શ્લોક ૬૦

भक्तैरेतैस्तु कृष्णायानर्पितं वार्यपि क्वचित् । न पेयं नैव भक्ष्यं च पत्रकन्दफलाद्यपि ।।६०।।


આત્મનિવેદી ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય પીવું નહિ. તેવી જ રીતે ભગવાનને અર્પણ કર્યા વિનાનું પત્ર, કન્દ, ફળાદિકનું પણ ભક્ષણ કરવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ભગવાનને અર્પણ કર્યા વિના જો જળ પણ પીવાય નહિ, તો પછી દૂધાદિક તો ક્યાંથી પીવાય ? ન જ પીવાય. એજ રીતે ભગવાનને અર્પણ કર્યા વિના પત્ર, કન્દ, ફળાદિકનું પણ જો ભક્ષણ થાય નહિ, તો પછી અન્નાદિકનું તો ભક્ષણ ક્યાંથી થાય ? ન જ થાય. માટે પોતાને પ્રિય એવી કોઇપણ વસ્તુ, પ્રથમ ભગવાનને અર્પણ કરીને પછી જ પોતાના ઉપયોગમાં લેવી.


શ્રીજીમહારાજને કહેવાનો એ જ અભિપ્રાય છે કે- નવું વસ્ત્ર હોય, નવું વાહન હોય, નવા અલંકારો હોય, નવું પાત્ર હોય, ઇત્યાદિક કોઇપણ નવી વસ્તુ પ્રાપ્ત થયેલી હોય, એ પ્રથમ ભગવાનને સમર્પણ કરવી, અને ત્યારપછી જ પોતાના ઉપયોગમાં લેવી. તમામ વસ્તુઓના સ્વામી, શેષી ભગવાન છે. અર્થાત્ સર્વે વસ્તુઓના માલિક ભગવાન છે. તેથી કોઇપણ વસ્તુ ભગવાનને બતાવ્યા વિના જો પોતે ભોગવે છે, સ્વીકારે છે, તો તેને શાસ્ત્રમાં ચોર કહેલો છે. જેમ આ લોકમાં કોઇ માલિકીની વસ્તુ હોય, એ વસ્તુ તેના માલિકને બતાવ્યા વિના, માલિકની પરવાનગી વિના જો આપણે ભોગવીએ, તો આપણે ચોર કહેવાઇએ છીએ. એ જ રીતે ભગવાનને અર્પણ કર્યા વિનાની કોઇપણ વસ્તુનો જો સ્વીકાર કરવામાં આવે, તો તેને શાસ્ત્ર દૃષ્ટિએ ચોર કહેવામાં આવે છે. એટલું જ નહિ, આ શરીર પણ પોતાનું નથી, છતાં જો આ શરીરને પોતાનું માનીને ભોગવે, તો એ પણ શાસ્ત્ર દૃષ્ટિએ ચોર કહેવાય છે. જે વસ્તુ પોતાની ન હોય, છતાં તેને પોતાની માની લેવી, તેને ચોર કહેવાય છે, માટે તમામ વસ્તુ ભગવાનની છે, અર્થાત્ તમામ વસ્તુના માલિક ઇશ્વર છે. તેથી માલિકની પરવાનગી મેળવવા માટે પ્રથમ કોઇપણ નવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી. ભગવાનને અર્પણ કરાયેલી વસ્તુ પ્રસાદીની કહેવામાં આવે છે. માટે આત્મનિવેદી ભક્તોએ પોતાનું તન, મન અને ધન ભગવાનને અર્પણ કરી દેવું. ભગવાનને અર્પણ કર્યા વિનાની કોઇ પણ વસ્તુ પોતાને માટે સ્વીકારવી નહિ, આવો અભિપ્રાય છે. ।।૬૦।।