શ્લોક ૪૭

ऐकात्म्यमेव विज्ञोयं नारायणमहेषयोः । उभयोर्ब्रह्मरूपेण वेदेषु प्रतिपादनात् ।।४।।


અને મારા આશ્રિતો હોય તેમણે, નારાયણ અને શિવજી આ બન્નેનું એકાત્મપણું જ જાણવું, કારણ કે વેદને વિષે બેયનું બ્રહ્મપે કરીને પ્રતિપાદન કર્યું છે.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જીવાત્માની જે રીતે ત્રણ અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એજ રીતે વૈરાટનારાયણની પણ ત્રણ અવસ્થા છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય.


અવસ્થાના યોગે જીવાત્માઓના ત્રણ વિભાગ પડે છે. જાગ્રત અવસ્થાના અભિમાની જીવ, તેને વિશ્વાભિમાની કહેવાય છે. સ્વપ્નાવસ્થાના અભિમાની જીવ તેને તૈજસાભિમાની કહેવાય છે, અને સુષુપ્તિ અવસ્થાના અભિમાની જીવ તેને પ્રાજ્ઞાભિમાની કહેવાય છે. આ રીતે અવસ્થાના યોગે એક જ જીવના વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞા આ ત્રણ ભેદો પડે છે. તેમ અવસ્થાના યોગે વૈરાટનારાયણના પણ ત્રણ વિભાગ પડે છે. તેમાં સ્થિતિ અવસ્થાના અભિમાની વિષ્ણુ કહેવાય છે. ઉત્પત્તિ અવસ્થાના અભિમાની બ્રહ્મા કહેવાય છે. અને પ્રલયાવસ્થાના અભિમાની શિવ કહેવાય છે. જેમ જીવાત્માની ત્રણે અવસ્થાઓમાં આત્મતત્ત્વ તો એક જ છે. કેવળ અવસ્થાના યોગે આત્મતત્ત્વની અંદર વિભાગ પડયો છે. એજ રીતે વૈરાટનારાયણની ત્રણે અવસ્થામાં આત્મત્ત્વ તો એક જ છે. કેવળ અવસ્થાના યોગે વૈરાટનારાયણની અંદર વિષ્ણુ, બ્રહ્મા અને શિવ, આ ત્રણ વિભાગો પડયા છે. તેથી જો કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેયનું એકાત્મપણું છે. છતાં શ્રીજીમહારાજે આ વિષ્ણુ, અને શિવનું જે અહીં એકાત્મપણું પ્રતિપાદન કર્યું છે, તેનું રહસ્ય એ જણાય છે કે, આ ભારતદેશની અંદર, તેમાં પણ દક્ષિણમાં વિષ્ણુભક્તો અને શિવભક્તોના મહાભયંકર ઝઘડા ચાલતા હતા. દક્ષિણની અંદર વિષ્ણુકાંચી અને શિવકાંચી છે. ત્યાં એક બાજુ શિવનું મંદિર છે, અને એક બાજુ વિષ્ણુનું મંદિર છે. ત્યાં વિષ્ણુકાંચી અને શિવકાંચીની અંદર રાજધર્મના આશ્રયથી ભયંકર હત્યાકાંડો સર્જાયાં છે. શિવભક્તોએ વિષ્ણુભક્તોની હત્યાઓ કરી અને વિષ્ણુભક્તોએ શિવભક્તોની હત્યાઓ કરી. આ રીતે મહાભયંકર સાંપ્રદાયિક ઝઘડા થયા હતા. તેમાં એક બીજાનાં મંદિરો પણ તોડી પાડતા હતા. અને શિવના ભક્તો વિષ્ણુને માથું નમાવે નહિ, તેમજ વિષ્ણુના ભક્તો શિવને માથું નમાવે નહિ. એટલું જ નહિ, શિવના ભક્તો વિષ્ણુનું નામ લે નહિ, અને વિષ્ણુના ભક્તો શિવનું નામ લે નહિ. અને વળી ઇતિહાસમાં એવું પણ સાંભળવા મળે છે કે- શિવના ઉપાસક રાજાએ રામાનુજાચાર્યના શિષ્યની આંખો પણ ખેંચી કાઢેલી હતી. આ રીતે શિવભક્તો અને વિષ્ણુભક્તોમાં પૂર્વે દ્વેષભાવ ખૂબ જ વૃદ્ધિ પામેલો હતો. એ દ્વેષભાવને દૂર કરવા શ્રીજીમહારાજે વિષ્ણુ અને શિવનું એકાત્મપણું પ્રતિપાદન કર્યું હોય, એમ જણાય છે. શાસ્ત્રમાં તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણેયનું એકપણું પ્રતિપાદન કર્યું છે- ''न ते मय्यच्युते।