છે કે- ''एकस्मिन्नप्यतिक्रान्ते मुहूर्ते हरिवर्जिते । दस्युभिर्मुषितेनेव युक्तमाक्रन्दितुं भृशम्'' ।। इति ।। કોઇક પુષનું ધન ચોરોએ લુંટી લીધેલું હોય, એ જેમ અતિ આક્રન્દ કરવાને માટે યોગ્ય થાય છે, તેમ ભગવાનના નામ સ્મરણ વિનાનો એક મુહૂર્ત જેટલો સમય પણ સૂર્યદેવે જો લુંટી લીધેલો હોય, તો તે પુષને તો અતિ આક્રન્દ કરવું જોઇએ, અતિ દન કરવું જોઇએ. આ પ્રમાણે નારદીયપુરાણમાં કહેલું છે.
અને વળી ભગવાનનું નામ સ્મરણ કરવામાં કોઇ દેશનો નિયમ નથી કે આ દેશમાં ભગવાનનું નામ સ્મરણ થઇ શકે. અને આ દેશમાં ન થઇ શકે. અને પ્રાતઃકાળમાં ભગવાનના નામનું સ્મરણ થઇ શકે, અને સાયંકાળે કે મધ્યાહ્ન કાળે ન થઇ શકે. એવો કોઇ કાળનો પણ નિયમ નથી. અને ભગવાનના નામ સ્મરણમાં કોઇ અપવિત્રતાનો પણ દોષ નથી. અપવિત્ર ક્રિયા કરતા હોઇએ, તે સમયને વિષે પણ ભગવાનનું નામ સ્મરણ થઇ શકે છે. અને ભગવાનના નામ સ્મરણમાં ઉચ્છિષ્ટાદિકનો પણ નિષેધ નથી. અર્થાત્ એંઠે મોઢે પણ ભગવાનનું નામ લઇ શકાય છે. આ રીતે સર્વે દેશને વિષે, સર્વે કાળને વિષે, અને સર્વ અવસ્થાને વિષે પણ ભગવાનનું નામ સ્મરણ થઇ શકે છે. માટે આત્મનિવેદી ભક્તજનોએ અખંડ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઇએ. નામ સ્મરણ વિનાનો એક ક્ષણ પણ જવા દેવો જોઇએ નહિ, આવો અભિપ્રાય છે. ।।૫૮।।