શ્લોક ૫૯

प्रोेक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरेर्यतः । सम्बन्धात्तत्क्रियाः सर्वा भवन्त्येव हि निर्गुणाः ।।५९।।


જે કારણથી નિર્ગુણ એવા ભગવાનના સંબન્ધે કરીને આત્મનિવેદી ભક્તોની સર્વે ક્રિયાઓ નિર્ગુણ થાય છે. એ જ કારણથી આત્મનિવેદી ભક્તોને પણ નિર્ગુણ કહ્યા છે.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આત્મનિવેદી ભક્તોનું જોવું, સાંભળવું, બોલવું ઇત્યાદિક એક એક ઇન્દ્રિયોની ક્રિયાઓ, માયિક ગુણોથી રહિત, દિવ્ય મૂર્તિ, એવા ભગવાનની સાથે જોડાયેલી હોય છે. અર્થાત્ સર્વે ક્રિયાઓ ભગવાનની પ્રસન્નતાને માટે જ હોય છે. તેથી એ ક્રિયાઓ ભલે બીજાની સમાન જ ગુણમય જણાતી હોય, છતાં ભગવાનના સંબંધને કારણે ગુણાતીત જ થઇ જાય છે. આ વિષયમાં વિષ્ણુધર્મોત્તરનું વાક્ય પ્રમાણપ છે- ''यथा गङ्गाम्बुनो योगात् रथ्यावार्यपि गाङ्गताम् । याति निर्गुणतामेवं क्रिया गुणमयी हरेः'' ।। इति ।। આ વાક્યનો એ ભાવ છે કે- જેવી રીતે બજારનું કે ગટરનું જળ જો ગંગામાં જઇને ભળે તો ગંગાના યોગે કરીને ગટરનું પાણી પણ ગંગાપણાને પામી જાય છે. તેવી જ રીતે આત્મનિવેદી ભક્તોની ગુણમય એવી ક્રિયાઓ કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે જ હોવાથી, ભગવાનના સંબન્ધને લઇને નિર્ગુણપણાને પામી જાય છે.