जे च भिदामण्वपि चक्षते'' ।। इति ।। શંકર ભગવાન માર્કંડેયમુનિ પ્રત્યે કહે છે કે- હે મુને ! જે મહાપુષો છે, એ શંકર એવો જે હું તે મારે વિષે, વિષ્ણુને વિષે અને બ્રહ્માને વિષે અણુમાત્ર પણ ભેદ જોતા નથી. અને વળી નારદપંચરાત્રમાં પણ પ્રતિપાદન કર્યું છે કે- શિવ છે એ સાક્ષાત્ હરિ છે, અને હરિ છે એ સાક્ષાત્ શિવ છે. માટે શિવનો જે દ્વેષી હોય, એ ભલેને વિષ્ણુનું ભજન કરતો હોય, છતાં એ વિષ્ણુ દ્રોહી છે. આ પ્રમાણે અહીં વિષ્ણુ અને શિવનું એકાત્મપણું પ્રતિપાદન કર્યું છે. આ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેયનું એકાત્મપણું હોવા છતાંપણ ત્રણેયને મધ્યે વિષ્ણુ સત્ત્વગુણ પ્રધાન છે. એ જ કારણથી મોક્ષને માટે વેદોએ વિષ્ણુને જ ઉપાસ્ય તરીકે વર્ણવ્યા છે. બ્રહ્મા અને શંકર વૈરાટનારાયણની રજોગુણ પ્રધાન અને તમોગુણપ્રધાન અવસ્થા છે, માટે એ બન્ને મોક્ષ માટે શુભાશ્રય નથી. તેથી જ વેદોએ મોક્ષદાતા તરીકે બ્રહ્મા અને શિવની ઉપાસના વર્ણવેલી નથી. પણ મોક્ષદાતા તરીકે તો વિષ્ણુને જ ઉપાસ્ય તરીકે વેદોએ વર્ણવેલા છે. આ વિષયમાં ભાગવતશાસ્ત્ર પ્રમાણપ છે. ''वरं वृणीश्व भद्रं ते ऋते कैवल्यमद्य नः । एक एवेश्वरस्तस्य भगवान् विष्णुरव्ययः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- દેવતાઓ મુચુકુન્દ રાજાને કહે છે કે- રાજન્ ! તમો અમારી પાસેથી વરદાન માગો. ત્યારે રાજા કહે છે કે, તમો જો પ્રસન્ન થયા હો, અને આપવા ઇચ્છતા હો તો મને મોક્ષ આપો. તે સમયે દેવતાઓ કહે છે કે- રાજન્ ! મોક્ષ તો અમો ન આપી શકીએ, મોક્ષના સ્વામી તો અવિનાશી એવા એક જ વિષ્ણુ છે. માટે મોક્ષ સિવાય બીજું અમારી પાસેથી માગો, ત્યારે રાજાએ નિદ્રા માગેલી છે. આ રીતે ભાગવતશાસ્ત્રમાં મોક્ષદાતા તરીકે વિષ્ણુને જ વર્ણવેલા છે. અને ધામમાં રહેલું જે પરતત્ત્વ છે, જેને મહાવિષ્ણુ કહે છે. એતો ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર છે. એજ પરતત્ત્વ વિષ્ણુપે આ જગતનું પાલન કરે છે. અર્થાત્ સ્થિતિ કરે છે. અને જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે એજ પરતત્ત્વ રામ, કૃષ્ણ, સહજાનંદ આદિક પે અવતારોને ધારણ કરે છે. અને ધર્મરક્ષણદ્વારા જગતનું પાલન કરે છે. અર્થાત્ ધર્મરક્ષણદ્વારા જગતની સ્થિતિ કરે છે. માટે પુરાણોમાં જેમ રામ, કૃષ્ણ, સહજાનંદ આદિક અવતારોની ઉપાસનાએ કરીને મોક્ષપ્રાપ્તિ બતાવેલી છે. એજ રીતે વેદોએ વિષ્ણુની ઉપાસનાએ કરીને મોક્ષપ્રાપ્તિ બતાવેલી છે. એ સિવાય બ્રહ્માશિવાદિકની ઉપાસના કરવાથી આ લોક તથા પરલોકનાં તે તે ફળની પ્રાપ્તિ થાય છે. અને તે તે લોકની પ્રાપ્તિ થાય છે. લૌકિક સુખને ભોગવ્યા પછી પણ જ્યારે વિષ્ણુની તથા રામકૃષ્ણાદિક અવતારોની શુદ્ધ ઉપાસના પ્રાપ્ત થાય છે, ત્યારે જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. આ રીતે ત્રણે અવસ્થાઓના ભેદે કરીને મોક્ષમાં ભેદ બતાવ્યો છે. પણ એ ત્રણે અવસ્થાઓમાં સ્વપ ભેદ નથી. સ્વપે કરીને બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ આ ત્રણેનું એકાત્મપણું છે, છતાં વિષ્ણુ શુદ્ધ સત્વગુણ પ્રધાન છે, માટે શુભાશ્રય છે. અને શુભાશ્રય હોવાથી જ ઉપાસનીય છે. આ રીતે સ્વપે કરીને ત્રણેની એકતા હોવાને કારણે શિવના જે ભક્તો હોય, તેમણે વિષ્ણુના ભક્તોની સાથે દ્વેષ કરવો નહિ. અને વિષ્ણુના ભક્તો હોય, તેમણે શિવના ભક્તોની સાથે દ્વેષ કરવો નહિ. આ રીતે પરસ્પર દ્વેષભાવને છોડી કરી પોતપોતાના ઇષ્ટદેવનું ભજન કરવું, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૪૭।।