શ્લોક ૪૮

शास्त्रोक्त आपद्धर्मो यः स त्वल्पापदि कर्हिचित् । मदाश्रितैर्मुख्यतया ग्रहीतव्यो न मानवैः ।।४८।।


અને મારા આશ્રિતો હોય તેમણે, શાસ્ત્રમાં કહેલો મોટા આપત્કાળનો જે ધર્મ, તેને નાના આપત્કાળમાં મુખ્યપણે ક્યારેય પણ ગ્રહણ કરી લેવો નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- સ્વસ્થકાળના ધર્મો શાસ્ત્રમાં પૃથક્ વર્ણવેલા છે. અને આપત્કાળના ધર્મો પણ પૃથક્ વર્ણવેલા છે. અર્થાત્ મનુષ્ય જ્યારે સ્વસ્થ હોય, તે સમયના ધર્મ જુદા છે. અને જ્યારે સંકટમાં આવી પડેલો હોય, તે સમયના ધર્મો જુદા છે. જેમ કે આપત્કાળનો ધર્મ આ સ્મૃતિમાં બતાવ્યો છે- ''आर्तो व्रताहेप्यश्नीयादन्नं विष्णुनिवेदितम्'' ।। इति ।। આ શ્લોકનો અર્થ એ છે કે, મરણપથારીમાં પડેલો એવો રોગી હોય, તેમણે એકાદશી આદિક વ્રતના દિવસે પણ વિષ્ણુને નિવેદન કરેલું અન્ન જમી લેવું. આ રીતે મોટા આપત્કાળમાં ભોજનનું વિધાન કરનાર શાસ્ત્રને જ મુખ્યપણે ગ્રહણ કરીને થોડો તાવ આવે કે થોડું માથું દુઃખે, આવા નાના આપત્કાળમાં મારા આશ્રિતોએ અન્ન જમી લેવું નહિ. શાસ્ત્રમાં તો પોતાનું શરીર જેવી રીતે ગ્લાનિને ન પામે, અને મૃત્યુને વશ ન થાય, એ રીતે આપત્કાળમાં વર્તવાનું વિધાન કરેલું છે. મહાન આપત્કાળ આવી પડેલો હોય, તો કોઇપણ પ્રકારે શરીરનું રક્ષણ કરવું જોઇએ, આવો શાસ્ત્રોનો અભિપ્રાય છે. વેદાન્તમાં એક કથા છે. ચાક્રાયણ નામના એક ઋષિ હતા. એ ઋષિના આઠ ઉપવાસ થયા, કાંઇ ખાવા અન્ન મળ્યું નહિ. પછી નવમે દિવસે કોઇ ચાંડાલ અડદ રાંધતો હતો. ત્યાં આ ઋષિ જઇ પહોંચ્યા. ચાક્રાયણ ઋષિએ ચાંડાળના હાથના રાંધેલા અડદ માગ્યા. તેથી ચાંડાળે અડદ ઋષિને આપ્યા. શુદ્ધ બ્રાહ્મણવંશમાં જન્મેલા ચાક્રાયણ ઋષિ ચાંડાળના રાંધેલા અડદ જમી ગયા. પછી ચાંડાળને વિચાર થયો કે આ ઋષિ ભૂખ્યા છે, તેથી તરસ્યા પણ હશે. એટલે ચાંડાળે મહર્ષિને જળ આપ્યું. તે સમયે ચાક્રાયણ ઋષિ બોલ્યા કે મારાથી તારા હાથનું પાણી પીવાય નહિ. હું શુદ્ધ બ્રાહ્મણ વંશમાં જન્મેલો ઋષિ છું.


ત્યારે ચાંડાળે કહ્યું કે- મારા હાથના રાંધેલા અડદ તમે જમી શકો, અને પાણી કેમ પી ન શકો ? તે સમયે ચાક્રાયણ ઋષિએ જવાબ આપ્યો કે, મને જો અત્યારે કાંઇ અન્ન મળ્યું ન હોત તો હું મરી જવાનો હતો. તેથી મારા પ્રાણના રક્ષણને માટે એક આપત્તિનો ધર્મ સ્વીકારીને તારા હાથના અડદ મેં સ્વીકાર્યા હતા. અને હવે તો મારા શરીરમાં ચેતન આવી ગયું છે. તેથી હજુ પણ જો હું આપત્કાળના ધર્મને અનુસરીને તારા હાથનું જળ સ્વીકારૂં, તો હું ઇશ્વરનો ગુનેગાર કહેવાઉં. માટે હવે મને તારૂં પાણી ન જોઇએ. આ રીતે ઋષિમુનિઓએ પોતાના જીવન દ્વારા આપણને શીખવાડયું છે કે, શાસ્ત્રમાં જો થોડી છૂટ આપી હોય, તો તેનો કાયમ ઉપયોગ કરવો નહિ. જ્યારે આપત્કાળ હોય ત્યારે આપત્કાળના ધર્મનું પાલન કરી લેવું. અને જ્યારે સ્વસ્થકાળ આવે ત્યારે પ્રાયશ્ચિત કરીને ફરીવાર પોતાના મુખ્ય ધર્મમાં આવી જવું. આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૪૮।।