શ્લોક ૬૯

गुरुभूपालवर्षिष्ठत्यागिविद्वत्तपस्विनाम् । अभ्युत्थानादिना कार्यः सन्मानो विनयान्वितैः ।।६९।।


વિનયથી યુક્ત મારા આશ્રિતો હોય તેમણે, ગુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી સાધુ, વિદ્વાન અને તપસ્વી આ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું, આસન આપવું તથા મધુર વચને બોલાવવા ઇત્યાદિકે કરીને એમનું સન્માન કરવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- કોઇ સજ્જન પુષો અથવા કોઇ મહાન પુષો આપણે ઘેર આવે તો ઉભા થઇને તત્કાળ તેમની સન્મુખ જવું, અને આદર થકી તેમનું સન્માન કરવું, અને આપણે જો ઉભા થઇને તેમનું સન્માન ન કરીએ તો ક્યારેક મહાન અનર્થની પ્રાપ્તિ થાય છે. ભાગવતના છઠ્ઠા સ્કન્ધમાં એવી કથા છે કે- એક વખત ઇન્દ્ર ઐશ્વર્યના મદથી આંધળો બની ગયો હતો, ભરી સભામાં પત્ની શચીની સાથે ઉંચા સિંહાસન પર બેઠો હતો. આગળ અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. એજ સમયે ત્યાં દેવતાઓના ગુ બૃહસ્પતિ પધાર્યા.


ઇન્દ્રે જોયું કે બૃહસ્પતિ સભામાં આવે છે, છતાં ઇન્દ્ર ઉભો થયો નહિ, અને આસન આપીને સત્કાર પણ કર્યો નહિ. પોતાના સિંહાસનથી ડગ્યો પણ નહિ. તે સમયે બૃહસ્પતિ સમજી ગયા કે આ ઐશ્વર્યના મદનો દોષ છે. બસ ત્યાંથી ચુપચાપ બૃહસ્પતિ નીકળીને પોતાને ઘેર ચાલ્યા ગયા, અને પોતાના યોગ બળથી ત્યાં અંતર્ધાન થઇ ગયા. પછી ઇન્દ્રને ભાન થયું, દોડીને બૃહસ્પતિને ત્યાં ગયો, પણ ત્યાં બૃહસ્પતિ હતા નહિ.


આ બાજુ અસુરોને ખબર પડી કે ઇન્દ્રની સાથે ગુ બૃહસ્પતિનો અણબનાવ થયેલો છે. આ તકનો લાભ લઇને શુક્રાચાર્યના આદેશથી અસુરોએ સ્વર્ગ ઉપર ચડાઇ કરી અને ઇન્દ્રના સ્વર્ગને અસુરોએ છિનવી લીધું. આ રીતે બૃહસ્પતિના સામે ઉભા ન થવાથી ઇન્દ્ર પોતાના રાજ્ય થકી ભ્રષ્ટ થયો હતો. અને મોટા અનર્થને પામેલો હતો.


અને વળી ભાગવતના આઠમા સ્કન્ધમાં બીજી પણ એક કથા છે કે- દ્રવિડ દેશના એક ઇન્દ્રદ્યુમ્ન રાજા હતા. એક સમયે ઇન્દ્રદ્યુમ્ન રાજા પોતાના રાજ્યનો ત્યાગ કરીને મલયાચલ પર્વત ઉપર જઇને ભગવાનની આરાધના કરતા હતા. તે સમયે દૈવ ઇચ્છાથી અગસ્ત્યમુનિ ત્યાં પધાર્યા. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ જોયું કે અગસ્ત્ય ઋષિ પધાર્યા છે, છતાં ઉભા થયા નહિ. અને અગસ્ત્ય ઋષિનો સત્કાર કર્યો નહિ. તે સમયે અગસ્ત્ય ઋષિ ક્રોધાયમાન થઇને કહ્યું કે હું અહીં આવ્યો, હું ઋષિ છું, તું જરા ઉભો પણ થતો નથી, હાથીની જેમ મદમસ્ત થઇને બેઠો છે. જા હાથી બની જા. આ રીતે અગસ્ત્ય ઋષિના શાપથી ઇન્દ્રદ્યુમ્ન રાજા ઘોર અજ્ઞાનમય હાથીની યોનિને પામી ગયા. આ પ્રમાણે અગસ્ત્ય ઋષિનો અનાદર કરવાથી ઇન્દ્રદ્યુમ્ન રાજા મહાન અનર્થને પામેલા હતા. માટે શ્રીહરિનો અભિપ્રાય એવો છે કે, કોઇપણ મહાપુષ પોતાને ઘેર આવે તો ઉભા થઇને આસન આપવું, પાણી પાવું મધુર વચને બોલાવવા, ઇત્યાદિકે કરીને સત્કાર કરવો, પણ અનાદર તો ક્યારેય કરવો નહિ. ।।૬૯।।