શ્લોક ૬૭

अन्नवस्त्रादिभिः सर्वे स्वकीयाः परिचारकाः । सम्भावनीयाः सततं यथायोग्यं यथाधनम् ।।६।। 


અને અમારા આશ્રિતો હોય તેમણે, પોતાના જે સેવકો હોય, કે પોષ્યવર્ગ હોય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નવસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના કરવી. અર્થાત્ સંભાળ રાખવી.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- કોઇપણ પ્રાણી પોતાને આશરે રહેલું હોય, તેની અન્નવસ્ત્રાદિકે કરીને કે ઔષધાદિકે કરીને હમેશાં સંભાળ રાખવી. તેમને સંતુષ્ટ કરવા, પણ કલેશ ક્યારેય પણ આપવો નહિ. સ્કન્દપુરાણમાં કાશીખંડને વિષે નવ પોષ્યવર્ગ બતાવેલા છે- ''माता पिता गुरू पत्नि चापत्यानि समाश्रिताः । अभ्यागतः प्रपन्नो।ग्निः पोष्यवर्गा अमी नव'' ।। इति ।। માતા, પિતા, ગુરુ, પત્ની, નાના બાળકો, અતિથિ, શરણે આવેલો કોઇપણ પુષ, પોતાને આશરે રહેલો કોઇપણ મજુર, અને અગ્નિ આ નવ પોષ્યવર્ગ કહેલા છે. તો આ સર્વેની અન્ન વસ્ત્રાદિકે કરીને સંભાળ રાખવી. ઘરમાં કોઇ પોપટ પાળેલો હોય, કે કૂતરો પાળેલો હોય તથા આંગણામાં પશુઓ બાંધેલાં હોય, આ બધાની અન્ન અને જળ વડે સંભાળ રાખવી. પણ તેમને ક્લેશ થાય એવું વર્તન રાખવું નહિ.
    આ લોકમાં જે પુષ બીજાનું રક્ષણ કરીને જીવે છે. અર્થાત્ અન્નવસ્ત્રાદિકે કરીને બીજાને સંતુષ્ટ રાખીને પોતે જીવે છે, એજ સાર્થક જીવે છે. અને જે પુષ પોષ્ય વર્ગનું પોષણ કર્યા સિવાય કેવળ પોતાનું જ પેટ ભરનાર છે, તેને શાસ્ત્રમાં જીવતો થકો મરેલો કહેલો છે. અને વળી સારાં સારાં ભોજન, કે સારાં સારાં વસ્ત્રોને પોતે એકલો જ ભોગવે છે. પોષ્યવર્ગનો ભાગ પાડતો નથી, આવા સ્વાર્થી મનુષ્યને તો શાસ્ત્રમાં નિર્દયમાં અતિ નિર્દય કહેલો છે. અને પોતાની પાસે આપવા યોગ્ય વસ્તુ હોવા છતાં પણ પોતાને આશરે રહેનારી કોઇપણ વ્યક્તિ હોય, કે પોતાનો સેવક હોય અથવા કોઇપણ પોષ્યવર્ગ હોય, તેમને જે પુષ સંતુષ્ટ કરી શકતો નથી, તે પુષ ધમણની પેઠે ભલે શ્વાસ લે છે, છતાં તેને મૃત્પ્રાય જ જાણવો. આ રીતે યાજ્ઞાવલ્ક્ય ઋષિએ પ્રતિપાદન કર્યું છે. માટે શ્રીહરિનો એવો ભાવ છે કે કોઇપણ પોતાને આશરે રહેનાર પોષ્યવર્ગ હોય, તેમને કલેશ આપવો નહિ. ।।૬૭।।