સંવત્ ૧૮૭૬ ના ફાગણવદી ૪ ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરા-જમાન હતા અને ધોળો ખેશ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પુછયું જે, "શ્રીમદ્બાગવતમાં કહ્યું છે જે सत्यं शौचं दया क्षान्तिस्त्यागः सन्तोष आर्जवम् ।शमो दमस्तपः सान्यं तितिक्षोपरतिः श्रुतम् ।।ज्ञानं विरक्तिरैश्वर्यं शौर्यं तेजो बलं स्मृतिः ।स्वातन्त्र्यं कौशलं कान्तिर्धैर्यमार्दवमेव च ।।प्रागल्भ्यं प्रश्रयं शीलं सह ओजो बलं भगः ।गाम्भीर्यं स्थैर्यमास्तिक्यं कीर्तिर्मानोनहंकृतिः ।।એ જે ઓગણચાલીસ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?" પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે, તે નિશ્ચય કેવો હોયતો જે 'ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરૂષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વને કર્તા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનનાં સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઇ રીતે કરીને ડગે નહિ, તે ગમે તેવાં ૧તરેતરેનાં ૨શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા ૩મતવાદિની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે, પણ કોઇ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ. એવી જાતનો જેને ભગવાનનાં સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે, જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે, ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે, તેણે કરીને નેત્ર આગળ અંધારૃં હોય તેનો નાશ થઇ જાય છે, તેમ જેને ભગવાનનાં સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે, તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશે સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.
પછી નિર્વિકારાનંદ સ્વામીએ પુછયું જે, "નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઇર્ષ્યાતો દિવસે દિવસે વધતાં જાય છે તેનું શું કારણ હશે ?" પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ભગવાન પાસે એક અમૃત લાવીએ, શિંગડીયો વછનાગ લાવીએ અને દુધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વને ભગવાનના થાળમાં ધરીએ, તોપણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવોજ રહે પણ પલટાઇ જાય નહિ, તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય, તે ભગવાનની સમીપે આવે તો પણ પોતાના સ્વભાવને મુકે નહિ, પછી એ કોઇક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય, શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે. તે પોતાની ઇચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણાવે છે. માટે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશે ભૂંડું થઇ જાય છે, જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી, એવો બળવાન હતો. તોપણ તેણે જો પ્રહ્લાદજીનો દ્રોહ કર્યો તો ભગવાન સ્તંભમાંથી નૃસિંહજી રૂપે પ્રગટ થઇને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો, એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશે ગરીબપણું પકડવું, પણ કોઇનું અપમાન કરવું નહિ. કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે ગરીબના અપમાનના કરનારાનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઇ અલ્પ જીવને પણ દુઃખવવો નહિ અને જો અહંકારને વશ થઇને જેને તેને દુઃખવતો ફરે, તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ, પછી ગમે તે દ્વારે પ્રગટ થઇને એ અભિમાની પુરૂષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે, તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય, તેને લેશ માત્ર અભિમાન રાખવું નહિ અને એક કીડી જેવા જીવને પણ દુઃખવવો નહિ, એજ નિર્માની સાધુનો ધર્મ છે." ઇતિ વચનામૃતમ્ ।।૬૨।।
ભાગ. પ્ર. સ્કં. અ. ૧૬. ૨૬-૨૮ –
૧ સત્યમ્ - સર્વભૂતપ્રાણી માત્રનું હિત કરવું અથવા સત્ય વચન બોલવું.
૨ શૌચમ્ - સમસ્ત હેયનું રોધીપણું અર્થાત્ નિર્દોષપણું.
૩ દયા - પરદુઃખનું અસહન.
૪ ક્ષાન્તિઃ - અપરાધી જનના અપરાધ સહન કરવા.
૫ ત્યાગઃ - પોતે પૂર્ણકામ માટે કોઇનો પણ આદર નહિ કરવો અથવા પોતાના સ્વરૃપ સુધીનું તાપણું.
૬ સંતોષઃ - ક્યારેય પણ કલેશે રહિતપણું.
૭ આર્જવમ્ - ન, વાણી અને કાયાનું એકરૃપપણું એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં ને તેવી જ ક્રિયા કરવી, અર્થાત્ મનમાં બીજું, વાણીમાં બીજું અને ક્રિયામાં બીજું એમ નહિ.
૮ શમઃ - મનનો નિગ્રહ કરવો.
૯ દમઃ -બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો.
૧૦ તપઃ - જગત વ્યવહારમાં પયોગી આલોચન કરવું.
૧૧ સામ્યમ્ - શત્રુ મિત્રાદિભાવે રહિતપણું.
૧૨ તિક્ષા - સુખદુઃખાદિ દ્વંદ્વથી નહિ પરાભવ પામવાપણું.
૧૩ ઉપરતીઃ - વ્યર્થ વ્યાપારથી નિવૃત્તિ થવું.
૧૪ શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થ યથાર્થ જાણવાપણું.
૧૫ જ્ઞાાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઇષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાાન.
૧૬ વિરક્તિ - વિષયોમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું ન આકર્ષણ થવાપણું.
૧૭ ઐશ્વર્યમ્ - પોતાથી વ્યતિરિક્ત સર્વનું નિયંતાપણું.
૧૮ શૌર્યમ્ - યુદ્ધમાંથી પાછું ન વડવું.
૧૯ તેજઃ - કોઇથી પણ ન પરાભવ પામવાપણું.
૨૦ બલમ્ - સર્વની પ્રાણવૃત્તિઓને નિયમન કરવાનું સામર્થ્ય.
૨૧ સ્મૃતિઃ - ભક્તોના મોટા અપરાધોમાં પણ ઉપકારનું સ્મરણ કરવું. ૨૨ સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાએ રહિતપણું.
૨૩ કૌશલમ્ - નિપુણપણું.
૨૪ કાન્તિઃ - ''ન તત્ર સૂર્યોભાતિ'' એ શ્રુતિમાં કહેલી દીપ્તિ.
૨૫ ધૈર્યમ્ - જેમ પોતાના ઘરમાં પ્રવેશ કરે તેમ યુદ્ધમાં પ્રવેશ કરવાનું સામર્થ્ય.
૨૬ માર્દવમ્ - ક્રુરતાએ રહિતપણું.
૨૭ પ્રાગલ્ભ્યમ્ - સભામાં પ્રગલ્ભપણું.
૨૮ પ્રશ્રયઃ - મહાપુરૃષની આગળ વિનયભાવ.
૨૯ શીલમ્ - સદ્વૃત્તાન્ત.
૩૦ સહ - પ્રાણનું સ્વાભાવિક સામર્થ્ય.
૩૧ ઓજઃ - અન્નાદિ જનિત સામર્થ્ય.
૩૨ બલમ્ - ધારણ કરવાનું સામર્થ્ય.
૩૩ ભગઃ - જ્ઞાનાદિ ગુણનો ઉત્કર્ષ.
૩૪ ગાંભિર્યમ્ - અભિપ્રાય ન જાણી શકાય તે.
૩૫ સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત સતે પણ વિકાર ન થાય તે.
૩૬ આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ.
૩૭ કીર્તિઃ - યશ.
૩૮ માન - પૂજાની યોગ્યતા.
૩૯ અનહંકૃતિઃ - ગર્વે રહિતપણું.
૧. કુટિલ યુક્તિથી ભરપુર.
૨. અસચ્છાસ્ત્ર.
૩. શુષ્કવેદાંતિ.