સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો, ને જરકશી છેડાનું કસુંબલ ભારે શેલું કેડયે બાંધ્યું હતું, ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેંટો માથે બાંધ્યો હતો, ને તે પાઘમાં પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા અને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, "કોઇ પ્રશ્ન પુછો." ત્યારે મુક્તાનંદ સ્વામીએ પુછયું જે, ''કોઇક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઇક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે, માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. અને અવગુણ તો ત્યારે લેવો, જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઇક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઇ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, તેને જોઇને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય, તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણનેજ ગ્રહણ કરે તો તેના જ્ઞાન, વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને જો અવગુણ લે નહિ, તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. ઇતિ વચનામૃતમ્ ।।૫૩।।