શ્લોક ૬૪

कार्यास्तस्य कथावार्ताः श्रव्याश्च परमादराम् । वादित्रसहितं कार्यं कृष्णकीर्तनमुत्सवे ।।६४।।


સર્વે મારા આશ્રિતો હોય તેમણે, પ્રતિદિન નામકીર્તન કર્યા પછી ભગવાનની કથા અને વાર્તા પરમ આદર થકી કરવી અને સાંભળવી. તેવી જ રીતે ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત ભગવાનનાં કીર્તનો કરવાં.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પ્રતિદિન સાયંકાળે ભગવાનનાં નામકીર્તન અને ત્યાર પછી ભગવાનની કથાવાર્તાએ કરીને નિત્ય કર્મની સમાપ્તિ થાય છે. પ્રાતઃકાળમાં સૂર્યોદય થયાથી પહેલાં જાગવું ત્યાંથી આરંભીને નિત્ય કર્મની શઆત થાય છે. અને સાયંકાળે ભગવાનની કથાવાર્તા કરી અને સાંભળીને નિત્ય કર્મની સમાપ્તિ થાય છે.


જેમ અન્ન તથા જળ શરીરનું પોષણ છે. તેમ કથા અને વાર્તા એ આત્માનું પોષણ છે. જો અન્ન અને જળ વ્યવસ્થિત રીતે લેવાતાં હોય, અને શરીરમાં બરાબર પચીને રગેરગમાં પહોંચતાં હોય, તો શરીર શક્તિમાન અને પુષ્ટ બને છે. એજ રીતે ભગવાનની કથા અને વાર્તા નિયમિત રીતે દરરોજ કરવામાં આવે અને સાંભળવામાં આવે, તો એ રગેરગમાં ઉતરીને આત્માને શક્તિમાન અને પુષ્ટ બનાવે છે. અને આત્મા શક્તિમાન અને પુષ્ટ બનવાથી કામ-ક્રોધાદિક અંતઃશત્રુઓનો દાબ્યો દબાતો નથી, અને નિર્વિઘ્નપણે ભક્તિયોગને સિદ્ધ કરી મોક્ષગતિને પામે છે.


કળીયુગમાં જેમ ભગવાનનાં નામકીર્તનને એક ઉત્કૃષ્ટ મોક્ષના સાધન તરીકે વર્ણવેલું છે, એ જ રીતે કથાવાર્તાના શ્રવણ અને કીર્તનને પણ કળીયુગમાં ઉત્કૃષ્ટ મોક્ષના સાધન તરીકે શાસ્ત્રોમાં વર્ણવેલ છે. ભાગવતના ચતુર્થ સ્કંધમાં ભગવાને પ્રચેતાઓ પ્રત્યે કહેલું છે કે- ''गृहेश्वाविशतां चापि पुंसां कुशलकर्मणाम् । मद्वार्तायातयामानां न बन्धाय गृहा मताः'' ।। इति ।। હે પ્રચેતાઓ ! મનુષ્યો સંસારમાં રહ્યા હોય, અને ગૃહસ્થને યોગ્ય સર્વે કર્મો કરતા હોય, છતાં જો એમનો સમય ભગવાનની કથાવાર્તાએ કરીને વ્યતીત થતો હોય, તો એ ગૃહસ્થને સંસાર બંધનને માટે મનાયેલો નથી. અર્થાત્ એ ગૃહસ્થને સંસાર લેપી શક્તો નથી. અને નિર્વિઘ્નપણે ભક્તિયોગને પ્રાપ્ત કરીને મોક્ષગતિને પામે છે. આ રીતે ભાગવતમાં કથાવાર્તાને શ્રેષ્ઠ મોક્ષના સાધન તરીકે વર્ણવેલ છે. માટે ભક્તજનો હોય તેમણે પ્રતિદિન ભગવાનના મંદિરમાં જઇને આત્માના પોષણપ કથા વાર્તા પરમ આદર થકી કરવી અને સાંભળવી. અને જ્યારે ઉત્સવના દિવસો આવે ત્યારે વાજિંત્રોની સાથે ધામધૂમથી ભગવાનનાં નામ કીર્તન કરવાં, અર્થાત્ પ્રતિદિન કરતા હોઇએ, તેના કરતાં ઉત્સવમાં કાંઇ વિશેષ કરવું, આવો અભિપ્રાય છે. ।।૬૪।।