શ્લોક ૬૮

यादृग्गुणो यः पुरुषस्तादृशा वचनेन सः । देशकालानुसारेण भाषणीयो न चान्यथा ।।६८।।


અને મારા આશ્રિતો હોય તેમણે, જે પુષ જેવા ગુણવાળો હોય, તે પુષને તેવા વચને કરીને દેશ કાળને અનુસારે યથાયોગ્ય બોલાવવો, પણ એથી બીજી રીતે ન બોલાવવો.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જે પુષ જ્ઞાતિ, કુળ, વિદ્યા, તપ, યોગ, ઐશ્વર્ય, પ્રતાપ એ આદિક જેવા પ્રકારના ગુણોથી યુક્ત હોય, તે પુષને તે તે ગુણોથી યુક્ત, અને તે તે દેશકાળને અનુસારે ઉચ્ચારેલું જે વચન, તે વડે જ બોલાવવો. અર્થાત્ તેના તે ગુણોને સામે રાખીને જ બોલાવવો, પણ તેથી વિપરીતપણે ક્યારેય પણ બોલાવવો નહિ.


હવે શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી દેશને અનુસારે પુષને કઇ રીતે બોલાવવો એનો વિવેક સમજાવતાં કહે છે કે પોતાનો જ પુત્ર હોય, ગુણોથી સંપન્ન હોય, વિદ્વાન હોય, અને એ પુત્રને તુંકારે બોલાવીને જ મોટો કર્યો હોય, સમય જતાં એ પુત્ર પોતાના ગુણને અનુસારે કોઇ સત્તા ઉપર વિરાજમાન થયો હોય, આવા પુત્રને પિતા ભલે ઘરમાં તુંકારે બોલાવતા હોય, પણ એજ પુત્ર જ્યારે પોતાની સત્તા ઉપર હોય, અથવા જાહેર સભામાં બેઠો હોય, ત્યારે તો પિતાએ પુત્રને બહુમાનપૂર્વક અને બહુ વચનથી બોલાવવો. આ રીતે દેશનો વિવેક ચુકવો નહિ. પોતાનું ઘર એ પૃથક્ દેશ છે, અને સભા એ પણ પૃથક્ દેશ છે.


હવે કાળને અનુસારે પુષને કઇ રીતે બોલાવવો જોઇએ, એ વિવેક સમજાવતાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- કાળ એટલે સમય અથવા અવસ્થા, પોતાનો જ શિષ્ય હોય, છતાં અવસ્થાએ કરીને જો વૃદ્ધ હોય તો તેને ગુએ માનપૂર્વક બહુવચનથી બોલાવવો, પણ તુંકારે બોલાવવો નહિ. અથવા પોતાનો જ પુત્ર હોય, તો પિતાએ પુત્રને તુંકારે (એકવચને) ક્યારેય પણ બોલાવવો નહિ. પોતાના પાંચ વર્ષના બાળકને પિતા જે રીતે બોલાવતા હોય, એ રીતે પચાસ વર્ષના પોતાના પુત્રને બોલાવાય નહિ. આ કાળનો વિવેક છે. અર્થાત્ અવસ્થાનો વિવેક છે. માટે ભક્તજનો હોય તેમણે કોઇ પણ પુષને દેશ અને કાળનું અનુસંધાન રાખીને તેના ગુણોને અનુસારે જ બોલાવવો.


હવે અહીં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સ્પષ્ટતા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજે અહીં ગુણ શબ્દ જ ગ્રહણ કરેલો છે. તેથી કોઇ પુષ દોષથી યુક્ત હોય, તેને તેના દોષને અનુસારે બોલાવવો નહિ. અર્થાત્ કોઇ નેત્રોથી રહિત હોય તો '' હે અંધ ! '' આ રીતે બોલાવવો નહિ. અને કોઇ ધનથી રહિત હોય તો '' હે નિર્ધન ! '' આ રીતે દોષને આગળ ધરીને ક્યારેય પણ બોલાવવો નહિ. આ રીતનો અહીં વિવેક સમજવો, આવો અભિપ્રાય છે. ।।૬૮।।