અને આત્મનિવેદી ભક્તોની સર્વે ક્રિયાઓ ભગવાનની પ્રસન્નતાને માટે જ હોય છે. તેથી તે સર્વે ક્રિયાઓને નિષ્કામ ક્રિયાઓ કહેવામાં આવે છે. નિષ્કામ ક્રિયાઓને શાસ્ત્રોમાં સર્વ શ્રેષ્ઠ ક્રિયાઓ કહેલી છે, કે જે નિષ્કામ કર્મોનો ક્યારેય પણ નાશ થતો નથી. અર્થાત્ ભગવાનની પ્રસન્નતાને માટે કરેલાં કર્મનું ફળ કદીપણ નિષ્ફળ જતું નથી. રઝડતાં રઝડતાં અંતે ભગવાનને પ્રાપ્ત કરાવીને જ નિષ્કામ કર્મ શાન્ત થાય છે. આ રીતે ભગવાનના સંબન્ધથી ભક્તોની સર્વે ક્રિયાઓ જેમ નિર્ગુણ કહેલી છે. તેમ આત્મનિવેદી ભક્તો પણ નિર્ગુણ કહ્યા છે. કારણ કે- આત્મનિવેદી ભક્તોએ પોતાનું તન, મન, ધન અને આત્મા પણ ભગવાનને જ અર્પણ કરી દીધો હોય છે. ભાગવતના એકાદશસ્કંધમાં આત્મનિવેદી ભક્તોના જ્ઞાનાદિકનું પણ નિર્ગુણપણું કહેલું છે. - कैवल्यं सात्विकं ज्ञानं रजो वैकल्पिकं तु यत् । प्राकृतं तामसं ज्ञानं मन्निष्ठं निर्गुणं स्मृतम् ।। આ ભાગવતના શ્લોકનું તાત્પર્ય એ છે કે શુદ્ધ જીવાત્મા સંબંધી જે જ્ઞાન તેને સાત્વિક જ્ઞાન કહેલું છે. દેવ મનુષ્યાદિકના માયિક લોકભોગાદિક સંબંધી જે જ્ઞાન તેને રાજસ જ્ઞાન કહેલું છે. મૂઢપણાથી યુક્ત એવા બાલક કે મુંગાદિકના જ્ઞાનની સમાન જે જ્ઞાન તેને તામસ જ્ઞાન કહેલું છે. અને શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે મનુષ્યાકૃતિ એવો જે હું તે મારે વિષે ''આ જ સાક્ષાત્ પરબ્રહ્મ ભગવાન છે'' આવી જે નિષ્ઠા તેને નિર્ગુણ જ્ઞાન કહેલું છે. એજ રીતે નિવાસ પણ ચાર પ્રકારનો છે - વનમાં રહેવું એ સાત્વિક નિવાસ કહેલો છે, ગામમાં રહેવું એ રાજસિક નિવાસ કહેલો છે, જુગારનું સ્થળ હોય અથવા કસાઇખાનું હોય ત્યાં રહેવું એ તામસિક નિવાસ કહેલો છે, અને શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે મારા મંદિરમાં રહેવું એ નિર્ગુણ નિવાસ કહેલો છે. એજ રીતે કર્મને કરનારો પણ ચાર પ્રકારનો કહેલો છે. - ફળમાં આસક્તિથી રહિત થઇને વર્ણાશ્રમ સંબંધી કર્મને કરનારો સાત્વિક કર્તા કહેલો છે. કર્મફળમાં આસક્ત થઇને કર્મ કરનારો રાજસ કર્તા કહેલો છે. અને માયિક વિષયો અનર્થને આપનારા છે, દુઃખપ છે એ પોતે જાણતો હોવા છતાં તેના સ્મરણથી ભ્રષ્ટ થઇને (ભાન ભૂલીને) કર્મ કરનારો તામસ કર્તા કહેલો છે. અને શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, મારી એકાંતિક ભક્તિને કરનારો નિર્ગુણ કર્તા કહેલો છે. એજ રીતે શ્રધ્ધા પણ ચાર પ્રકારની કહેલી છે - કેવળ આત્મજ્ઞાનને વિષે શ્રધ્ધા સાત્વિક શ્રધ્ધા કહેલી છે, કેવળ વર્ણાશ્રમ સંબંધી કર્મ કરવામાં શ્રધ્ધા રાજસિક શ્રધ્ધા કહેલી છે, અધર્મમાં શ્રધ્ધા તામસિક શ્રધ્ધા કહેલી છે, શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે મારી સેવામાં શ્રધ્ધા નિર્ગુણ શ્રધ્ધા કહેલી છે. એજ રીતે આહાર પણ ચાર પ્રકારનો કહેલો છે - હિતકારી, પવિત્ર અને અતિ પરિશ્રમ વિના સહજે પ્રાપ્ત થયેલો આહાર તેને સાત્વિક આહાર કહેલો છે. ઇન્દ્રિયોને સુખ આપવા માટે અતિ પરિશ્રમથી પ્રાપ્ત કરેલો આહાર તેને રાજસિક આહાર કહેલો છે, અને શરીરને પીડા આપનારો તથા અપવિત્ર એવો જે આહાર તેને તામસ આહાર કહેલો છે, શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, મને અર્પણ કરેલો આહાર (પ્રસાદીનું અન્ન) તેને નિર્ગુણ આહાર કહેલો છે. એજ રીતે સુખ પણ ચાર પ્રકારનું કહેલું છે - આત્મવિચારથી ઉત્પન્ન થયેલું જે સુખ તેને સાત્વિક સુખ કહેલું છે, પંચ વિષયોથી ઉત્પન્ન થયેલું જે સુખ તેને રાજસિક સુખ કહેલું છે અને મોહ તથા દીનપણાથી ઉત્પન્ન થયેલું જે સુખ તેને તામસિક સુખ કહેલું છે અને શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે મારા ચરિત્રોનાં શ્રવણ કીર્તનાદિકે કરીને તથા મારા સ્વપના ધ્યાન દર્શનાદિકે કરીને ઉત્પન્ન થયેલું જે સુખ તેને નિર્ગુણ સુખ કહેલું છે. અને વળી પંચરાત્ર શાસ્ત્રને વિષે તો આત્મનિવેદી ભક્તો હોય તેને એકાન્તિક ભક્તો કહેલા છે. પતિવ્રતા સ્ત્રીની પેઠે ભગવાનને વિષે સ્વધર્મ, જ્ઞાન, અને વૈરાગ્યથી યુક્ત અનન્યભક્તિ કરે છે, તેને એકાન્તિક ભક્ત કહેવામાં આવે છે. આવા એકાન્તિક ભક્તની જે અનન્ય ભક્તિ છે, એ તો મહા આપત્કાળમાં મોટા વિઘ્નો વડે, પરાભવને પામતી નથી. જેવી રીતે વરસાદની ધારાઓ વડે મોટા મોટા પર્વતો પરાભવને પામતા નથી. તેવી રીતે આવા અચળ જે એકાંતિક ભક્તો દેહ છતે નિર્ગુણ અને મુક્ત કહ્યા છે. આવા એકાંતિક ભક્તના સંબન્ધે કરીને અનંત જીવોનો પણ મોક્ષ થાય છે. આવો અભિપ્રાય છે. ।।૫૯।।